વેસ્ટ મિડલેન્ડ્સના ૩૨ વાહનચાલકો સામે શરાબપાનનો આરોપઃ ક્રિસમસ દરમિયાન શરાબપાન વિરોધના પ્રથમ સપ્તાહમાં વેસ્ટ મિડલેન્ડ્સના કેટલાંક એશિયન સહિત ૩૨ વાહનચાલકો સામે શરાબપાનની અસર હેઠળ વાહન હંકારવાનો આરોપ લગાવાયો છે. ૬૯માંથી ૩૩ ડ્રાઈવર મર્યાદાથી વધુ શરાબપાન અથવા શ્વાસોચ્છવાસનું સેમ્પલ આપવામાં નિષ્ફળ જતા તેમની ધરપકડ કરાઈ હતી. આ અભિયાનમાં શરાબ અથવા ડ્રગ્સ લઈને વાહન હંકારતા ઝડપાયેલા વાહનચાલકનો નામોલ્લેખ એક સપ્તાહ સુધી પોલીસની વેબસાઈટ પર કરવામાં આવશે.
વાન અને પોલીસ કાર વચ્ચે ટક્કરમાં સાક્ષી માટે અપીલઃ કોસ્લીમાં ૨૧ ઓક્ટોબરે વાન અને પોલીસ કાર વચ્ચે ટક્કરમાં ૨૯ વર્ષીય અજય સાગરનું મૃત્યુ થવાની ઘટનામાં સત્તાવાળા હજુ વિટનેસીસ માટે અપીલ કરી રહ્યા છે. અજય સાગર વાનમાં મુસાફરી કરી રહ્યા હતા અને પોલીસ કાર સાથે જીવલેણ અકસ્માતમાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ સેન્ટ્રલ મોટરવે પેટ્રોલના સાર્જન્ટ રિચાર્ડ મુર્સે અથડામણની તૂર્ત અગાઉની ઘટનાઓની જાણકારી આપવા સાક્ષીઓને અપીલ કરી હતી.
ગુનેગારની માહિતી આપવામાં નિષ્ફળતા બદલ દંડઃ લેસ્ટરના અપિંઘમ રોડ પાસે વિન્ટર્સડેલ રોડના ૫૯ વર્ષીય કનુભાઈ પટેલને લેસ્ટર્સ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ દ્વારા ૨૫૦ પાઉન્ડનો દંડ અને ૨૫ પાઉન્ડનો વિક્ટિમ સરચાર્જ લગાવાયો હતો. પહેલી એપ્રિલના એક ગુનામાં ડ્રાઈવરની ઓળખ સંબંધિત માહિતી આપવામાં નિષ્ફળતા સંબંધે તેઓ દોષી પુરવાર થયા હતા. તેમના ડ્રાઈવિંગ લાયસન્સ પર છ પેનલ્ટી પોઈન્ટ લાદવામાં આવ્યા હતા.
બળાત્કારીની જેલની સજા સામે અપીલ નકારાઈઃ કોર્ટ ઓફ અપીલના ત્રણ જજીસે લેસ્ટરના ૨૯ વર્ષીય વિનાયક રાણાએ ૧૨ વર્ષની બાળા પર કારમાં કરેલા બળાત્કાર બદલ જેલની સજા સામે કરેલી અપીલ ફગાવી દીધી હતી. વિનાયકને બળાત્કારના બે ગુનામાં ૧૨ વર્ષ અને છ મહિનાની સજા કરાઈ હતી. આ સજા વધુપડતી ગણાવતા રાણાએ દલીલ કરી હતી કે તેની માન્યતા મુજબ બાળાની વય ૧૬ વર્ષથી વધુ હતી અને આ કોઈ જાતીય હુમલો ન હતો. રાણાના મિત્ર રેનોલ્ડ કાર્વાલ્હોને પણ આ કેસમાં આઠ વર્ષ ત્રણ મહિનાની સજા થઈ હતી.