લંડનઃ માનસિક બીમારીથી પીડાતા અથવા તો આત્મહત્યાના વિચારો આવતા હોય તેવા બાળકો અને પુખ્તો માટે એનએચએસ દ્વારા 24 કલાકની નેશનલ હેલ્પલાઇનનો પ્રારંભ કરાયો છે. આ માટે 111 પર કોલ કરીને ઇંગ્લેન્ડમાં કોઇપણ વ્યક્તિ એનએચએસના તાલીમબદ્ધ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ સાથે વાત કરી શકશે. ડિપ્રેશન, એન્ઝાઇટી અથવા સાઇકોસિસથી પીડાતા લાખો વ્યક્તિઓને સહાય અને સલાહ મળેતે માટે આ ફોનલાઇન તૈયાર કરાઇ છે.
આરોગ્ય સત્તાવાળાઓનું માનવું છે કે આ હેલ્પલાઇનના કારણે જીપી અને એએન્ડઇની માગમાં ઘટાડો થશે. તાજેતરના વર્ષોમાં માનસિક બીમારીથી પીડાતા દર્દીઓની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે.
હેલ્પલાઇન સાથે સંકળાયેલ એનએચએસના કર્મચારીઓ ફોન પર જ દર્દીની સ્થિતિની જાણકારી હાંસલ કરશે અને ત્યારબાદ હોમ વિઝિટ અથવા તો પેશન્ટ ટુ થેરાપી સેવાઓની સુવિધા આપશે. જે દર્દીને વધુ જોખમ જણાશે તેમને એનએચએસ દ્વારા સંચાલિત ક્રાઇસિસ કાફે અને મેન્ટલ હેલ્થ ચેરિટી ખાતે મોકલી અપાશે.
મિત્રો અથવા તો પરિવારજનો પણ માનસિક બીમાર વ્યક્તિ માટે આ હેલ્પલાઇનની મદદ લઇ શકશે. મેન્ટલ હેલ્થ માટેના એનએચએસના નેશનલ ડિરેક્ટર ક્લેર મર્ડોકે જણાવ્યું હતું કે, અમે જાણીએ છીએ કે મોટી સંખ્યામાં લોકો માનસિક બીમારીથી પીડાઇ રહ્યાં છે. અમે તેમના માટે જરૂરી સહાય સુનિશ્ચતિત કરવા માગીએ છીએ.