લંડનઃ માનવીએ ગત ૫૦,૦૦૦ વર્ષોમાં વધુપડતો શિકારને પૃથ્વી પર પક્ષીઓની ૪૬૯ પ્રજાતિઓ નષ્ટ કરી નાખી હોવાનું તેલ અવિવ યુનિવર્સિટી અને વેઈઝમાન ઈન્સ્ટિટ્યૂટના અભ્યાસમાં જણાવાયું છે. સંશોધન અનુસાર આશરે ૨૦,૦૦૦ વર્ષ પહેલા પક્ષીઓની પ્રજાતિઓ લુપ્ત થવાની શરૂઆત થઈ હતી. આ પછી ૨૦ ટકા પક્ષીઓ નષ્ટ પામ્યા છે. જોકે, વાસ્તવિક સંખ્યા ઘણી વધુ હોઈ શકે તેમ સંશોધકો કહે છે.
લુપ્ત થઈ ગયેલાં મોટા ભાગના પક્ષીઓ વિશાળકાય હતાં, ટાપુઓ પર રહેતાં હતાં અને ઉડી શકતાં ન હોવાથી શિકારીઓનો શિકાર બન્યાં હતાં. આવાં લુપ્ત પક્ષીઓમાં ન્યૂ ઝીલેન્ડના વિશાળકાય મોઆ પક્ષી ૧૭મી સદીમાં તેમજ માડાગાસ્કરના તટથી દૂર મોરેશિયસના ટાપુના ડોડો પક્ષીઓનો અંત ૧૬મી સદીમાં આવ્યો હતો. સંશોધકોએ જણાવ્યા અનુસાર આ ટાપુઓ પર માનવીઓ આવ્યા પછી સમગ્ર કોમ્યુનિટીનું પેટ ભરવા માટે વિશાળકાય પક્ષીઓનો શિકાર વધ્યો હતો તે આ પક્ષીઓ લુપ્ત થવાનું મુખ્ય કારણ છે.
ધ જ્યોર્જ એસ. વાઈઝ ફેકલ્ટી ઓફ લાઈફ સાઈન્સીસ ખાતે સ્કૂલ ઓફ ઝૂલોજી અને તેલ અવિવ યુનિવર્સિટીના સ્ટેઈનહાર્ડ્ટ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટરીના શાઈ મેઈરીએ કહ્યું હતું કે,‘સૌપ્રથમ વખત સમગ્ર વિશ્વના પક્ષીઓની સંખ્યા અને લક્ષણો પરના જથ્થાત્મક ડેટાના સંગ્રહ અને વૈજ્ઞાનિક સાહિત્યનો કોમ્પ્રિહેન્સિવ રિવ્યી કરવામાં આવ્યો હતો. ગત ૩૦૦ જેટલાં વર્ષમાં લુપ્ત થયેલાં પક્ષીઓ વિશે જાણકારી છે પરંતુ, વિશ્વભરમાં આર્કિઓલોજીકલ અને પેલીઓન્ટોલોજી સાઈટ્સમાંથી મળી આવેલા ફોસિલ્સ અવશેષો થકી વિજ્ઞાનને અગાઉની પ્રજાતિઓની જાણકારી મળી હતી. ગત ૫૦,૦૦૦ વર્ષના ગાળામાં પક્ષીઓની લુપ્ત થયેલી ૪૬૯ પ્રજાતિની યાદી તૈયાર કરી શકાઈ છે. જોકે, વાસ્તવમાં સંખ્યા વધુ હોઈ શકે છે.
મેઈરી માનવજાતને દોષી ઠરાવે છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે પક્ષીઓના વિશાળ પ્રમાણમાં આવશેષો પ્રીન માનવ વસાહતોમાં મળી આવ્યાં છે. અન્ય પુરાવા પણ દર્શાવે છે કે ટાપુઓ પર માનવીના આગમન પછી જ પક્ષીઓ અદૃશ્ય થયા હતાં. જર્નલ ઓફ બાયોજીઓગ્રાફીમાં પ્રકાશિત અભ્યાસ મુજબ સામાન્યપણે મેદાની પક્ષીઓ કરતાં ટાપુ પર રહેતાં પક્ષીઓ કદમાં મોટાં હતા. મોટાં પક્ષીથી ખોરાક વધુ મળતો હતો. આશરે ૫૦,૦૦૦ વર્ષ અગાઉ ઓસ્ટ્રેલિયામાં થન્ડરબર્ડ અથવા ડેમોન ડક તરીકે ઓળખાતું પક્ષી મિહિરંગ (Mihirung) ૯ ફૂટની ઊંચાઈ ધરાવતું હતું અને ઉડી શકતું ન હતું. લુપ્ત થયેલા પક્ષીઓમાં લગભગ ૯૦ ટકા પક્ષી ટાપુઓ પર રહેતા હતા અને ઉડી શકતા ન હતા. ન્યૂ ઝીલેન્ડના જાયન્ટ મોઆ જેવાં ઉડી નહિ શકતાં પક્ષીનો શિકાર સરળ હતો. વિજ્ઞાન જાણે છે તેવી નહિ ઉડનારા પક્ષીઓની પ્રજાતિના ૬૮ ટકા પક્ષી લુપ્ત થઈ ગયા છે.