લંડનઃ અફઘાનિસ્તાનમાં પ્રિન્સ હેરી સાથે યુદ્ધમાં ભાગ લેનારા અને બંને પગ ગુમાવનારા ૩૮ વર્ષીય ગુરખા સૈનિક હરિ બુધા-માગરને પાંચ વર્ષ ટ્રેનિંગ લીધી હોવાં છતાં માઉન્ટ એવરેસ્ટ ચડવા પ્રતિબંધિત કરાયા છે. નેપાળી ટુરિઝમ મિનિસ્ટ્રીએ ઠરાવ્યું છે કે મૃત્યુ આંક ઘટાડવાના પ્રયાસરુપે બંને પગ ગુમાવનાર અને અંધ વ્યક્તિને માઉન્ટ એવરેસ્ટ ચડવા પ્રતિબંધિત કરાશે.
હરિ બુધા-માગરે ફર્સ્ટ રોયલ ગુરખા રાઈફલ્સમાં ફરજ બજાવી હતી અને એપ્રિલ ૨૦૧૦માં બોમ્બ વિસ્ફોટમાં બંને પગ ગુમાવ્યા હતા. કેન્ટના કેન્ટરબરીમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી સાથે રહેતા હરિએ બાળપણથી જ વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચડવાનું સ્વપ્ન સેવ્યું હતું. જો તેને પર્વતારોહણની પરવાનગી અપાઈ હોત તો બંને ઘૂંટણથી ઉપર કપાયેલી પ્રથમ વ્યક્તિ બન્યો હોત. હરિ ૧૯ વર્ષની વયે બ્રિટિશ આર્મીમાં જોડાયો હતો અને ૧૫ વર્ષ સુધી રોયલ ગુરખા રાઈફલ્સમાં બ્રિટિશ તાજની સેવા કરી હતી. તે કેટલાક મિત્રો સાથે Conquering Our Dreams ટીમનો સભ્ય હતો. મુશ્કેલીઓથી વાકેફ હોવાં છતાં તેણે ક્રાઉડ સેર્સિંગ પેજ તૈયાર કર્યું હતું અને પોતાના સ્વપ્નની જાણકારી આપી હતી.
અફઘાનિસ્તાનમાં બંને પગ ગુમાવ્યા પછી પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસના શિકાર હરિએ ફરીથી સ્કાયડાઈવ, આલ્પાઈન અને નોર્ડિક સ્કીઈંગ, કાયાકિંગ સહિત સંખ્યાબંધ રમતોની તાલીમ મેળવી હતી.