લંડનઃ મુકેશ અંબાણીની લંડનસ્થિત કંપની રિલાયન્સ યુરોપ લિમિટેડ દ્વારા ડિસેમ્બર ૨૦૧૫માં કન્ઝર્વેટિવ એન્ડ યુનિયનિસ્ટ પાર્ટીને ૨૫,૦૦૦ પાઉન્ડ (૩૮,૨૦૮ ડોલર)નું દાન આપવામાં આવ્યું છે. આ દાનની માહિતી યુકે ઈલેક્ટોરલ કમિશનની વેબસાઈટ પર મૂકાઈ છે. અંબાણીની કંપનીએ ભારત બહારની રાજકીય પાર્ટીને સત્તાવાર દાન આપ્યાની આ પ્રથમ ઘટના છે. આ દાન શા કારણે અપાયું છે કે ભવિષ્યમાં પણ અપાશે કે કેમ તે જાણી શકાયું નથી.
૧૯૯૦ની ૧૬ જુલાઈએ ઈન્કોર્પોરેટ થયેલી રિલાયન્સ યુરોપની ઓફિસ ડેવોનશાયર હાઉસ, ૬૦, ગોસવેલ રોડ લંડન ખાતે આવેલી છે. તેના ડિરેક્ટર તરીકે મુકેશ અંબાણી, જ્હોન રેજિનાલ્ડ અને બ્રિટિશ નાગરિક મૂદાનિદામ્બુર ક્રિષ્ણા શેટ્ટી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ગ્રૂપ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એમ બે શેરહોલ્ડર ધરાવતી રિલાયન્સ યુરોપની મુખ્ય પ્રવૃત્તિમાં યુરોપ અને યુએસમાં પેરન્ટ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સલાહ આપવી તેમજ તેના સક્રિય ઈન્વેસ્ટર રીલેશન્સ પ્રોગ્રામને જાળવવાનો સમાવેશ થાય છે.
રાજકીય પક્ષોને ચૂંટણીભંડોળ પર નજર રાખતા યુકે ઈલેક્ટોરલ કમિશનની વેબસાઈટ પર આ ચુકવણી ૨૦૧૫ની ૨૧ ડિસેમ્બરે C0240025 ડોકેટ નંબર ધરાવતી ટોરી પાર્ટીને રોકડ કરાઈ હોવાનું જણાવાયું છે. પાર્ટીએ મળેલાં દાનનો રિપોર્ટ કમિશનને ૨૮ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ કર્યો હતો. બિનનિવાસી ભારતીય અને વેદાંતા કંપનીના માલિક અનિલ અગ્રવાલે પણ ૨૦૧૫ના ડિસેમ્બરમાં ટોરી પાર્ટીને ૯૮,૬૭૩ પાઉન્ડ અંગત દાનમાં આપ્યા છે, જ્યારે સ્ટીલમાંધાતા લક્ષ્મીનિવાસ મિત્તલે લેબર પાર્ટીને (૨૦૦૧થી ૨૦૧૦ સુધી) પાંચ મિલિયન પાઉન્ડથી વધુ રકમ અંગત દાન તરીકે આપેલી છે.