લંડનઃ દેશના રાજકારણમાં એક સમયે ખાસ મિત્રો તરીકે જાણીતા વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને ચાન્સેલર રિશિ સુનાકના સંબંધોમાં હવે તણાવ સર્જાયો હોવાનું કહેવાય છે. હોલીડે નિયમો હળવા બનાવવાના મુદ્દે વડા પ્રધાન અને ચાન્સેલર વચ્ચેનો વિવાદ એટલો વધ્યો હતો કે જ્હોન્સને રિશિ સુનાકને ચાન્સેલરમાંથી હેલ્થ સેક્રેટરી બનાવી દેવા સુધીની ધમકી આપ્યાના અહેવાલો બહાર આવ્યા છે. એમ કહેવાય છે કે સુનાકના પત્ર પહેલાં જ જ્હોન્સને નિયમોમાં છૂટછાટનો નિર્ણય લઈ લીધો હતો પરંતુ, પત્ર લીક થવાના કારણે સુનાકના દબાણથી નિર્ણય લેવાયો હોવાની છાપ સર્જાતા જ્હોન્સન ગુસ્સે ભરાયા હતા. ખરેખર તો આ મુદ્દે તેમના અને સુનાક વચ્ચે મોટા ભાગના નિયંત્રણો ઉઠાવી લેવા મુદ્દે સહમતી સધાયેલી જ હતી.
નાણાકીય બાબતોને વધુ મહત્ત્વ આપતા સુનાક સોશિયલ કેર, પેન્શન્સ અને ગ્રીન એજન્ડા પર અતિશય ખર્ચ કરવાનો પ્રતિકાર કરતા આવ્યા છે અને પરિણામે તેમના સંબંધોમાં તણાવ જોવા મળ્યો છે. બીજી તરફ, જ્હોન્સનની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે અને સામા પક્ષે ટોરી પાર્ટી અને બ્રિટિશરોમાં પણ ચાન્સેલર સુનાકનું વજન વધ્યું છે. અને તેમને ભાવિ વડા પ્રધાન તરીકે જોવામાં આવે છે. જોકે, હકીકત એ છે કે જ્હોન્સને હાલ રિશિ સુનાકનો સાથ છોડવાનું કે તેમને પડતા મૂકવાનું પોસાય તેમ નથી. સુનાકના સહયોગીઓનું કહેવું છે કે સુનાક કદી ડિમોશન માટે સંમત નહિ થાય અને બેકબેન્ચ પર બેસવાનું પસંદ કરશે.
જ્હોન્સનને સુનાકમાં સંપૂર્ણ વિશ્વાસ
ચાન્સેલર સાથે વિખવાદની અફવાઓ વચ્ચે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટે સ્પષ્ટતા કરી છે કે વડા પ્રધાન ચાન્સેલરમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે. કેબિનેટ મિનિસ્ટરે ઉમેર્યું હતું કે નં. ૧૦ અને નં. ૧૧ વચ્ચે હંમેશાં ‘ક્રિએટિવ ટેન્શન’ રહે જ છે પરંતુ. તેમના સંબંધો મજબૂત છે. વડા પ્રધાનના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે,‘વડા પ્રધાન અને ચાન્સેલર હંમેશાંથી ગાઢ અને અસરકારક વર્કિંગ રિલેશનશિપ ધરાવે છે અને તે યથાવત જ રહેશે. મહામારીમાં પણ તેમણે નિકટતાથી કામગીરી બજાવી હતી. તેઓ દેશ સમક્ષના પડકારજનક સમયમાં સાથે મળીને કામ કરતા રહ્યા છે. કેબિનેટના રિશફલની કોઈ જ યોજના નથી.’
બીજી તરફ, ટ્રેઝરીના સૂત્રોએ જણાવ્યું હતું કે ચાન્સેલર દેશની આર્થિક રિકવરી તેમજ નોકરીઓની સુરક્ષા અને સર્જન વિશે જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
સુનાકને નીચી પાયરીએ ઉતારવાની ધમકી
બુધવાર, ચોથી ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય પ્રવાસના નિયમો હળવા બનાવાયા તે પહેલા આ વિશેની તરફેણ કરતો પત્ર ચાન્સેલર સુનાકે વડા પ્રધાનને લખ્યો હતો. આ પત્રમાં સુનાકે પ્રવાસ નિયંત્રણો અર્થતંત્રને નુકસાન કરી રહ્યા છે અને ઈયુના અન્ય સ્પર્ધક દેશોની સરખામણીએ યુકે પાછળ રહી જશે તેવી ચેતવણી પણ આપી હતી.
આ પત્ર લીક થઈ જવાથી જ્હોન્સન ગુસ્સે ભરાયા હતા અને તેમણે સુનાકને ઓછાં મહત્ત્વનું હેલ્થ સેક્રેટરીનું પદ આપવાની ધમકી પણ આપી દીધી હતી. ધ સન્ડે ટાઈમ્સના અહેવાલ મુજબ વરિષ્ઠ સૂત્રે અખબારને જણાવ્યું હતું કે, ‘તેમણે કહ્યુંઃ હું આ બાબતે વિચારી રહ્યો છું. હવે કદાચ એ સમય આવ્યો છે કે આપણે રિશિને નવા સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હેલ્થ તરીકે જોઈએ. તે કદાચ ત્યાં વધુ સારુ કામ કરી શકશે.’ તેમણે એક ખુલ્લી મીટિંગમાં રિશિ વિશે બખાળા કાઢ્યા પછી ચાન્સેલરને આગામી રીશફલમાં નીચી પાયરીએ ઉતારી દેવાય તેવું સૂચન પણ કર્યું હતું.’ જ્હોન્સને એમ કહ્યું હોવાનું મનાય છે કે સુનાક પત્ર લખવામાં રાજકીય વિવેક ચૂકી જવાના દોષી છે.
જોકે, વડા પ્રધાનનું એમ કહેવું છે કે આ પત્ર મીડિયામાં આવ્યો ત્યાં સુધી તેમને પત્ર વિશે કોઈ જ જાણ ન હતી. એમ કહેવાય છે કે અધિકારીઓ દ્વારા પત્રને ફ્લેગ લગાવવાનું રહી ગયું હતું અથવા તેને મિનિસ્ટરિયલ રેડ બોક્સમાં મૂકી દેવાયો હતો. આ પત્રની નકલ ટ્રાન્સપોર્ટ વિભાગને પણ મોકલાઈ હતી જ્યાંથી પત્ર લીક થયાનું મનાય છે. પરંતુ, તેના કારણે મિનિસ્ટર્સની વફાદારી બાબતે જ્હોન્સનને ચિંતા ઉભી થાય છે.