લંડન, નવી દિલ્હીઃ ભારતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ બ્રિટનના શાહી પરિવારનો આઇકોનિક કન્ટ્રી ક્લબ સ્ટોક પાર્ક ૫૭ મિલિયન પાઉન્ડ (૭૯ મિલિયન ડોલર અથવા ૫૯૨ કરોડ રુપિયા)માં ખરીદી લીધો છે. ૩૦૦ એકરમાં પથરાયેલી આ ક્લબની ખરીદી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહાયક કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ હોલ્ડિંગ્સ લિમિટેડ (RIIHL) દ્વારા કરવામાં આવી છે.
આ પાર્કનું નિર્માણ બ્રિટનના કિંગ જ્યોર્જ ત્રીજાના આર્કિટેક્ટ જેમ્સ વોટે ૧૭૯૦થી ૧૮૧૩ના ગાળામાં પ્રાઈવેટ પ્લેસ તરીકે કર્યું હતું. અત્યાર સુધી સ્ટોક પાર્ક પર બ્રિટિશ શાહી પરિવારનો માલિકીહક હતો. શાહી પરિવારની કંપની ઈન્ટરનેશનલ ગ્રૂપ (IG) દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષથી સ્ટોક પાર્કને વેચવા માટે પ્રયત્ન થઈ રહ્યા હતા. આ પ્રોપર્ટીને બજારમાં રાખવા અને વેચાણની સંભાવના તપાસવા ૨૦૧૮માં જારી કરાયો હતો. ડેઈલી મેઈલના ૨૦૧૬ના એક અહેવાલ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્ટોક પાર્ક ખરીદવામાં રસ દર્શાવ્યો હતો.૪૦ વૈભવશાળી બેડરુમ્સ, ૨૧ સ્યૂટ્સ અને ૨૮ પેવેલિયન ધરાવતા આ પાર્કમાં તમામને 5AA રેડ સ્ટાર રેટિંગ અપાયેલું છે. પાર્કની ડિઝાઈન કેપેબિલિટી બ્રાઉન અને હમ્ફરી રેપ્ટન દ્વારા કરાઈ હતી. આ પાર્કમાં મોટાભાગે સેલિબ્રિટી કોન્સર્ટનું આયોજન કરવામાં આવે છે.
યુકે ધનવાન ભારતીયો માટે રિયલ એસ્ટેટ હોટસ્પોટ તરીકે ઉભરી રહ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર વિશ્વમાં સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ અદાર પૂનાવાલાએ લંડનના વૈભવી વિસ્તાર મેફેરની એક પ્રોપર્ટી સપ્તાહના આશરે ૫૦,૦૦૦ પાઉન્ડ (૬૯,૩૦૦ ડોલરના)ના ભાડાથી લેવાનો એગ્રીમેન્ટ કર્યો છે જે લંડન નેબરહૂડમાં રેકોર્ડ સમાન છે.
સ્પોર્ટ્સ અને હોસ્પિટાલિટી સર્વિસ
બકિંગહામશાયરસ્થિત સ્ટોક પાર્કમાં અનેક લક્ઝરી સ્પા, હોટલ અને ગોલ્ફ કોર્સીસ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ જણાવ્યા અનુસાર તેમની યોજના આ ઐતિહાસિક જગ્યા પર સ્પોર્ટ્સ અને હોસ્પિટાલિટી સર્વિસને વધારવાની છે જેનાથી, રિલાયન્સની હોસ્પિટાલિટી સેક્ટરમાં મજબૂતીથી આગળ વધવામાં મદદ મળશે. અંબાણીની મહાકાય કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ફાઈવ સ્ટાર ઓબેરોય હોટેલ્સની ચેઈનનું સંચાલન કરતી EIH Ltdમાં ઈક્વિટી હોલ્ડિંગ ધરાવે છે. આ પાર્કમાં ૨૭ હોલ ચેમ્પિયનશિપ ગોલ્ફ કોર્સ, ૧૩ ટેનિસ કોર્ટ અને ૧૪ એકરમાં ફેલાયેલો પ્રાઈવેટ ગાર્ડન છે. આ ગાર્ડન અને ગોલ્ફ કોર્સે મુકેશ અંબાણીને પણ વારંવાર મુલાકાત લેવા આકર્ષ્યા છે. આ પાર્કની સત્તાવાર વેબસાઈટ અનુસાર એસ્ટેટ ૯૦૦ વર્ષથી વધુ જૂની હોવાનું કહેવામાં આવે છે અને ૧૯૦૮ સુધી તેનો ઉપયોગ પ્રાઈવેટ રેસિડેન્સ તરીકે કરવામાં આવતો હતો.
