લંડનઃ કેટલાક વિવાદાસ્પદ સંગઠનો સહિતના મુસ્લિમ પ્રતિનિધિઓએ લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરને મુસ્લિમોના મત જોઇતા હોય તો તેમની 18 માગ સ્વીકારવા જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાઝા પર ઇઝરાયેલના આક્રમણ બાદ લેબર પાર્ટીએ અપનાવેલા પેલેસ્ટિનિયન વિરોધી વલણના કારણે કાઉન્સિલની ચૂંટણીઓમાં ઘણા લેબર સમર્થક મુસ્લિમોએ લેબર પાર્ટીથી મોં ફેરવી લીધું હતું.
ગાઝામાં યુદ્ધ વિરામને સમર્થન ન આપનારા લેબર સાંસદોને સજા આપવા ઇચ્છતા મુસ્લિમ પ્રતિનિધિઓએ સ્ટાર્મરને જણાવ્યું હતું કે તેઓ મિડલ ઇસ્ટમાં સર્જાયેલી કટોકટી અંગેના તેમના વલણ માટે માફી માગે અને ઇઝરાયેલ સાથેના સંરક્ષણ સંબંધો તોડી નાખવાનું વચન આપવાની માગ કરી છે. મુસ્લિમ પ્રતિનિધિઓએ બ્રિટનની શાળાઓમાં મુસ્લિમોને નમાઝની પરવાનગી આપવાની પણ માગ કરી છે.
મુસ્લિમોએ સરકાર દ્વારા કરાયેલી કટ્ટરવાદની નવી વ્યાખ્યા નાબૂદ કરવા, ઇઝરાયેલી રાજકીય નેતાઓના પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાની પણ માગ કરી છે. મુસ્લિમોએ સ્ટાર્મરને ચેતવણી આપી છે કે જો તેઓ માગણીઓનો સ્વીકાર નહીં કરે તો મુસ્લિમો ગ્રીન પાર્ટી અથવા તો લિબરલ ડેમોક્રેટ પાર્ટીને મત આપશે.