લંડનઃ પોરબંદર અને જામનગરમાંથી લોહાણા યુવાનોએ યુગાન્ડા સહિતના આફ્રિકામાં માઈગ્રેશન કર્યું તેમાં નાનજીભાઈ કાલિદાસ મહેતા એન્ડ સન્સ, મૂળજીભાઈ માધવાણી અને ડી.કે. હિન્ડોચા પરિવારોની સફળતાએ મોટો ભાગ ભજવ્યો છે.
યુગાન્ડાના તત્કાલીન ગવર્નર સર વિલિયમ ફ્રેડરિક ગોવર્સની સુગર બિઝનેસમાં કશું વળતર નહિ મળે તેવી ચેતવણીઓ છતાં મૂળજીભાઈએ બુસોગા કિંગ્ડમ અને કોલોનિયલ સરકાર પાસેથી ૮૦૦ હેક્ટર જમીન મેળવી હતી જેના પર વર્ષ ૧૯૩૦માં કાકિરા સુગર ફેક્ટરીની સ્થાપના કરવામાં આવી હતી. આજે માધવાણી ગ્રૂપ કાકિરામાં ૯૫૦૦ એકર જમીન ધરાવે છે. મૂળજીભાઈ માધવાણીએ ૧૯૫૮માં દેહત્યાગ કર્યો હતો.
માધવાણીઓએ ૧૯૬૦ સુધીમાં તો યુગાન્ડાના અર્થતંત્રમાં મજબૂત મૂળિયાં નાખી દીધા હતા. સમમુખત્યાર ઈદી અમીને ૧૯૭૨માં એશિયનોની યુગાન્ડામાંથી હકાલપટ્ટી કરી તે સમયે માધવાણી ગ્રૂપ ઈસ્ટ, સેન્ટ્રલ અને સધર્ન આફ્રિકામાં ૫૨ (બાવન) ઈન્ડસ્ટ્રિયલ, કોમર્શિયલ અને અને એગ્રીકલ્ચરલ કંપનીઓના વટવૃક્ષમાં ફેલાયેલું હતું. એશિયનોની કંપનીઓ અને બિઝનેસીસનું નેશનલાઈઝેશન કરી દેવાયું હતું.
માધવાણીઓ માટે યુગાન્ડા સિવાય કોઈ ઘર ન હતું. તેઓ નિરાશા અને હતાશા સાથે યુકે પહોંચ્યા પરંતુ, ૧૯૮૨માં યુગાન્ડાની સરકારે એશિયન એક્સપ્રોપર્ટીએટેડ પ્રોપર્ટીઝ બિલ પસાર કર્યું તે પછી ૧૯૮૫માં તેઓ યુગાન્ડા પરત ફર્યા. એશિયનોએ આ કાયદા અન્વયે પોતાની પ્રોપર્ટીઝ પાછી મેળવી પરંતુ, આ સમયે માધવાણીની ઓઈલ અને સોપ મિલની ખરાબ હાલત હતી અને સુગર ફેક્ટરી તો અગાઉના પડછાયા સમાન જ રહી હતી. જોકે, વર્લ્ડ બેન્ક, ઈસ્ટ આફ્રિકન ડેવલપમેન્ટ બેન્ક અને યુગાન્ડા ડેવલપમેન્ટ બેન્ક પાસેથી મોટા પાયે લોન્સ મેળવી માધવાણી પરિવારે તેમના બિઝનેસીસને પુનઃ સ્થાપિત કર્યા અને નવા બિઝનેસ શરુ પણ કર્યા. આ પછી તેમણે જે હરણફાળ ભરી ત્યારે એમ કહેવાતું હતું કે કોઈ વ્યક્તિને માધવાણી અથવા સરકાર જ રોજીરોટી આપે છે.
