લંડનઃ અમેરિકન કંપની માસ્ટર કાર્ડને બ્રિટિશ સરકાર આકરો દંડ કરવાની તૈયારી કરી રહી છે. ક્રેડિટ-ડેબિટ કાર્ડના વપરાશ બદલ ગ્રાહકો પાસેથી ગેરકાયદે ચાર્જ વસુલવાને કારણે માસ્ટર કાર્ડને ૧૯ બિલિયન પાઉન્ડનો દંડ થશે. બ્રિટિશ ફાઈનાન્સિયલ ઓમ્બઝ્ડમેન્ટ અધિકારીએ સરકારને દંડ માટે ભલામણ કરી છે.
માસ્ટર કાર્ડ સામે થયેલા કેસમાં જણાવાયું છે કે કંપનીએ દેશના સ્ટોર્સ પાસેથી ૧૬ વર્ષ સુધી ગેરકાયદે ચાર્જ વસુલ કર્યો છે. ગ્રાહક કોઈ સ્ટોરમાંથી ખરીદી કરી કાર્ડ સ્વાઈપ કરાવે ત્યારે જે-તે સ્ટોરને ચાર્જ લાગુ પડતો હતો. એ ચાર્જ ગેરકાયદે હોવાનું બહાર આવ્યું છે. ૨૦૧૪માં યુરોપિયન કોર્ટે આ પ્રકારના ચાર્જને ગેરકાયદે ગણાવ્યો હતો. યુરોપિયન સંઘે કાર્ડધારકો માટે નિર્ધારિત કરેલાં ફીના ધોરણથી વધુ ચાર્જ લેનારને આ પ્રકારનો દંડ થઈ શકે છે.
માસ્ટર કાર્ડે આક્ષેપો ખોટા ગણાવી કંપનીએ કોઈ પ્રકારનો ગેરકાયદે ચાર્જ લીધો જ નથી, એવો દાવો કર્યો હતો. જોકે, સરકાર સમક્ષની ભલામણ પ્રમાણે દંડની રકમ નુકસાન ભોગવનારા સ્ટોર્સને પહોંચતી કરાતા મોટા ભાગના સ્ટોર્સને ૪૫૦ પાઉન્ડનું વળતર મળશે. હાલ તો કેસ હાયર ઓથોરિટી પાસે પહોંચશે અને ત્યાં જ આ દંડ અંગેનો નિર્ણય લેવાશે.