મારો જમાઈ શ્રીયેન કાયર છેઃ નીલમ હિન્ડોચા

Monday 15th December 2014 04:05 EST
 
 

તેમણે કહ્યું હતું કે, ‘કોઈ વ્યક્તિ તેમની પત્નીને આવી રીતે છોડી જાય તેમ હું માનતી નથી. જો તે ખરેખર તેને ચાહતો હોત તો તેણે સામનો કર્યો હોત. તેણે સામનો કર્યાની કોઈ નિશાની નથી. તેણે માત્ર પોતાના વિશે જ વિચાર્યું હતું. તે રાત્રે આવા સ્થળે જવાનો અનીનો આઈડિયા ન હોય. તે આફ્રિકા જોવામાં રસ હોય તેવી છોકરી ન હતી. તેઓ સાથે ટાઉનશિપ જોવાં ગયાં અને તેણે અનીનું રક્ષણ પણ ન કર્યું.’

અની હત્યાકેસમાં શ્રીયેનની જુબાની સાંભળવા સાઉથ આફ્રિકામાં બે મહિનાથી વધુ સમય રહેલાં નીલમ હિન્ડોચાને શ્રીયેન દ્વારા આ જુબાની ન અપાયાનો અફસોસ છે. અનીના ભાઈ અનીશ હિન્ડોચાએ જણાવ્યું હતું કે, ‘હું મારી પ્રેમિકા માટે અંત સુધી લડ્યો હોત. મારી પત્નીને એકલી છોડી કારમાંથી મને બહાર કાઢી જ ન શકાય. આ માટે તમારે મને પહેલા ખતમ કરવો પડે. તેણે અનીને કોઈ જ રક્ષણ આપ્યું નહિ.’ તેમણે અની સાથે લગ્ન અગાઉ સજાતીય સંબંધો છૂપાવવા વિશે શ્રીયેન સામે કાનૂની દાવો માંડવાનો પુનરોચ્ચાર પણ કર્યો હતો.

શ્રીયેનને વિશેષ સુરક્ષા

એમિરેટ્સ એરલાઈન્સમાં ૩૦૦૦ પાઉન્ડની ફર્સ્ટ ક્લાસ ટિકિટમાં ઈંગ્લેન્ડ આવી પહોંચેલા શ્રીયેન દેવાણીને પોલીસ અને એરપોર્ટ સિક્યુરિટી દ્વારા વિશેષ કોર્ડન સુવિધા અપાઈ હતી. આગળ પોલીસ લેન્ડ રોવર અને પાછળ સિક્યુરિટી કાર સાથે ગેટવિક એરપોર્ટ પરથી ગણતરીની મિનિટોમાં M23 મોટરવે લઈ જવાયો હતો. સસેક્સ પોલીસે આ માટે કોઈ મોટો ખર્ચ ન થયાનું જણાવીને કબૂલ્યું હતું કે તેના રક્ષણ માટે છ ઓફિસર મદદમાં હતા. શ્રીયેનને આવી સુવિધા કેમ અપાઈ તે પ્રશ્ને પોલીસે જણાવ્યું હતું કે હાઈ પ્રોફાઈલ વ્યક્તિના આગમન સાથે તેમાં હેલ્થ અને સિક્યુરિટીના મુદ્દા સંકળાયા હતા.

કેપ ટાઉનમાં ભવ્ય પાર્ટી

શ્રીયેનના માતાપિતાએ બ્રિટન પરત ફરતાં પહેલા કેપ ટાઉનમાં રાત્રે ભવ્ય ડિનર પાર્ટી આપી હતી. પુત્રને આરોપમુક્ત કરાવનારી લીગલ ટીમનો આભાર માનવાની સાથોસાથ પિતા પ્રકાશ દેવાણીના ૬૩મા જન્મદિન નિમિત્તે પાર્ટીનું આયોજન કરાયું હતું. ચાર વર્ષથી શ્રીયેન બ્રિટનથી તેના સાઉથ આફ્રિકામાં પ્રત્યાર્પણ વિરુદ્ધ લડતો હતો તે પછી આ પ્રથમ પાર્ટી હતી. શ્રીયેનના માતાપિતા હળવા મૂડમાં હતા અને તમામનો આભાર માનતા હતા. શ્રીયેનના વકીલોએ તેના રાતવાસા માટે એક બેડરુમનો લક્ઝરી એપાર્ટમેન્ટ બ્લોક મેળવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે દેવાણી પરિવાર દક્ષિણ આફ્રિકન કાનૂની સત્તાવાળા સામે કોઈ કાનૂની પગલાં લેવાં ઈચ્છતો નથી. બદનક્ષીની કાર્યવાહી માટે ત્રણ વર્ષનો સમય વીતી ગયો છે.

