મિયાં-બીબી રાજી તો ક્યા કરે કાજી?!

Sunday 22nd August 2021 07:41 EDT
 
 

લંડન: કહેવાય છે કે પ્રેમ કયારેય પણ કોઈની પણ સાથે થઈ શકે છે. અને આવી જ એક ઘટના બ્રિટનની એક મહિલા સાથે બની છે કે જેને પોતાના દીકરાના મિત્ર સાથે પ્રેમ થઈ ગયો. ઈંગ્લેન્ડમાં રહેતી મેરિલિન બુટ્ટીગીયેગ નામની મહિલાએ તેના કરતા ઉંમરમાં ૨૯ વર્ષ નાના વિલિયમ સ્મિથ સાથે લગ્ન કર્યા. અને આજકાલ કરતાં આ કપલના લગ્નને ૧૨ વર્ષ પૂરા થઈ ગયા છે. સફળ લગ્નજીવનથી ખુશખુશાલ મેરિલન કહે છે કે અમે અમારા ટીકાકારોને ખોટા પુરવાર કર્યા છે. મેરિલન આજે ૬૦ વર્ષની છે જ્યારે વિલિયમ ૨૯ વર્ષનો છે.
મળતી માહિતી મુજબ, ક્રોલીમાં રહેતી મેરિલિનની વિલિયમ સ્મિથ નામના યુવક સાથે પ્રથમ મુલાકાત ૨૦૦૬માં થઈ હતી. તે સમયે મહિલાની ઉંમર ૪૫ વર્ષ જયારે વિલિયમની ઉંમર માત્ર ૧૬ વર્ષ હતી. રિપોર્ટ અનુસાર, વિલિયમ સ્મિથ આ મહિલાના દીકરાનો ખાસ દોસ્ત હતો અને સ્કૂલેથી છૂટ્યા બાદ તેમના ઘરે વીડિયો ગેમ રમવા માટે આવતો હતો. ત્યારે વિલિયમ સ્મિથની મુલાકાત તેના ખાસ મિત્રની માતા સાથે થઈ અને તેઓ એકબીજાની નજીક આવ્યા. વિલિયમ સ્મિથ બાદમાં નિયમિત તેના ખાસ મિત્રના ઘરે જવા લાગ્યો અને ત્યાં મિત્રની માતાને પણ મળવા લાગ્યો. આ પછી તેણે પોતાના ખાસ મિત્રની માતા સાથે લગ્ન કરી લીધા. આ સમયે વિલિયમના પરિવારના સભ્યો આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા તેમ છતાં તેમણે લગ્ન કરી લીધા. તેમણે એકબીજાનો સાથ છોડ્યો નહીં અને એકબીજાની સાથે રહેવા લાગ્યા.
હવે મેરિલિન અને વિલિયમના લગ્નને ૧૨ વર્ષ થઈ ગયા છે અને તેમની વચ્ચેનો પ્રેમ આજે પણ પ્રથમ મુલાકાત જેવો છે. વિલિયમ જણાવે છે કે મને ખબર છે કે અમારા વચ્ચે કશું સ્પેશિયલ બોન્ડીંગ છે. તે મારી ડ્રીમ વુમન હતી અને આજે પણ છે. લોકોને જે બોલવું હોય તે બોલે પણ અમે આજેય સાથે જ છીએ કારણ કે અમે એકમેકને સમજીએ છીએ, પ્રેમ કરીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter