લંડન, નવી દિલ્હીઃ ભારતીય બેન્કો પાસેથી આશરે ૯,૦૦૦ કરોડ રૂપિયાની લોન ઓળવી યુકેમાં જઈ બેઠેલા લિકર કિંગ વિજય માલ્યાને તેમની ગેરહાજરીમાં સજા કરી શકાય નહિ તેમ ભારતીય સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે માલ્યા સામે પ્રત્યાર્પણ કેસની સુનાવણી યુકેની કોર્ટમાં ૪ ડિસેમ્બરે શરૂ થવાની છે ત્યારે તેમને જાન્યુઆરી ૨૦૧૮માં ભારત પરત લાવી શકવાની અમને આશા છે. મે મહિનામાં ભારતે યુકેને માલ્યા અને અન્ય ભારતીય ભાગેડુઓનું પ્રત્યાર્પણ કરવાની અરજી વહેલી હાથ ધરવા માટે અનુરોધ કર્યો હતો. માલ્યાને કોર્ટના અનાદરના કેસમાં દોષિત ઠરાવાયા છે.
ભારત સરકારે શુક્રવારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે ૯,૦૦૦ કરોડ રૂપિયાની બેન્ક લોન રિપેમેન્ટ ડિફોલ્ટ માટે જેમને પોલીસે શોધી રહી છે વિજય માલ્યાનું પ્રત્યાર્પણ જાન્યુઆરી ૨૦૧૮ પહેલાં થાય તે શક્ય નથી. કોર્ટે જણાવ્યું કે વિજય માલ્યાને તેમની ગેરહાજરીમાં અદાલતના અનાદરના કેસમાં સજા કરી શકાય તેમ નથી ત્યારે કેન્દ્ર સરકારે આ પ્રતિભાવ આપ્યો હતો. મે મહિનામાં સુપ્રીમ કોર્ટને વિજય માલ્યા અદાલતની અવમાનનાના કેસમાં દોષિત જણાયા હતા. જેને પગલે માલ્યાને ૧૦ જુલાઈએ અદાલત સમક્ષ હાજર થવા જણાવાયું હતું. જસ્ટિસ એ.કે. લલિતની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે ૬૧ વર્ષની બિઝનેસમેન વિજય માલ્યા તેમની તમામ સંપત્તિની યાદી આપવામાં નિષ્ફળ ગયા હોવાથી અમે બેંકોના કોન્સોર્ટિયમની અરજી માન્ય રાખીએ છીએ.
૪૦ મિલિયન ડોલર સંતાનોને આપી દીધા
લંડનસ્થિત દારૂની વિરાટ કંપની ડિયાજીઓ પાસેથી ફેબ્રુઆરી ૨૦૧૨માં મળેલી ૪૦ મિલિયન ડોલરની રકમ માલ્યાએ બેન્કોનું દેવું ચુકવવામાં વાપરવાને બદલે તેના ત્રણ સંતાનોને ટ્રાન્સફર કરતા બેન્કોએ સર્વોચ્ચ અદાલતમાં ધા નાંખી હતી. યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડના ચેરમેનપદેથી રાજીનામું આપ્યા બાદ માલ્યાને ડિયાજીઓએ દેવાની પતાવટ તરીકે ૭૫ મિલિયન ડોલર ચૂકવ્યા હતા.
ભારતમાં મારે કશું મિસ કરવા જેવું નથી
વિજય માલ્યાને કોઈએ સવાલ કર્યો કે તમને ભારત છોડવાનો અફસોસ થયા કે કે કેસ, ત્યારે માલ્યાએ જણાવ્યું હતું કે ભારતમાં મારે મિસ કરવા જેવું કશું રહ્યું નથી. મારા તમામ પરિવારજનો હવે યુકે કે અમેરિકામાં વસે છે. ભારતમાં મારા કોઈ સગાં રહેતા નથી. મારા બધા પિતરાઈઓ યુકેના નાગરિકો છે. આમ પરિવારની નજરે જોઈએ તો ભારતમાં મારે કશું મિસ કરવાનું નથી. મારી સામે વેર વાળવાના ઇરાદાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.