લંડનઃ આખરે ઈંગ્લેન્ડના લોકડાઉનમાંથી ‘મુક્તિ દિન’ની જાહેરાત કરી દેવાઈ છે. યુકેમાં કોરોના કેસીસ વધી રહ્યા છે અને કેટલાક વિજ્ઞાનીઓએ નિયંત્રણો હટાવવા સામે ચેતવણી ઉચ્ચારી હોવાં છતાં, વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ૧૯ જુલાઈથી સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા સહિતના મોટા ભાગના નિયંત્રણો ઉઠાવી લેવાનું જાહેર કર્યું છે.
જોકે, વડા પ્રધાને આઝાદીને ટોળાંશાહીમાં નહિ ફેરવવા લોકોને અનુરોધ કર્યો છે અને વાઈરસથી મુક્ત થવા હજું ઘણું કરવાનું બાકી છે તેમ પણ જણાવ્યું છે.
‘ફ્રીડમ ડે’ અથવા ‘ટર્મિનસ ડે’થી બ્રિટિશરોએ રેસ્ટોરાંમાં ચેક-ઈન કરવું નહિ પડે, સંખ્યાની મર્યાદા વિના જ મોટા પાયા પરના ઈવેન્ટ્સ યોજી શકાશે અને ડ્રિન્કર્સ બારમાં જઈને ઓર્ડર્સ આપી શકશે. બીજી તરફ, લેબર નેતા કેર સ્ટાર્મરે તમામ નિયંત્રણો ઉઠાવી લેવાને ‘ઉતાવળિયુ અને બેજવાબદાર’ પગલું ગણાવ્યું છે. વિદેશ પ્રવાસ, બે વખત વેક્સિન લીધેલા લોકો માટે તેમજ શાળાઓ માટે ‘બબલ’ નિયમો વિશે ટુંકમાં જાહેરાત કરાશે.
૧૯ જુલાઈના મુક્તિદિન સુધીમાં કોરોના વાઈરસના દૈનિક કેસની સંખ્યા ૫૦,૦૦૦ સુધી પહોંચવાની ચેતવણીઓ છતાં નિયંત્રણો ઉઠાવી લેવાની જાહેરાત કરતા વડા પ્રધાને કહ્યું હતું કે હાલ સોસાયટીને ખુલ્લી નહિ કરીએ તો ઈંગ્લેન્ડને ૨૦૨૨ સુધી નિયંત્રણો ચાલુ રાખવાની ફરજ પડશે.
વેક્સિનેશનના ઊંચા પ્રમાણથી કોવિડ-૧૯ની ત્રીજી લહેરને આગળ વધતી અટકાવી શકાશે તેવી આશા વ્યક્ત કરવા સાથે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વેક્સિનનો પ્રતિકાર કરતા નવા વેરિએન્ટ્સ આવશે તો શિયાળામાં ફરીથી નિયંત્રણો લાદવાની ફરજ પડી શકે છે. નાઈટ ક્લબ્સ સહિત તમામ બિઝનેસીસને ફરીથી ખોલવાના આ પગલાંને ટ્રેડ યુનિયનોએ આવકાર્યું હતું.
ઓગસ્ટ સુધીમાં રોજના એક લાખ કેસઃ સાજિદ જાવિદ
હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે સ્વીકાર્યું છે કે ઓગસ્ટ મહિના સુધીમાં કોરોના કેસીસ રોજના ૧૦૦,૦૦૦ની સંખ્યાએ પહોંચી શકે છે. જોકે, વેક્સિનની સંરક્ષક દીવાલ વાઈરસના આક્રમણને ખાળશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ૧૯ જુલાઈથી નાટ્યાત્મક અનલોકિંગના જ્હોન્સનના નિર્ણયને તેઓ ટેકો આપે છે. દરમિયાન, ‘પ્રોફેસર લોકડાઉન’ નીલ ફર્ગ્યુસને પણ નિયંત્રણો ઉઠાવી લેવાનો જુગાર સફળ નીવડશે તેવી આશા વ્યક્ત કરવા સાથે ચેતવણી આપી હતી કે દૈનિક ૨૦૦,૦૦૦ કેસ આવી શકે છે અને જો વેક્સિન ધાર્યા કરતાં ઓછું પરિણામ આપે અને મોતની સંખ્યા વધે તો નિયંત્રણો ફરી લાદવા પડશે.
ફેસ માસ્ક નિયંત્રણો યથાવત રાખવા માગણી
જોકે, યુનિયન્સ અને કેટલાક મેયરોએ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફેસ માસ્ક મુદ્દે વિરોધ પ્રગટ કર્યો છે. લેબર પાર્ટીના સાદિક ખાન અને એન્ડી બર્નહામે લોકલ ટ્રેઈન્સ અને બસીસમાં ફેસ માસ્ક પહેરવાનું યથાવત રાખવા જણાવ્યું છે જ્યારે યુનાઈટ અને TUC યુનિયનોએ સરકાર આરોગ્ય અને સલામતીની જવાબદારીઓમાંથી છટકી રહી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. દરમિયાન, YouGovના નવા પોલમાં ૭૧ ટકા લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફેસ માસ્ક પહેરવાનું ચાલુ રાખવાની તરફેણ કરી છે.
વર્ક ફ્રોમ હોમ મુદ્દે અનિર્ણાયકતા
મોટા ભાગના નિયંત્રણોનો અંત આવી રહ્યો છે ત્યારે સરકાર ૧૯ જુલાઈથી કર્મચારીઓને ઘેર રહીને કામ કરવાની સલાહ આપશે નહિ અને તેનો નિર્ણય લેવાનું એમ્પ્લોયર્સ પર છોડી દેવાયું છે. જોકે, યુનિયનો દ્વારા આ પગલાંની આકરી ટીકા કરાઈ છે.
TUC સહિતના યુનિયનોની માગણી છે કે સરકારે નિયંત્રણોના અંત પછી દરેક પ્રકારના કામકાજના સ્થળોએ સલામતી જાળવવા યુનિયનો અને એમ્પ્લોયર્સ સાથે પરામર્શ કરી સ્પષ્ટ અને સતત માર્ગદર્શન આપવું જોઈશે અન્યથા વ્યાપક ગૂંચવાડો સર્જાશે. CBIના વડા ટોની ડાન્કરે પગલાંને આવકાર્યું છે પરંતુ, વાઈરસ સાથે રહેવામાં કસ્ટમર અને કર્મચારીઓમાં આત્મવિશ્વાસનું નિર્માણ કરવું આવશ્યક છે.
સોમવારે ડાઉનિંગ સ્ટ્રીટના પ્રેસ બ્રીફિંગમાં જ્હોન્સને વેક્સિન પાસપોર્ટ્સની યોજના હાલ પૂરતી અભરાઈએ ચડાવી દેવાયાનું જણાવ્યું હતું. જોકે, ધ ટાઈમ્સના અહેવાલ મુજબ કોવિડ સર્ટિફિકેટ્સ આપવાની યોજના છે. જો ઓટમ અથવા શિયાળામાં દેશ ખરાબ પરિસ્થિતિમાં આવે તો ઈવેન્ટ્સ અને બિઝનેસીસને ચાલુ રાખવા આ પ્રકારનું સર્ટિફિકેશન કાર્યરત થઈ શકે છે. પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરે જણાવ્યું હતું કે વેક્સિન પાસપોર્ટ્સ ૧૦,૦૦૦ જેટલા લોકોના જીવન બચાવી શકે છે.