નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. ૧૩,૬૦૦ કરોડથી વધુની છેતરપિંડી કરી વિદેશ ફરાર થઈ ગયેલા ડાયમંડ અને જ્વેલરીના વેપારી નીરવ મોદીએ ભારત પરત આવવાનો ઇનકાર કરી દીધો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ભાગેડુ આર્થિક અપરાધી કાયદા અંતર્ગત નીરવ મોદીને ભાગેડુ જાહેર કરવાની દાખલ કરાયેલી ફરિયાદનો વિરોધ કરતાં નીરવ મોદીએ સાતમીએ પીએમએલએ કોર્ટમાં જણાવ્યું હતું કે, મેં કશું ખોટું કર્યું નથી. પંજાબ નેશનલ બેન્કનું કથિત કૌભાંડ નાગરિક વ્યવહારોથી વિશેષ કશું નથી. આ નાગરિક વ્યવહારોને બિનજરૂરી રીતે કૌભાંડ તરીકે ચગાવવામાં આવી રહ્યા છે. હું સુરક્ષાનાં કારણોસર ભારત પરત ફરી શકતો નથી. નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી પર પંજાબ નેશનલ બેન્કની રૂ. ૧૩,૬૦૦ કરોડ કરતાં વધુની લોન ઓળવી જવાનો આરોપ છે. બંને ભારતના વોન્ટેડ આરોપી છે. સરકારી તપાસ એજન્સીઓ દ્વારા વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યા છતાં બંને ભારત પરત ફરવાનો ઇનકાર કરી રહ્યા છે. નીરવ મોદી હાલ બ્રિટનનાં લંડનમાં અને મેહુલ ચોકસી એન્ટિગુઆમાં આશ્રય લઈ રહ્યા છે. ડિસેમ્બર, ૨૦૧૮માં જ ડેબ્ટ રિકવરી ટ્રિબ્યૂનલે નીરવ મોદી અને પરિવારના સભ્યોને તેમની કંપની પાસે બાકી નીકળતા રૂ. ૭,૦૦૦ કરોડના બાકી લેણાની રિકવરી માટે નોટિસ ફટકારી છે.
મોબ લિંચિંગના બહાના
નીરવ મોદીનાવકીલે સુરક્ષા અંગેની દલીલ કરતાં જણાવ્યું હતું કે, નીરવ મોદી ભારત પરત ફરી શકે તેમ નથી, કારણ કે તેમને મોબ લિંચિંગનો ભય લાગી રહ્યો છે. નીરવ મોદીનાં મામા મેહુલ ચોકસીએ પણ અદાલતમાં મોબ લિંચિંગનું કારણ આપી ભારત પરત ફરવાનો ઇનકાર કરી દીધો હતો.
બ્રિટનમાં રાજ્યાશ્રયની ફિરાકમાં
૪૭ વર્ષીય નીરવ મોદી અને તેનો પરિવાર હાલ બ્રિટનમાં છે. એમ કહેવાય છે કે તે બ્રિટનમાં રાજ્યાશ્રય મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. ભારત સરકારે બ્રિટનના સત્તાવાળાઓને નીરવ મોદીનાં પ્રત્યર્પણની વિનંતી મોકલી આપી છે. હાલ બ્રિટન સરકાર ભારત સરકારની અરજી પર વિચારણા કરી રહી છે.
પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ
ફેબ્રુઆરી ૨૦૧૮માં પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો ખુલાસો થયો હતો, તે પહેલાં જ નીરવ મોદી અને મેહુલ ચોકસી પરિવારો સાથે વિદેશ ફરાર થઈ ગયા હતા. નીરવ મોદી અને મેહુલ ચોકસીએ બનાવટી લેટર ઓફ અંડરટેકિંગ દ્વારા બેન્કો પાસેથી રૂ. ૧૩,૬૦૦ કરોડ કરતાં વધુ નાણાં લઈ વિદેશોમાં ટ્રાન્સફર કરી દીધાં હતાં.