મોંઘવારીઃ ભારતીય વિદ્યાર્થીઓના ખર્ચમાં રૂ. 5 લાખનો અસહ્ય વધારો

બ્રિટનમાં મકાન ભાડાંનો ખર્ચ ભારતીય વિદ્યાર્થીઓના બજેટ ખોરવી રહ્યો છે

Tuesday 28th May 2024 11:20 EDT
 

લંડનઃ બ્રિટનમાં મોંઘવારી ને કારણે ભારતીય વિદ્યાર્થીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. કોસ્ટ ઓફ લિવિંગમાં 25 ટકા સુધીના વધારાને કારણે પ્રત્યેક વિદ્યાર્થીનો વર્ષે ખર્ચો રૂપિયા પાંચ લાખ સુધી વધી ગયો છે. બ્રિટનમાં ભણતા લગભગ 2 લાખ વિદ્યાર્થીઓને રૂપિયા 15 લાખ ને બદલે રૂપિયા 20 લાખનો ખર્ચ થઇ રહ્યો છે. બ્રિટનમાં કોસ્ટ ઓફ લિવિંગમાં સૌથી વધારે ખર્ચ ભાડામાં થયેલો વધારો છે.

સ્ટુડન્ટ એકોમોડેશનમાં એક વર્ષ દરમિયાન લગભગ 20 ટકા સુધી વધારો થયો છે. બ્રિટનમાં રહેતા વિદ્યાર્થીઓને સૌથી મોટો ખર્ચ મકાન ભાડાનો છે. બીજી બાજુ બ્રિટનના નાણાં મંત્રાલયે પણ 2025 માટે મોંઘવારી દરમાં 8 ટકા વધારાની આશંકા વ્યક્ત કરી છે. આવામાં બ્રિટનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને હજુ વધુ મુશ્કેલીઓ નડી શકે એમ છે.

કેટલીક યુનિવર્સિટી મફતમાં બ્રેકફાસ્ટ અને લંચની કુપનો વહેંચી રહી છે

ઘણી યુનિવર્સિટીઓએ સહાયતા પ્રોગ્રામ પણ શરૂ કર્યા છે. યુનિવર્સિટી ઓફ વેસ્ટ સ્કોટલેન્ડ અને યુનિવર્સિટી ઓફ રીડિંગે મફત બ્રેકફાસ્ટ અને લંચ કુપન શરૂ કરી છે. આ માટે એનરોલમેન્ટ કરાવનારા માં લગભગ 15 ટકા વિદ્યાર્થીઓ છે. બ્રિટનની 15 અન્ય યુનિવર્સિટીએ સુનક સરકારને ઈમર્જન્સી ફંડમાંથી ફૂડ પ્રોગ્રામ શરૂ કરવા માટે મદદ માંગી છે.

આગામી વર્ષે વિદ્યાર્થીઓને વધુ બે મુશ્કેલીઓ

1 મિનિમમ બેલેન્સ: સ્ટુડન્ટ વિઝા માટે જાન્યુઆરી થી મિનિમમ બેલેન્સની અનિવાર્યતા વધશે. હાલમાં 10 લાખ પાંચ હજાર છે જે વધીને 11 લાખ 70 હજાર થઈ જશે. મિનિમમ બેલેન્સન એવી રકમ છે જે વિદ્યાર્થીઓ એ પોતાના ખાતામાં રાખવી જરૂરી છે.

2 ફી વધારો: ઓક્સફર્ડ, માન્ચેસ્ટર, બ્રિસ્ટલ, બર્મિંગહામ યુનિવર્સિટી 2025થી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ફીમાં 5થી 10 ટકાનો વધારો કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter