માઇક્રોસોફ્ટની વિશ્વવ્યાપી ટેકનિકલ ખામીએ બ્રિટનને થંભાવી દીધું

યુકેમાં એરપોર્ટ, હોસ્પિટલ, એનએચએસ અને જીપી સર્જરી, ટ્રેન સેવાઓ, બેન્કો, લંડન સ્ટોક એક્સચેન્જ અને વિવિધ ટીવી ચેનલોની કામગીરી ઠપ્પ થઇ ગઇ

Tuesday 23rd July 2024 12:33 EDT
 
 

લંડનઃ માઇક્રોસોફ્ટના ક્લાઉડ સર્વરમાં સર્જાયેલી ખામીને પગલે સમગ્ર વિશ્વની સાથે યુકે પર પણ ગંભીર અસરો વર્તાઇ હતી. ટેકનિકલ ખામીના કારણે વિન્ડોઝ કોમ્પ્યુટરો કામ કરતાં અચાનક બંધ થઇ જતાં યુકેમાં એરપોર્ટ, હોસ્પિટલ, જીપી સર્જરી, ટ્રેન સેવાઓ, બેન્કો, લંડન સ્ટોક એક્સચેન્જ અને વિવિધ ટીવી ચેનલોની કામગીરી ઠપ થઇ ગઇ હતી.

લંડનના હિથ્રો, ગેટવિક અને સ્કોટલેન્ડના એડિનબરો એરપોર્ટ પર બોર્ડિંગ, ચેક-ઇન સહિતની કામગીરી ઠપ્પ થતાં સંખ્યાબંધ ફ્લાઇટ રદ કરાતાં સેંકડોની સંખ્યામાં પ્રવાસીઓ એરપોર્ટ પર જ અટવાઇ પડ્યાં હતાં. ગેટવિક, લ્યૂટન અને એડિનબરો એરપોર્ટ પર પ્રવાસીઓની લાંબી કતારો જોવા મળી હતી. રાયનએર અને વિઝ્ઝએરની સંખ્યાબંધ ફ્લાઇટ રવાના થવામાં અવરોધ સર્જાયા હતા. ટ્રેનના પ્રવાસીઓને પણ વ્યાપક આઇટી ઇશ્યૂના કારણે ટ્રેનો મોડી પડતાં પ્રવાસમાં વિલંબનો સામનો કરવો પડ્યો હતો. મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી. 

એનએચએસની એપોઇન્ટમેન્ટ બુકિંગ સિસ્ટમમાં સમસ્યાઓ સર્જાતાં સંખ્યાબંધ જીપી સર્જરી સ્થગિત રાખવાની ફરજ પડી હતી. કમ્બ્રિયા,ચેશાયર, યોર્કશાયર અને વેસ્ટ મિડલેન્ડ્સમાં કામ કરતા જીપીઓએ જણાવ્યું હતું કે અમારી સિસ્ટમો ખોરવાઇ ગઇ છે.

લંડન સ્ટોક એક્સચેન્જનું સંચાલન કરતા એલએસઇ ગ્રુપે જણાવ્યું હતુ કે, અમે વિશ્વવ્યાપી ખામીના કારણે સમાચારો પ્રસિદ્ધ કરી શક્તાં નથી. સ્કાય ન્યૂઝ અને સીબીબીસી ટીવી ચેનલોની કામગીરી પણ ઠપ્પ થઇ ગઇ હતી. બેન્કો, સુપરમાર્કેટો અને અન્ય મોટા સંસ્થાનોમાં પણ કોમ્પ્યુટર સેવાઓ ખોરવાઇ ગઇ હતી.

માઇક્રોસોફ્ટ ઇફેક્ટઃ લાખો કર્મચારીઓ વેતનથી વંચિત રહ્યાં

માઇક્રોસોફ્ટના વિન્ડોઝ પ્રોગ્રામમાં વિશ્વવ્યાપી ખામીના કારણે બ્રિટનના લાખો કર્મચારીઓને સમયસર પગાર નહીં મળે. હજુ આ સમસ્યાનો સંપુર્ણ ઉકેલ આવ્યો નથી તેથી તેની સીધી અસર કંપનીઓ અને ખાસ કરીને તેમના સ્ટાફને ચૂકવવાના થતા સાપ્તાહિક વેતન પર પડશે. પેરોલ પ્રોફેશનલ્સની એક સંસ્થાના મેલાની પિઝ્ઝેએ જણાવ્યું હતું કે, અમારા સંખ્યાબંધ ક્લાયન્ટે ફરિયાદ કરી છે કે તેઓ પેરોલ સોફ્ટવેર ચલાવી શક્તા નથી. આ સમસ્યા ક્યાં સુધી જારી રહેશે તે કોઇ કહી શકે તેમ નથી તેથી સમગ્ર દેશણાં વેતનની ચૂકવણી પર ગંભીર અસર પડે તેવી સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter