લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીના બદતર દેખાવ માટે માફી માગતા પૂર્વ હોમ સેક્રેટરી બ્રિટિશ ભારતીય સુએલા બ્રેવરમેને જણાવ્યું હતું કે, હું સંસદની ચૂંટણીના પરિણામો પર ફક્ત એટલું જ કહેવા માગુ છું કે સોરી....આઇ એમ સોરી..... બ્રિટનના મહાન લોકો અમને છેલ્લા 14 વર્ષથી ચૂંટી કાઢતાં હતાં પરંતુ અમે આપેલા વચનોનું પાલન કરવામાં નિષ્ફળ ગયાં છીએ. મારી પાર્ટીએ તમારો અવાજ ન સાંભળ્યો તેના માટે હું માફી માગુ છું. વારંવાર વિવિધ વચનો આપીને અમે જે કર્યું કે નથી કર્યું તે વિચાર્યા વિના અમે એવું વર્તન કર્યું છે જાણે કે તમારા મતો પર અમારો અધિકાર છે. અમારે આ જનમતમાંથી પદાર્થપાઠ શીખવાની જરૂર છે કારણ કે જો અમે તેમ નહીં કરીએ તો આજની રાતની જેમ આનાથી પણ બદતર રાતોનો અમારે સામનો કરવો પડશે. અમારે જનતાનો અવાજ સાંભળવો જ પડશે.