લંડનઃ ગર્લ ગાઈડ્સના ૧૦૦ વર્ષની ઉજવણી નિમિત્તે ૨૦૧૦માં જારી કરાયેલા માત્ર ૫૦pના સિક્કાનું Ebay પર £૪૦૦માં વેચાણ થયું છે. સામાન્યપણે ચાર પાઉન્ડ સુધીની કિંમત મેળવી શકતા આ સિક્કામાં પ્રિન્ટિંગ ભૂલ હોવાનું કહેવાયું છે પરંતુ, કઈ ભૂલ છે તેની સ્પષ્ટતા થઈ નથી.
ગર્લ ગાઈડ્સના ૫૦ પેન્સના સિક્કામાં ગાઈડના ત્રિસ્તરીય વચનના પ્રતીક સ્વરુપે ત્રણ પાંદડાનો ‘trefoil’ લોગો મૂકાયેલો છે. તેના પર ‘સેલિબ્રેટિંગ વન હંન્ડ્રેડ યર્સ ઓફ ગર્લ ગાઈડન્સ યુકે’ લખાયું છે. યુકેના ચલણમાં આ સિક્કાનું પ્રમાણ ૭.૪ મિલિયનથી વધુ છે. કોઈન્સ એક્સપર્ટ ચેઈન્જ ચેકરના જણાવ્યા મુજબ સિક્કામાં સત્તાવાર રીતે દેખીતી ભૂલ જણાતી નથી.
૫૦pના સિક્કામાં સૌથી દુર્લભ ક્યુ ગાર્ડન્સ સિક્કો છે જેને ૨૦૦૯માં ૨૧૦,૦૦૦ સિક્કા જ જારી કરાયા હતા. ગર્લ ગાઈડ્સના Ebay પર ૫૦pનો વધુ એક સિક્કો ૨૦૧૮માં ૮૨૫ પાઉન્ડમાં ખરીદાયો હતો આ સિક્કામાં પણ કોઈ ભૂલ હતી. ચલણમાં રહેલા કયા સિક્કા સંગ્રહ કરવા લાયક છે તેના પર નજર રાખતા changechecker.org અનુસાર ૫૦pના દુર્લભ સિક્કાનું મૂલ્ય તેની અછતના આધારે થાય છે. ધ સન અખબાર અનુસાર બેટલ ઓફ હેસ્ટિંગ્સ ડિઝાઈનનો ૫૦pનો એક દુર્લભ સિક્કો ૫૦૦૦ પાઉન્ડમાં Ebay પર વેચાયો હતો. સપ્ટેમ્બરમાં ચલણમાં મૂકાયેલા સર આઈઝેડ ન્યૂટનના ૫૦ પેન્સના સિક્કાની Ebay પર સૌથી વધુ કિંમત ૧૨૦ પાઉન્ડ મળી હતી.