લંડનઃ રાજધાની લંડનના પ્રથમ મુસ્લિમ મેયર અને ત્રણ વખત મેયરપદે ચૂંટાઈ આવવાનો વિક્રમ ધરાવનારા સાદિક ખાનને ન્યૂ યર ઓનર્સ લિસ્ટમાં નાઈટહૂડની જાહેરાત થશે તેમ વ્હાઈટહોલના સૂત્રોએ જણાવ્યું છે. જોકે, સાદિક ખાનને નાઈટહૂડ ન અપાય તે માટે પિટિશન પણ થઈ છે અને માત્ર 48 કલાકમાં તેના પર 60,000થી વધુ લોકોએ સહીઓ કરી હતી અને આંકડો વધતો જાય છે. લંડનના બરો હેરોના કન્ઝર્વેટિવ કાઉન્સિલર મેથ્યુ ગૂડવિન-ફ્રીમેન દ્વારા આ પિટિશન શરૂ કરાઈ છે. પિટિશન કરનારી સંસ્થા The Change.orgની દલીલ છે કે જે લોકોએ પોતાની કોમ્યુનિટીઝના કલ્યાણનું કાર્ય કર્યું હોય તેમના માટે નાઈટહૂડ અનામત રાખવું જોઈએ. મેયર સાદિક ખાન ક્રાઈમ રોકવા સહિતના બધા મોરચે નિષ્ફળ ગયા હોવાનું પણ કહેવાયું છે.
સાદિક ખાને 2016માં કોમન્સ છોડ્યું તે પહેલા ટૂટિંગના મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે પણ સેવા આપી હતી. ખાનને તેમની લાંબી રાજકીય અને જાહેર સેવા બદલ સન્માન અપાય તેવી ધારણા છે. મેયર ખાન ઉપરાંત, ઈઝ્લિંગ્ટન સાઉથના સાંસદ એમિલી થોર્નબેરી ડેમહૂડથી સન્માનિત કરાશે તેવા અહેવાલ છે. આ સિવાય, પૂર્વ લેબર સેક્રેટરી પેટ્રિસિયા હેવિટ, પૂર્વ મેયર એન્ડી સ્ટ્રીટ, પૂર્વ ચીફ ઓફ સ્ટાફ સ્યૂ ગ્રે સહિત પીઢ લેબર અને કન્ઝર્વેટિવ રાજકારણીઓને પણ ન્યૂ યર ઓનર્સ લિસ્ટમાં સન્માનની જાહેરાત કરાશે તેમ કહેવાય છે. પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાક દ્વારા રેઝિગ્નેશન પીઅરેજ લિસ્ટ હજુ સુપરત કરાયું નથી.