લંડનઃ પ્રિન્સ હેરી અને મેગન મર્કેલે તેમના સસેક્સ રોયલ ફાઉન્ડેશનને બંધ કરવા માટે અરજી કરી તે પછી કંપનીઝ હાઉસની વેબસાઈટ પર મેગન મર્કેલને ‘ડોક્ટર’ તરીકે દર્શાવાયા હતા. એક્ઝિક્યુટિવ એજન્સીના કોઈક કર્મચારી દ્વારા ૩૮ વર્ષીય મર્કેલને ભૂલથી ડો. ધ ડચેસ ઓફ સસેક્સ બતાવાયા હતા. આ બાબતે તપાસ ચાલી રહી હોવાનું કંપનીઝ હાઉસ દ્વારા જણાવાયું હતું.
શાહી યુગલ કેનેડા અને તે પછી લોસ એન્જલસ ગયા તે અગાઉ તેમને HRH સ્ટાઈલ છોડી દેવા વિનંતી કરાઈ હતી. મેગનની પદવી ડો. ધ ડચેસ ઓફ સસેક્સ કરવામાં આવી તે અગાઉ સરકારની આ વેબસાઈટ પર તેમને HRH ધ ડચેસ ઓફ સસેક્સ દર્શાવાયા હતા. જોકે, ત્યારબાદ વેબસાઈટ પરથી મર્કેલની આ બન્ને પદવી હટાવી દેવાઈ હોવાનું ‘ધ સન’ દ્વારા જણાવાયું હતું. એક સૂત્રે અખબારને જણાવ્યુ હતું કે મેગનને ડોક્ટરની પદવી અપાઈ તે જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું. અગાઉ તેમને ઘણાં બિરુદ અપાયા હતા. પરંતુ, ક્યારેય ડોક્ટર મેગન સાંભળ્યુ ન હતું. અન્ય સૂત્રે જણાવ્યું કે ડચેસ ચોક્કસપણે ડોક્ટર તો નથી જ.
મેગને ૨૦૦૩માં ઈલિનોઈસની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી થિયેટર એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી હતી. આ યુગલે પ્રિન્સ હેરીની ઈકો-ટુરિઝમ સ્કીમ ‘ટ્રાવેલિસ્ટ’ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાથી તેમણે રોયલ ફાઉન્ડેશનને બરખાસ્ત કરવા માટે એજન્સીમાં સત્તાવાર કાગળો ફાઈલ કર્યા હતા. સ્વતંત્ર રીતે સ્થપાયેલી આ કંપનીને આશા છે કે તે કોરોના વાઈરસને લીધે ખૂબ મુશ્કેલીમાં મુકાયેલા પ્રવાસન ઉદ્યોગને તેનું અસ્તિત્વ ટકાવી રાખવામાં મદદરૂપ થશે.
હેરી અને મેગન તેમના બ્રાન્ડીંગમાં ‘રોયલ’ શબ્દનો ઉપયોગ નહીં કરી શકે તેવા ક્વિનના નિર્ણયને પગલે આ યુગલ તેમની ચેરિટી સંસ્થાઓને આટોપી રહ્યું છે.