'સૌ બ્રિટનવાસી ગુજરાતીઅોએ જો પોતાની સંસ્કૃતિ, ધર્મ અને વારસાને જીવતો રાખવો હશે અને તેમણે માતૃભૂમિનું ઋણ ઉતારવું હશે તો ઘરમાં અને પોતાના મિત્રો-પરિચિતો સાથેની વાતચીતમાં ગુજરાતીમાં જ બોલવું જોઇએ' એવી નમ્ર અપીલ ગુજરાતી લોકસંગીત ક્ષેત્રે મોખરાનું નામ ગણાતા જાણીતા કલાકાર કિર્તીદાનભાઇ ગઢવીએ એક મુલાકાતમાં કરી હતી. રંગીલુ ગુજરાત કાર્યક્રમ માટે લંડન પધારેલા કિર્તીદાન ગઢવી, તેમના પત્ની સોનલબેન ગઢવી અને લલિતાબેન ઘોડેદ્રાએ સોમવાર તા. ૨૨ અોગસ્ટના રોજ 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' કાર્યાલયની મુલાકાત લઇને ખુલ્લા દિલે સીબી તેમજ અન્ય સહયોગીઅો સાથે ભારત અને દુનિયાભરમાં વસતા ગુજરાતીઅો, આપણી સંસ્કૃતિ અને કલાવારસા અંગે ચર્ચા કરી હતી.
કિર્તીદાન ગઢવીએ 'ગુજરાતી ભાષાની જાળવણી અંગે જણાવ્યું હતું કે 'ગુજરાતી ભાષાને કાંઇજ થવાનું નથી. લોકો કામ પૂરતું ઇંગ્લીશ બોલે છે, પરંતુ જ્યારે બે મિત્રો મળે કે પરિવારજનો મળે ત્યારે સૌ ફક્ત ગુજરાતી ભાષાનો જ આગ્રહ રાખે છે અને વાતો પણ ગુજરાતીમાં જ કરે છે. કદાચ અહીની પરિસ્થિતિ અલગ હશે પરંતુ હું વિદેશમાં વસતા તમામ ગુજરાતીઅોને નમ્ર વિનંતી કરવા માગું છું કે જો તમારે તમારા સંસ્કાર અને ધર્મને જાળવવા હશે, તમારે ગુજરાતી તરીકેની અોળખ જાળવી રાખવી હશે તો તમારે ઘરે, મિત્રો-સંબંધીઅો સાથે ગુજરાતી બોલવું જ જોઇએ. આપણી માતૃભુમિનું ઋણ ચૂકવવા ગુજરાતી બોલજો. ભાષા અને સંસ્કૃતિ થકી જ સંવેદના જળવાશે. મારા મતે તો સંવેદના વગરનો માણસ મૃતદેહ બરાબર છે. ગુજરાતીઅો પોતાની સંસ્કૃતિનું મહત્ત્વ ખૂબજ સમજે છે અને તેથી જ ગુજરાતીઅોએ પોતાની સંસ્કૃતિ બરોબર જાળવી રાખી છે.'
કિર્તીદાનભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે એમએ ટીવી ચેનલ દ્વારા કોક સ્ટુડીયોમાં રેકોર્ડેડ કરાયેલ કવિ દુલા ભાયા કાગનું ગીત 'મારી લાડકી રે... ખમ્મા ઘણી ખમ્મા' ને માત્ર યુ-ટ્યુબ (ગીત જોવા માટે www.bit.ly/1GinEyY) પર ૧૨ મિલીયન લોકો જોઇ ચૂક્યા છે અને આ ગીત સૌ કોઇની આંખમાં આંસુ લાવે છે. આજ ગીત વોટ્સએપ અને ફેસબુક પર પણ લોકોએ જોયું હોય તે અલગ. મારા પ્રયાસો છે કે ફ્યુજન થકી ગુજરાતી ગીતોનો વધુને વધુ પ્રસાર કરવો અને ગીત સંગીત દ્વારા યુવાન પેઢીમાં ગુજરાત અને ગુજરાતીને ધબકતું કરવું.'
કિર્તીદાનભાઇએ ગત શનિ-રવિ દરમિયાન બ્રેન્ટ ખાતે યોજાયેલા 'રંગીલુ ગુજરાત' કાર્યક્રમમાં સોના વાટલડી રે, મોગલ છેડતા કાળો નાગ, ક્રિષ્ણ ભગવાન હાલ્યા દ્વારીકા.. વગેરે ગીતો રજૂ કર્યા હતા. મૂળ આણંદ જીલ્લાના વાલવોડ ગામના વતની કિર્તીદાનભાઇ ભાદરણની શાળામાં ભણ્યા હતા. તેમની સાથે જ ભણેલા લંડનના એડમંટનમાં રહેતા મૂળ ભાદરણના નિવાસી શ્રી મયંકભાઇ જશભાઇ પટેલ કિર્તીદાનભાઇના શાળા કાળથી જ નિકટના મિત્ર છે અને બન્ને મિત્રો સતત એકબીજાના સંપર્કમાં રહે છે. કિર્તીદાનભાઇ પત્ની સોનલબેન સાથે યુકેના પ્રવાસે આવ્યા છે અને તેઅો ૭ વર્ષ પહેલા લંડનમાં મોરારી બાપુની કથા વખતે પધાર્યા હતા. તેમણે વડોદરાની એમએસ યુનિવર્સીટીમાંથી પર્ફોર્મીંગ આર્ટ્સમાં માસ્ટર ડીગ્રીનો અભ્યાસ કર્યો હતો અને છેલ્લા ૨૦ વર્ષથી લોકગીત-ડાયરો કાર્યક્રમો રજૂ કરી રહ્યા છે. આ અગાઉ તેમણે ભાવનગર કોલેજમાં લેક્ચરર તરીકે સેવાઅો આપી હતી.
'રંગીલુ ગુજરાત' કાર્યક્રમના આયોજકો પ્રીતિબેન વરસાણી અને મીરા સલાટે જણાવ્યું હતું કે 'રંગીલુ ગુજરાત એ બ્રિટનમાં ગુજરાતની કલા સંસ્કૃતિ અને ભાષા-વૈભવના પ્રચાર પ્રસાર માટેની મુવમેન્ટ છે અને આ માટે જ રંગીલુ ગુજરાત કાર્યક્રમમાં કિર્તીદાનભાઇ ગઢવી ઉપરાંત વિખ્યાત ગાયિકા લલીતાબેન ઘોડાદ્રા, માનસી પારેખ, પાર્થિવ ગોહિલ, દેવાંગ પટેલ, ઇશાની દવે, અરવિંદ વેગડા જેવા જાણીતા કલાકારો સહિત કુલ ૨૦ કલાકારો ભારતથી પધાર્યા હતા. જ્યારે બ્રિટનભરમાંથી કુલ ૧૮૦ કલાકારોએ બે દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. અમે હજુ રેડ લોટસ ઇવેન્ટના નેજા હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરનાર છીએ. અમને બ્રેન્ટ બરોના નેતા મોહમ્મદ બટ્ટ તરફથી ખૂબ જ સારો સહકાર મળ્યો હતો. કિર્તીદાનભાઇ જાણીતા સમાજસેવક અને અગ્રણી શ્રી લક્ષ્મણભાઇ ગઢવીના નિવાસે રોકાયા હતા.