લંડનઃ હોરાઇઝન સ્કેન્ડલમાં માતાને જેલમાં જતી બચાવવા માટે ન કરેલા અપરાધની કબૂલાત કરનાર રવિન્દર નાગાને દોષમુક્ત જાહેર કરાયા છે. ફેબ્રુઆરી 2010માં રવિન્દરે તેમની માતાની સ્કોટલેન્ડના ગ્રીનોક ખાતેની પોસ્ટ ઓફિસમાંથી 35,000 પાઉન્ડની ચોરી કરી હોવાની ખોટી કબૂલાત કરી હતી. ગયા સપ્તાહમાં ગુરુવારે અપીલ જજોએ રવિન્દરને દોષી ઠેરવતા ચુકાદાને રદ કરી નાખ્યો હતો.
રવિન્દરે જણાવ્યું હતું કે, હિસાબમાં 35,000 પાઉન્ડ ઓછા જણાતા તેમને એમ લાગ્યું હતું કે મારી માતા જેલની સજા સહન કરી શકશે નહીં. તેથી તેમણે આ આરોપ પોતાના માથે લઇ લીધો હતો. મને એમ લાગી રહ્યું છે કે જો મેં 15 વર્ષ પહેલાં આ ન કર્યું હોત તો હું અહીં બેસીને મારા ચુકાદાને રદ થતો જોઇ શક્યો ન હોત. રવિન્દર સ્કોટલેન્ડમાં કોર્ટ સિસ્ટમ દ્વારા નિર્દોષ ઠેરવાયેલા પોસ્ટ ઓફિસ હોરાઇઝન સ્કેન્ડલના આઠમા પીડિત છે. રવિન્દરને નાણા પરત કરવા અને 300 કલાકની કોમ્યુનિટી સર્વિસની સજા કરાઇ હતી.
રવિન્દરે 2022માં તેમના ચુકાદા અને સજાની સમીક્ષા કરવાની અપીલ કરી હતી. સ્કોટિશ કેસિસ રીવ્યૂ કમિશને જણાવ્યું હતું કે, જે સંજોગોમાં રવિન્દરે પોતે દોષી હોવાનું સ્વીકાર્યું તેમાં તે મજબૂર હતા.
રવિન્દરને કોમ્યુનિટી સર્વિસ કરતા સમયે ટીબીનો રોગ લાગુ પડ્યો હતો. તેઓ કહે છે કે મેં આરોપ મારા માથે લીધો તેનો મને કોઇ અફસોસ નથી.
પોસ્ટ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમારા ભૂતકાળના પગલાંને કારણે પડેલી મુશ્કેલીઓ માટે અમે અત્યંત દિલગીર છીએ. અમે હવે પીડિતોને સાચા જવાબ મળી રહે અને તેમના પરના ખોટા આરોપ દૂર થાય તે માટે બનતું બધું કરી રહ્યાં છીએ.