યુકેના હોલિવૂડ નામથી પ્રખ્યાત
સ્ટોક પાર્ક અનેક મોટી ફિલ્મોનો હિસ્સો રહ્યો છે. જેમ્સ બોન્ડ સિરીઝ સહિત અનેક મોટી ફિલ્મોનાં શૂટિંગ થવાને લીધે આ સ્થળ યુકેના હોલિવૂડ નામથી પ્રખ્યાત છે. અહીં જેમ્સ બોન્ડ સિરીઝની બે બ્લોકબસ્ટર ફિલ્મો- ૧૯૬૪માં આવેલી ‘ગોલ્ડફિંગર’ અને વર્ષ ૧૯૯૭માં આવેલી ‘ટુમોરો નેવર ડાઈ’નું શૂટિંગ થયું છે. આ ઉપરાંત, હ્યૂજ ગ્રાન્ટ, રેને ઝેલ્વેગર અને કોલિન ફર્થની ભૂમિકા સાથેની ફિલ્મ બ્રિઝેટ જોન્સ ડાયરી (૨૦૦૧) તેમજ નેટફ્લિક્સના બ્રિટિશ રોયલ ફેમિલી ડ્રામા ‘ધ ક્રાઉન’ સહિતનું શૂટિંગ પણ આ સ્થળે થયું હતું.
રિલાયન્સનું ગ્લોબલ બ્રાન્ડ્સમાં રોકાણ
મુકેશ અંબાણીએ ગયા વર્ષે રિલાયન્સના રિટેઈલ અને ડિજિટલ યુનિટ્સમાં હિસ્સોદારીના વેચાણમાં ૨૭ બિલિયન ડોલરની મૂડી ઉભી કરી હતી. રિલાયન્સે ૨૦૧૯માં યુકેની ડચકાં ખાતી ટોય સ્ટોર ચેઈન હેમલેને હાંસલ કરી હતી અને હવે તેને સજીવન કરવા માગે છે.
હવે તેઓ પરંપરાગત ઓઈલ રીફાઈનિંગ બિઝનેસ પરનો આધાર છોડી કંપનીના અન્ય મજબૂત આધાર સ્વરુપે કન્ઝ્યુમર સર્વિસીસનું નિર્માણ કરવા માગે છે. વિશાળ ગ્લોબલ બ્રાન્ડ્સ હસ્તગત કરવી તે આ યોજનાનો જ હિસ્સો છે.
મુકેશ અંબાણીની નેટ વર્થ ૭૧.૫ બિલિયન ડોલરની છે અને બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર તેઓ વિશ્વમાં ૧૩મા ક્રમના સૌથી વધુ ધનવાન વ્યક્તિ-ઉદ્યોગપતિ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે છેલ્લાં ૪ વર્ષમાં ૩૩૦ કરોડ ડોલરના અધિગ્રહણની જાહેરાત કરી છે. જેમાં રિટેલ સેક્ટરની ૧૪ ટકા, ટેકનોલોજી, મીડિયા
અને ટેલિકોમ (TMT) સેક્ટરની ૮૦ ટકા તથા એનર્જી સેક્ટરમાં ૬ ટકા હિસ્સેદારીનો સમાવેશ થાય છે.