નવી દિલ્હીઃ બ્રિટન સરકારે કાનૂની જોગવાઇઓનો હવાલો આપીને ભાગેડુ ભારતીય બિઝનેસમેન વિજય માલ્યાને ભારત પરત મોકલવાનો ઇન્કાર કરી દેતાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ઇન્ટરપોલ તરફ આશાભણી મીટ માંડી છે. ઇડીએ માલ્યા સામે રેડકોર્નર નોટિસ ઇસ્યુ કરવા ઇન્ટરપોલને અપીલ કરી છે.
હાલના સંજોગોમાં તો ભારત પાસે માલ્યાને પરત લાવવાની શક્યતાઓ નહિવત્ થઈ ગઈ છે. ભારતે હવે કોર્ટ કાર્યવાહીની રાહ જોવી પડશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કાયદાકીય કામગીરી કરવી પડશે અને ઘણો સમય સંઘર્ષ કરવો પડશે. આમ લાંબા કાનૂની જંગના મંડાણ થઇ ગયા છે.
માલ્યાને દેશનિકાલ કરવા બ્રિટનનો ઇનકાર
ભારતીય બેંકોનું રૂપિયા ૯૪૦૦ કરોડ કરતાં વધુ રકમનું ફુલેકું ફેરવીને દેશ છોડી ફરાર થઈ ગયેલા વિજય માલ્યાને દેશમાં પરત લાવવાના ભારત સરકારના પ્રયાસો પર હાલ તો બ્રિટન સરકારે ઠંડુ પાણી ફેરવી દીધું છે. બ્રિટને ભારતને જણાવ્યું છે કે, ભારતમાં મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહેલા વિજય માલ્યાને અને દેશનિકાલ કરી શકતા નથી. પરંતુ જો ભારત સરકાર દ્વારા વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે વિનંતી કરાશે તો અમે તેના પર વિચાર કરીશું.
મની લોન્ડરિંગ કેસમાં વારંવારના સમન્સ છતાં વિજય માલ્યા વિશેષ ઇડી અદાલત સમક્ષ હાજર ન થતાં સરકારે તેનો ભારતીય પાસપોર્ટ રદ કર્યો હતો. માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયું હતું. ભારતનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું હતું કે, બ્રિટન સરકારે અમને માહિતી આપી છે કે ૧૯૭૧ના ઇમિગ્રેશન એક્ટ અંતર્ગત બ્રિટનમાં પ્રવેશતી વખતે અથવા વિઝા જારી કરતી વખતે વ્યક્તિ પાસે માન્ય પાસપોર્ટ હોય તો તે દેશમાં વસવાટ કરી શકે છે. જોકે બ્રિટને માલ્યા પરના આરોપોની ગંભીરતાને સ્વીકારી ભારત સરકારને મદદનું આશ્વાસન આપ્યું છે. બ્રિટને ભારત સરકારને પ્રત્યાર્પણ અથવા પરસ્પર કાયદાકીય સહાયની વિનંતી કરવા જણાવ્યું છે.
માલ્યા ૨૪ વર્ષથી બ્રિટનના નાગરિક
વિજય માલ્યા પાસે ૧૯૯૨થી બ્રિટનનું નાગરિકત્વ છે. બ્રિટનનાં નાગરિકત્વને કારણે માલ્યાનું સ્ટેસ એનઆરઆઈનું છે. બ્રિટન સરકારના જણાવ્યા અનુસાર દેશની મતદાર યાદીમાં માલ્યા સ્થાન ધરાવે છે. પાસપોર્ટ રદ થયા બાદ માલ્યા કાયદેસરના વિઝા પર બ્રિટનમાં વસવાટ કરી શકે છે.
માલ્યા હજુ કેવી રીતે બચી શકે?
માલ્યા પ્રત્યાર્પણની વિનંતીને સ્થાનિક કોર્ટમાં પડકારી શકે છે. કિંગફિશર એરલાઇન્સને કોમર્શિયલ નિષ્ફળતા સાબિત કરવાનો પ્રયાસ કરી શકે છે. ભારત સરકાર પર રાજકીય વેરભાવ અને પક્ષપાતનો આરોપ મૂકી શકે છે.
ભારત સરકાર સામેના વિકલ્પો
ભારત સરકાર બ્રિટનને એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા પુરાવા દર્શાવીને અપરાધ કરી ફરાર થયેલી વ્યક્તિનાં દેશનિકાલની માગ કરી શકે છે. અથવા તો આ પ્રકારના કિસ્સામાં જે તે દેશની અદાલત સમક્ષ ફરાર વ્યક્તિના અપરાધ અંગેના પુરાવા રજૂ કરવા પડે છે. અદાલત તે વ્યક્તિનાં અપરાધનું મૂલ્યાંકન કરી પ્રત્યાર્પણનો નિર્ણય લેતી હોય છે. એક વિકલ્પ એવો પણ છે કે ઈડી સીબીઆઈનાં માધ્યમથી વિજય માલ્યા સામે ઇન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ જારી કરાવી શકે. જો આમ થાય તો માલ્યાની ધરપકડ થઈ શકે છે. અન્ય વિકલ્પ અનુસાર ઈડી ડિપ્લોમેટિક અને જ્યુડિશિયલ ચેનલો દ્વારા બ્રિટનને માલ્યાને પ્રત્યાર્પિત કરવાની નવેસરથી વિનંતી કરી શકે છે.