લંડનઃ સત્તામાં આવ્યા બાદ લેબર સરકારે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલી આપવાની અગાઉની કન્ઝર્વેટિવ સરકારની યોજનાને અભેરાઇ પર ચડાવી દીધી છે પરંતુ રવાન્ડાને આ યોજના માટે નવો લેવાલ જર્મનીના રૂપમાં મળી ગયો છે. હવે જર્મની માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલી આપવા પર વિચારણા કરી રહ્યો છે. તે યુકે દ્વારા નાણા ચૂકવાયા હતા તે અસાયલમ સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે.
જર્મનીના માઇગ્રેશન કમિશ્નર જોઆકિમ સ્ટેમ્પે યુરોપિયન યુનિયનના દેશોમાં પ્રવેશતા રાજ્યાશ્રય વાંચ્છુઓને અટકાવવા સરકાર પર વધી રહેલા દબાણ મધ્યે માઇગ્રન્ટ્સને રવાન્ડા જેવા ત્રીજા દેશમાં મોકલી આપવા પ્રસ્તાવ મૂક્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, અગાઉની રિશી સુનાક સરકારની રવાન્ડા યોજના માટે રવાન્ડામાં ઊભી કરાયેલી સુવિધાઓનો ઉપયોગ કરવાની યુરોપિયન સંઘની પહેલનો જર્મની પણ ઉપયોગ કરી શકે છે.
સર કેર સ્ટાર્મરની સરકારે રિશી સુનાકની રવાન્ડા યોજનાને રદ કરીને તેના નાણાનો ઉપયોગ ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા માઇગ્રન્ટ્સને અટકાવવા માટે બોર્ડર ફોર્સની રચના સહિતના અન્ય પગલાંઓમાં કરવાનું શરૂ કર્યું છે. પરંતુ સુનાકની આ યોજના હવે યુરોપિયન યુનિયનને પસંદ પડી રહી છે. જર્મની જેવા દેશો તેને અપનાવવા સક્રિય વિચારણા કરી રહ્યાં છે.