લંડનઃ ભારતીય મૂળના મેટલ ટાયકૂન સંજીવ ગુપ્તાએ હજારો નોકરીઓ અને સાઈટને બચાવવાની સમજૂતીના ભાગરૂપે બ્રિટનના છેલ્લાં એલ્યુમિનિયમ ગળતર પ્લાન્ટમાં ૧૨૦ મિલિયન પાઉન્ડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. ગુપ્તાનું લિબર્ટી હાઉસ અને તેમના પિતાની સીમેક કંપની વેસ્ટર્ન સ્કોટિશ હાઈલેન્ડમાં લોચાબેરસ્થિત પ્લાન્ટ તથા તેને વીજળી પૂરી પાડતા બે હાઈડ્રો-ઈલેક્ટ્રિક પ્લાન્ટ્સ ખરીદવા અંદાજે ૩૩૦ મિલિયન પાઉન્ડ ચૂકવશે.
તેમના ગ્રૂપે આગામી વર્ષોમાં ૬૦૦ નોકરી ઉભી કરવા વધુ ૧૨૦ મિલિયન પાઉન્ડનું રોકાણ કરવાનું વચન આપ્યું છે. ગુપ્તાની યોજના ૩૦૦ સીધી રોજગારી સાથે એલ્યુમિનિયમ વ્હીલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ઉભો કરવાની અને સપ્લાય ચેઈનમાં બીજી ૩૦૦ રોજગારી ઉભી કરવાની છે. એકંદરે તેમનો અંદાજ આગામી દાયકામાં સપ્લાય ચેઈનમાં ૨,૦૦૦ નોકરીઓ ઉભી કરવાનો અને સ્થાનિક અર્થતંત્રમાં એક બિલિયન પાઉન્ડ ઉમેરવાનો છે.