લંડનઃ મે 2017માં માન્ચેસ્ટર એરેનામાં કરાયેલા આત્મઘાતી આતંકવાદી હુમલામાં પોતાના ભાઇ સલમાન આબેદીની મદદ કરવા માટે 55 વર્ષ જેલની સજા ભોગવી રહેલા હાશેમ આબેદીએ એચએમપી ફ્રેન્કલેન્ડ ખાતે શનિવારે પ્રિઝન ઓફિસરો પર હુમલો કરતાં 3 ઓફિસરને ઇજાઓ પહોંચી હતી. જેના પગલે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આબેદીએ પ્રિઝન ઓફિસરો પર ઉકળતા તેલ અને બેકિંગ ટ્રેમાંથી તૈયાર કરેલ છરા વડે હુમલો કર્યો હતો.
માન્ચેસ્ટર એરેનાના પીડિતોએ માગ કરી છે કે આ પ્રકારના ભયજનક કેદીને એકાંતવાસમાં ધકેલી દેવો જોઇએ. આબેદીના હુમલામાં પ્રિઝન ઓફિસરોને જીવલેણ ઇજાઓ થઇ છે. બે ઓફિસર હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.