મુંબઈઃ પૂર્વ શેરિફ અને જાણીતા ન્યાયશાસ્ત્રી નાના ચુડાસમાનું વૃદ્ધાવસ્થાના કારણે ૨૩મી ડિસેમ્બરે મુંબઈમાં ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ ૮૬ વર્ષના હતા. તેઓ ૧૯૮૯થી ૧૯૯૦ સુધી મુંબઈના શેરિફ હતા. નાના ચુડાસમા ‘જાયન્ટ્સ ઈન્ટરનેશનલ’, ‘આઈ લવ મુંબઈ’, ‘નેશનલ કિડની ફાઉન્ડેશન’ અને ‘ફોરમ અગેઇન્સ્ટ ડ્રગ્સ એન્ડ એઇડ્ઝ’ જેવી અનેક સામાજિક સંસ્થાઓના સ્થાપક હતા.
નાના જ્યારે મુંબઈના શેરિફ પદે હતા ત્યારે ‘આઈ લવ મુંબઈ’ નામની સામાજિક સંસ્થાની સ્થાપના કરી હતી અને આ સંસ્થાનો હેતુ મુંબઈમાં હરિયાળી વધે, મુંબઈ સુંદર અને સ્વચ્છ બને એવો હતો.
નાના ચુડાસમા દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં બેનર અને સંદેશા મૂકવા માટે જાણીતા હતા. જેમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મુખ્ય સમાચારો આધારિત સંક્ષિપ્ત સંદેશા રહેતા.
બે મુદત માટે મુંબઈના શેરિફ પદે રહેલા નાના ચુડાસમાને ૨૦૦૫માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નાના ચુડાસમા રાજકોટના ગોંડલના પરિવારના હતા. માનસિંહ ચુડાસમાના ત્રણ પુત્રોમાંથી તેઓ બીજું સંતાન હતા. તેમના પિતા માનસિંહ ચુડાસમા પોલીસ કમિશનર હતા. ભારતીય જનતા પાર્ટીનાં મહિલા પ્રવક્તા શાઈના એનસીનાં પિતા નાના ચુડાસમા સ્થાપિત ‘જાયન્ટ્સ ઈન્ટરનેશનલ’ સંસ્થાની ભારતભર ઉપરાંત અમેરિકા અને બ્રિટન સહિત અનેક દેશોમાં ૫૦૦થી વધુ શાખાઓ છે. યુકેમાં લેસ્ટર પછી ‘જાયન્ટ ગ્રુપ ઓફ લંડન’ની સ્થાપના ૧૯૮૩ના અંતમાં સ્વ. મોહનભાઈ રાડિયાએ કરી હતી.
વર્ષોથી આ ગ્રુપના સભ્યો દ્વારા સેવાકર્મ દાનકર્મ કરતા હતા અને ચેરિટી પ્રોજેક્ટ્સ દ્વારા આશરે £૩૦૦૦૦૦થી વધુનાં દાન ઉભાં કર્યાં હતાં.
શેરીના સામાન્ય માણસ અને તેના પ્રશ્નોનું નિરાકરણ લાવનારા નાના માટે સામાન્ય માણસ મહત્ત્વના રહેતા તો મુંબઈના દરિયાકિનારે આવેલા તેમના બંગલે અબજોપતિઓ અને બોલિવૂડ સ્ટાર્સ અવારનવાર મહેમાન બનતા હતા.
સમાજસેવી અને ઉદાર સ્વભાવના નાનાએ અનેક સેવાકીય અભિયાન, દીર્ઘદૃષ્ટી અને ગતિશીલતા દ્વારા વધુ ને વધુ શ્રેષ્ઠ બનવા માટે તેમની સંસ્થાના કેટલાય સ્વયંસેવકોને પ્રેરણા પૂરી પાડી હતી તેથી જ નાનાની ચિરવિદાયથી તેમની સંસ્થાના સ્વયંસેવકો સહિત કેટલાય સામાન્ય માણસથી લઈને મહાનુભાવો પરિજન ગુમાવ્યાની લાગણી અનુભવી રહ્યા છે.