માન્ચેસ્ટરઃ આઠમી જૂને દેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે માન્ચેસ્ટરમાં ત્રાસવાદી હુમલાએ દહેશતનું વાતાવરણ ફેલાવી દીધું છે. સોમવારે રાત્રે ૧૦.૩૫ના સુમારે માન્ચેસ્ટર અરીનામાં અમેરિકી પોપ ગાયિકા આરિયાના ગ્રાન્ડના કોન્સર્ટનું સમાપન થયું ત્યારે રોમાંચની ઘડીઓ આતંક, દહેશત, ચીસાચીસ, ભાગદોડ અને આંસુઓમાં ફેરવાઈ ગઈ હતી. અરીનાના એક્ઝિટ નજીક ત્રાસવાદી સુસાઈડ બોમ્બના વિસ્ફોટમાં બાળકો સહિત ૨૨ વ્યક્તિના મોત થયા હતા અને ૫૯ વ્યક્તિને ઈજા થઈ હતી. વિસ્ફોટ થતાં જ હજારો લોકો અરીનામાંથી ભાગતાં નજરે પડ્યાં હતાં અને ઘણાં લોકો તો લોહીથી તરબોળ હાલતમાં હતાં. ઈમર્જન્સી સેવા અને સશસ્ત્ર પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સ્પ્લોઝિવ ડિવાઈસનો વિસ્ફોટ થતાં જ આત્મઘાતી હુમલાખોર માર્યો ગયો હતો. આ ત્રાસવાદી કૃત્ય એક વ્યક્તિનું હતું કે તેમાં કોઈ જૂથ સંકળાયેલું છે તેના વિશે તપાસ આરંભાઈ છે. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે સ્યુસાઇડ બોમ્બર તરીકે માન્ચેસ્ટરના ૨૨ વર્ષીય યુવક સલમાન આબેદીની ઓળખ કરી છે. માંચેસ્ટરમાં જ જન્મેલો આબેદી લિબિયન માતાપિતાનું સંતાન હતો. આતંકી હુમલા સંદર્ભે પોલીસે સાઉથ માંચેસ્ટરમાંથી એક યુવાનની ધરપકડ કરી છે.
ક્વીન એલિઝાબેથ દ્વિતીયે આ લોહિયાળ હુમલાની ઘટના અંગે મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવાર સહિત અસરગ્રસ્તો પ્રત્યે ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. ૨૩ વર્ષીય ગાયિકા આરિયાનાએ ટ્વીટ કરીને આ લોહિયાળ ઘટના સંદર્ભે તેની પાસે દુઃખ વ્યક્ત કરવાના શબ્દો પણ નથી તેમ જણાવી આઘાત વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાન થેરેસા મે અને લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને મૃતકો અને ઈજાગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ચૂંટણીપ્રચાર મુલતવી રાખ્યો હતો. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ ચીફ સુપરિન્ટેન્ડન્ટ ઈઆન હોપકિન્સે મંગળવાર સવારે જણાવ્યું હતું કે સુસાઈડ બોમ્બરનું એરીનામાં જ મોત થયું છે અને તેમનું દળ આને ત્રાસવાદી હુમલો જ ગણી રહ્યું છે.
માન્ચેસ્ટર અરીનામાં પોપ ગાયિકા આરિયાનાનો કાર્યક્રમ સમાપ્ત થયો ત્યારે લોકો બહાર નીકળી રહ્યાં હતા. આ સમયે અરીના અને નજીકના વિક્ટોરિયા સ્ટેશન વચ્ચે પ્રાંગણમાં એક્ઝિટ પાસે જ સુસાઈડ બોમ્બરે યુવા વર્ગને નિશાન બનાવતો વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્ફોટમાં સેંકડો ખીલીઓ, નટ-બોલ્ટ્સે કોન્સર્ટમાં જનારા, બાળકો સાથે બહાર જઈ રહેલા પેરન્ટ્સ તેમજ પોતાના સંતાનોને લેવા આવેલા માતાપિતાને નિશાન બનાવ્યાં હતાં, જેમાં બાળકો સહિત ૨૨ વ્યક્તિએ જાન ગુમાવ્યા હતા. મોટા ભાગના લોકોને શરીરના નીચલા હિસ્સામાં ઈજા પહોંચી હતી. લંડનમાં ૨૦૦૫માં સાત જુલાઈના બોમ્બવિસ્ફોટમાં બાવન લોકોનાં મૃત્યુ થયા હતા તે પછી યુકેમાં આ સૌથી લોહિયાળ ત્રાસવાદી હુમલો છે.
આરિયાનાના કોન્સર્ટ માટે ૨૧,૦૦૦ બેઠકો સાથેના અરીનાની તમામ ટિકિટો વેચાઈ જતા સ્ટેડિયમ ભરચક હતું. ભયાનક વિસ્ફોટ થતા ગભરાયેલા તરુણો અને બાળકોએ સીટો પરથી કૂદી જાન બચાવવા પ્રયાસ કર્યો હતો. ભાગદોડને નજરે નિહાળનારા સાક્ષીઓએ આ પરિસ્થિતિને ‘વોર ઝોન’ સમાન ગણાવી હતી. ત્રાસવાદી હુમલા પછી પણ લોકો પોતાના સ્વજનો અને મિત્રોને શોધતાં નજરે પડ્યાં હતા. પોલીસ અધિકારીઓએ તેમની મદદ કરી હતી.
‘હું ભાંગી પડી છું.’ઃ પોપ ગાયિકા આરિયાના
સુસાઈડ એટેકમાં ઈજા વિના બચી ગયેલી પોપ ગાયિકા આરિયાના ગ્રાન્ડે ટ્વીટ કરી જણાવ્યું હતું કે,‘હું ભાંગી પડી છું. મારા હૃદયના ઊંડાણમાંથી હું ભારે દિલગીરી વ્યક્ત કરું છું. મારી પાસે કોઈ શબ્દો નથી.’ આરિયાનાએ છેલ્લું ગીત રજૂ કર્યા પછી લોકો બહાર જઈ રહ્યાં હતાં ત્યારે આ વિસ્ફોટ થયો હતો. તેના મેનેજર સ્કૂટર બ્રાઉને જણાવ્યું હતું કે,‘અમે બાળકો માટે શોક વ્યક્ત કરીએ છીએ.’ અહેવાલો અનુસાર આરિયાના ગ્રાન્ડે માન્ચેસ્ટર હુમલા પછી પોતાની ‘ડેન્જરસ વુમન ટુર’ વર્લ્ડ ટુર સસ્પેન્ડ કરી નાખી છે. આ પ્રવાસ એરિઝોનાના ફોનિક્સમાં ફેબ્રુઆરીના કોન્સર્ટ સાથે શરુ થયો હતો અને હોંગકોંગના એશિયા વર્લ્ડ અરીનામાં ૨૧ સપ્ટેમ્બરે તેનુ સમાપન થવાનું હતું. ગુરુવારે લંડનના O2 Arena માં તેનું કોન્સર્ટ બંધ રખાયું છે, જ્યારે બેલ્જિયમ, પોલેન્ડ, જર્મની અને સ્વીટ્ઝર્લેન્ડમાં તેના નિયત પરફોર્મન્સીસ હાલ મુલતવી રખાયા છે. કોન્સર્ટના સાથી સંગીતકારોએ પણ હુમલાના અસરગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અંજલિ અર્પી હતી.
ચૂંટણીપ્રચાર મુલતવી રખાયો
વડા પ્રધાન થેરેસા મેએ મંગળવારે કોબ્રા ઈમર્જન્સી કમિટીની બેઠક બોલાવી પરિસ્થિતિની ચર્ચા કરી હતી. તેમણે આગામી મહિનાની સામાન્ય ચૂંટણી માટેનો પ્રચાર મુલતવી રાખવાની જાહેરાત પણ કરી હતી. થેરેસા મેએ માન્ચેસ્ટર હુમલાને આઘાતજનક ગણાવ્યો હતો.
વડા પ્રધાને જણાવ્યું હતું કે,‘અમારા બધાની લાગણી-સંવેદનાઓ આ ઘટનાના મૃતકો અને અસરગ્રસ્તોના પરિવારોની સાથે જ છે. આઘાતજનક ત્રાસવાદી હુમલાની સંપૂર્ણ વિગતો પ્રસ્થાપિત કરવા અમે કામ કરી રહ્યાં છીએ.’ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન, યુકેઆઈપીના નાઈજેલ ફરાજ, લિબરલ ડેમોક્રેટ નેતા ટીમ ફેરોન, લિવરપૂલ સિટી રીજિયન મેટ્રો મેયર સ્ટીવ રોધરહામ સહિતના નેતાઓએ આ નૃસંશ હુમલાને વખોડી કાઢ્યો હતો. ફરાજે બાળકો પરના આ સીધા હુમલાને ઈસ્લામિક ત્રાસવાદનું કૃત્ય ગણાવ્યું હતું.
માન્ચેસ્ટરના નવા ચૂંટાયેલા મેયર એન્ડી બર્નહામે ટ્વીટ કરી જણાવ્યું હતું કે જે લોકોએ પોતાના સ્નેહીજનો ગુમાવ્યા છે તેમના દુઃખે હું દુઃખી છું. આપણા મહાન શહેર માટે આ રાત્રિ ગોઝારી હતી.
ISIS ના સમર્થકોએ સોશિયલ મીડિયા પર હુમલાને વધાવ્યો
ISISના સમર્થકોએ માન્ચેસ્ટર હુમલાને ઓનલાઈન વધાવ્યો હતો. આ હુમલા માટે કોઈ જૂથ કે સંસ્થાએ જવાબદારી લીધી નથી. જોકે, હુમલાના ચાર કલાક અગાઉ ટ્વીટર પર મૂકાયેલા બે સંદેશામાં આ હત્યાકાંડની આગાહી કરાઈ હોવાનું કહેવાય છે. ચકાસણી નહિ કરાયેલા ટ્વીટર એકાઉન્ટમાં ISISનો કાળો ધ્વજ દર્શાવાયો હતો, જેની સાથે #IslamicState અને #Manchesterarena હેશટેગ્સ પણ મૂકાયા હતા. આ ટ્વીટરમાં એમ પણ જણાવાયું હતું કે,‘તમે ધમકી ભૂલી ગયા છો? આ ન્યાયપૂર્ણ ત્રાસવાદ છે.’ જોકે, આ એકાઉન્ટ થોડી વારમાં જ કાઢી નખાયું હતું. ટ્વીટર દ્વારા આવા અનેક એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયાં હતાં. અબ્દુલ હક નામના યુઝર દ્વારા મૂકાયેલા એક સંદેશામાં જણાવાયું હતું કે, ‘એમ લાગે છે કે મોસુલ અને રાકાના બાળકો પર બ્રિટિશ એરફોર્સ દ્વારા નખાયેલા બોમ્બ ફરીને માન્ચેસ્ટર પર આવ્યા છે.’ કેટલાક લોકોએ કથિત ‘લોન વુલ્ફ’ હુમલાઓને પ્રોત્સાહિત કરતા સંદેશા તથા પશ્ચિમ અને યુએસને ધમકી આપતા વિડિયો શેર કર્યા હતા.