લંડનઃ લિકર ટાયકૂન વિજય માલ્યા ભારતની સરકારી બેન્કો પાસેથી મેળવેલી ૯૦૦૦ કરોડ રુપિયા જેટલી લોન્સ પરત કરવાનો ઈરાદો કદી ધરાવતા ન હોવાની દલીલ ભારત સરકારના વકીલોએ માલ્યાના પ્રત્યાર્પણનો કેસ સાંભળી રહેલી વેસ્ટમિન્સ્ટર કોર્ટ સમક્ષ કરી હતી. બે સપ્તાહ ચાલનારી ટ્રાયલમાં કોર્ટ માલ્યા નિર્દોષ છે કે દોષી તેનો નિર્ણય નહિ લે પરંતુ, તેમના વિરુદ્ધ ભારતમાં તેમનું પ્રત્યાર્પણ થઈ શકે તેવા પ્રાથમિક પૂરાવાઓ છે કે કેમ તેનો નિર્ણય ચીફ મેજિસ્ટ્રેટ એમા આર્બુથ્નોટ લેશે.
આ વર્ષના અંત સુધીમાં કોર્ટનો નિર્ણય આવી શકે છે. જોકે, આ પછી પણ પ્રત્યાર્પણ પ્રક્રિયાને આગળ વધતાં વર્ષો લાગી શકે છે. યુકેની લંબાણ કાનૂની પ્રક્રિયામાં અનેક અપીલના વિકલ્પો મળે છે અને આખરે હોમ સેક્રેટરીએ પ્રત્યાર્પણ પર સહી કરવી પડે છે. આ કેસમાં સીબીઆઈ ૨૦૦૦ પાનાનું ડોઝિયર કોર્ટને સુપરત કરી ચુકી છે. આ કેસમાં બેરિસ્ટર માર્ક સમર્સ QC ભારતનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે જુલિયન અસાન્જ કેસમાં સ્વીડિશ સરકારનું સફળ પ્રતિનિધિત્વ કરનારા ક્લેર મોન્ટેગોમેરી QC માલ્યાનો બચાવ કરી રહ્યા છે.
ભારત દ્વારા ભાગેડુ જાહેર કરાયેલા વિજય માલ્યા (૬૧)એ સોમવારે વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં સુનાવણી અગાઉ પોતાની સામેના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજો પોતે જ સાબિતી છે. માલ્યાએ એમ પણ કહ્યું હતું કે બ્રિટનમાં તેઓ ૧૯૯૨થી રહે છે અને તેમના ઇંગ્લેન્ડ આવવાની ઘટનાને ભાગી આવ્યાનું કહી ન શકાય. મની લોન્ડરિંગના કેસમાં ૩ ઓક્ટોબરે ધરપકડ પછી તેઓ હાલમાં ૬,૫૦,૦૦૦ પાઉન્ડના જામીન પર મુક્ત છે.
મોટાભાગના ભારતીયો માલ્યાને દેશમાં લાવી તેમના વિરુદ્ધ ખટલો ચલાવાય તેમ ઈચ્છે છે પરંતુ, ભારતીય બિલિયોનેર માલ્યા પત્ની અને સંતાનો સાથે રહે છે તે ટેવિન ગામના લોકો માલ્યાનું ભારતને પ્રત્યાર્પણ થાય તેમ ઈચ્છતા નથી. લંડનથી ૪૮ કિ.મી.ના અંતરે ટેવિન ગામમાં માલ્યાનું ઘર છે અને ગામલોકો માલ્યાને હીરો માને છે. ૨૦૦૦ની વસતી ધરાવતા ગામને માલ્યાએ એક ક્રિસમસ ટ્રી ખરીદીને ભેટમાં આપ્યું છે ત્યારથી ગામલોકો માલ્યા ભણી સન્માનની નજરે જોઈ રહ્યા છે.