નસીબની ભરતી ઓટની કહાણી એટલે જ માધવાણી પરિવાર
‘Tide of Fortune’ નામના પુસ્તકના એક રિવ્યૂમાં માધવાણી પરિવારનો ઉલ્લેખ ‘યુગાન્ડાના રોકફેલર્સ અને ઈસ્ટ આફ્રિકામાં સુપ્રખ્યાત ભારતીય બિઝનેસ પરિવાર’ તરીકે કરાયો છે. ગાઈલ્સ ફોડેન આ રિવ્યૂમાં લખે છે કે, ‘માધવાણી પરિવાર પાસે અપાર સંપત્તિ હતી અને ૧૯૭૨માં ઈદી અમીનના લશ્કરી સરમુખત્યારી શાસન હેઠળ તેમણે સર્વસ્વ ગુમાવી દીધું હતું. તેમને દેશમાંથી હાંકી કઢાયા હતા અને તેમના બિઝનેસીસ જપ્ત કરી લેવાયા હતા... લેક વિક્ટોરિયાના રળિયામણાં તટો પરથી યુદ્ધગ્રસ્ત લેબેનોનની ગ્લાસ ફેક્ટરીઝમાં પહોંચી ગયા હતા. આ વાસ્તવમાં નસીબની ઉથલપાથલની કહાણી છે, સંપત્તિ રળી, ગુમાવી અને ફરી હાથ કરી...’ આ પુસ્તક ફોડેને મનુભાઈ માધવાણી વતી લખ્યું હતું. મનુભાઈએ તેમના ભાઈ જયંતભાઈ માધવાણી પાસેથી ધંધાની છડી હાથમાં લીધી હતી અને તેનો વિસ્તાર કર્યો હતો. માધવાણી ગ્રૂપની વેબસાઈટ મુજબ ગ્રૂપની સંપત્તિ આશરે ૨૦૦ મિલિયન અમેરિકી ડોલર છે. માધવાણી પરિવાર યુગાન્ડાના અર્થતંત્રમાં ખાંડ ઉત્પાદન, વીજ ઉત્પાદન, ઈથેનોલ અને અન્ય ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ્સના ઉત્પાદનમાં અગ્ર ક્રમે હોવાં ઉપરાંત, ચા, સ્ટીલ, મેચીસ, મીઠાઈ, કન્ફેક્શનરીઝ, પેકેજિંગ સામગ્રીના ઉત્પાદનમાં પણ સંકળાયેલો છે. આ સાથે રિઅલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન, ઈટુરિઝમ, ન્સ્યુરન્સ અને સોફ્ટવેર ક્ષેત્રમાં પણ તેમનો પગપેસારો થયેલો છે. કયા સેક્ટરમાં તેમની હાજરી નથી તે કહેવું મુશ્કેલ છે.
માધવાણીનું બોલીવૂડ કનેક્શન
બિઝનેસમેન અને બોલીવૂડ અભિનેત્રીઓ વચ્ચે લગ્ન આજકાલની વાત નથી. માધવાણી પરિવાર પણ બોલીવૂડ સાથે કનેક્શન ધરાવે છે કારણ કે મૂળજીભાઈ માધવાણીના સૌથી યુવાન પુત્ર મયુરભાઈ માધવાણીના લગ્ન વીતેલા જમાનાનાં સુપ્રસિદ્ધ અભિનેત્રી મુમતાઝ સાથે થયેલા છે. કારકિર્દીના આરંભે સપોર્ટિંગ રોલ્સ કરતી અભિનેત્રી મુમતાઝ પણ ટોચની સ્ટાર બની હતી. તેનો સૂર્ય સોળે કળાએ ચમકતો હતો ત્યારે ૧૯૭૪માં મયુરભાઈ માધવાણી સાથે લગ્ન કર્યાં પછી તેણે બોલીવૂડને અલવિદા કરી દીધી હતી. મયુરભાઈ અને મુમતાઝને સંતાનમાં બે દીકરી છે. મોટી પુત્રી નતાશાના લગ્ન મુમતાઝના એક સમયના સહઅભિનેતા રહેલા ફિરોઝ ખાનના અભિનેતા પુત્ર ફરદીન ખાન સાથે ૨૦૦૬માં થયાં હતા. આ સાથે માધવાણી પરિવારનું બોલીવૂડ કનેક્શન વધુ મજબૂત થયું હતું. જોકે, નાની દીકરી તાન્યા લંડનમાં પિતા મયુરભાઈ માધવાણીને ફેમિલી બિઝનેસમાં સાથ આપવા ઉપરાંત, તેના પતિ માર્કો સિલિયા અને પુત્ર સાથે રોમમાં પણ નિવાસ કરે છે. (આ રિપોર્ટ ‘સેટરડે મોનિટર’ના ૮ ઓગસ્ટ ૨૦૨૦ના અંકમાં પ્રકાશિત કમ્પાલાના પત્રકાર ઇસાક મુફુમ્બાના અહેવાલ આધારિત છે.)