શ્રીયેનના મકાન પર તોડફોડ

પુરાવાના અભાવે પત્ની અનીની હત્યાના કાવતરાના આરોપમાંથી મુક્ત કરાયેલા મિલિયોનેર શ્રીયેન દેવાણી સાઉથ આફ્રિકાથી પરત થયાના બીજા જ દિવસે કેટલાંક ભાંગફોડિયા તત્વોએ પારિવારિક મકાન પર તોડફોડ કરી હતી. બ્રિસ્ટલના મકાનના ડ્રાઈવ-વે પર વ્હાઈટ પેઈન્ટ પણ ફેંકાયો હતો. મીડિયા દ્વારા માહિતી અપાયાના પગલે પોલીસ સત્તાવાળાએ આ ઘટનામાં તપાસ હાથ ધરી છે. એવોન અને સમરસેટ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દેવાણી કે તેમના પરિવારમાંથી કોઈએ પોલીસનો સંપર્ક કર્યો નથી.

અનીની યાદમાં ગરીબ છોકરીઓના શિક્ષણ માટે દાન 

નાસિકઃ મહારાષ્ટ્રના નાસિકથી ૧૩૫ કિલોમીટરના અંતરે ગુહી ગામે અની દેવાણીની યાદ સચવાઈ રહી છે. ગરીબ છોકરીઓને શિક્ષણ મળે તે માટે શ્રીયેન અને અનીના પરિવારોએ આ શાળાને ૧૫,૩૯૪ પાઉન્ડનું દાન કર્યું છે. ગુહીની અનુદાનિત આશ્રમશાળામાં અની દેવાણીની યાદમાં બે વર્ગખંડ માટે દાન અપાયાની તક્તી લાગેલી છે. યુકેની સેવા ચેરિટીને અપાયેલા દાનમાંથી આ શાળાનું સંચાલન કરતી એનજીઓ વનવાસી કલ્યાણ આશ્રમને ભંડોળ અપાયું હતું, જેમાં આશરે ૧૨,૦૦૦ પાઉન્ડ દેવાણી પરિવાર તરફથી હતા. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં નવા બે વર્ગ તૈયાર થઈ જવા છતાં વનવાસી કલ્યાણ આશ્રમને અની દેવાણી કોણ હતી તેમ જ નવેમ્બર ૨૦૧૦માં સાઉથ આફ્રિકામાં તેની કરપીણ હત્યા થઈ હતી તેવી કોઈ જાણકારી નથી. એનજીઓ દ્વારા અની દેવાણી યુકેમાં સમાજસેવિકા હતી તેવો ખુલાસો શાળાના હેડટીચર ઈશ્વરલાલ સમક્ષ કરાયો હતો. એનજીઓના ઓર્ગેનિઝેશન સેક્રેટરી સંજય કુલકર્ણી કહે છે કે અની દેવાણી ગમે તે હોય, તેણે અમારા માટે જે કર્યું છે તેના માટે અમે આભારી છીએ. આ વર્ગોના કારણે છોકરીઓને અભ્યાસ સુલભ થયો છે. અન્યથા પાસેનું ટાઉન જ અત્યંત દૂર હોવાના કારણે તેમને શિક્ષણ મળી શક્યું ન હોત. ૨૮ વર્ષ અગાઉ સ્થપાયેલી અને અત્યાર સુધી પાંચ વર્ગો ધરાવતી આ શાળામાં આસપાસના ૫૦ ગામની આદિવાસી અને ગ્રામીણ છોકરીઓ અભ્યાસ કરે છે. જોકે, હવે વિસ્તરણ પછી તેમાં સાત વર્ગો થયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter