નવી દિલ્હીઃ વિજય માલ્યાને વેસ્ટમિન્સટર કોર્ટે ચોથી ડિસેમ્બર સુધીના જામીન આપી દીધા છે. જોકે માલ્યા પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે. ત્યારે એક ટીવી ન્યૂઝ ચેલને દાવો કર્યો છે કે માલ્યાએ એપ્રિલ ૨૦૦૮માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી રૂ. ૫૦૦ કરોડની લોન લીધી હતી. જેમાંથી ૪૭૬ કરોડ રૂપિયા રોયલ ચેલેન્જર્સ બેંગલોર નામની આઈપીએલ ક્રિકેટ ટીમ ખરીદવામાં વાપરી નાંખ્યા હતા. આ ચેનલે માલ્યાની શરાબ કંપની યુનાઈટેડ સ્પિરિટ્સ લિ.ના સર્વર પરથી મેળવેલા ઈ-મેઈલમાંથી વિગતો જાહેરાત કરી છે. આ ઈ-મેઈલમાંથી જાણવા મળ્યું છે કે માલ્યાએ એસબીઆઈની લોનનો દુરુપયોગ કર્યો. એ બેંકના અધિકારીઓએ તેમનો વિરોધ પણ કર્યો હતો. આમ છતાં માલ્યાએ અધિકારીઓની ચેતવણીઓને અવગણી હતી અને લોનની મોટાભાગની રકમ આઈપીએલ ક્રિકેટ ટીમ ખરીદવામાં વાપરી નાંખી હતી. આ જ કારણસર તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ હતી અને કિંગફિશર એરલાઈન્સે દેવાળિયું ફૂંક્યું હતું.
આ મુદ્દે વેસ્ટ મિન્સ્ટર કોર્ટે બહાર કેટલાક મીડિયાકર્મીઓએ તેમને સવાલ કરતા માલ્યાએ ઊડાઉ જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે મેં કોઈ બેંકની લોન ડાયવર્ટ નથી કરી. હું મીડિયાને કોઈ જ જવાબો નહીં આપું.
નોંધનીય છે કે વર્ષ ૨૦૦૮માં માલ્યાની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. આમ છતાં તેમણે ક્રિકેટ ટીમ ખરીદી એના થોડા દિવસ પહેલાં ડેક્કન એરલાઈન્સના પણ શેર ખરીદીને તેનું હસ્તાંતરણ પણ કરી લીધું હતું.