લંડન
વધી રહેલી મોંઘવારી વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ પર પણ ભારે પડી રહી છે. ફુગાવાના ઉંચા દરના કારણે સરકાર દ્વારા અપાતી લોન પણ હવે યુનિવર્સિટીમાં શિક્ષણ માટે પુરતી પડી રહી નથી. જેના કારણે યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ વિપરિત સ્થિતિમાં ફસાઇ રહ્યાં છે. એક અંદાજ પ્રમાણે ફુગાવા અને વ્યાજદરમાં વધારાના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસની ફીમાં 1000 પાઉન્ડનો ખાડો પડી રહ્યો છે. એ લેવલ સ્કૂલ રિઝલ્ટ આવ્યા બાદ હવે સપ્ટેમ્બરથી 4,25,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જઇ રહ્યા છે. નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે કે વધી રહેલી મોંઘવારીના કારણે ઘણા વિદ્યાર્થીને સંઘર્ષ કરવો પડશે.
ફુગાવાએ મેન્ટેનન્સ લોનનું વાસ્તવિક મૂલ્ય ઘટાડી દીધું છે. ગયા શૈક્ષણિક વર્ષની સરખામણીમાં લોનની ઉપલી મર્યાદા 2.3 ટકા વધુ રહેવાની સંભાવના છે. તેનો અર્થ એ થયો કે જેમને સૌથી વધુ આર્થિક સહાયની જરૂર રહે છે તેવા પોતાના માતાપિતાથી દૂર લંડનમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને લગભગ 1000 પાઉન્ડની ખોટ પડશે.
સેવ ધ સ્ટુડન્ટ ગ્રુપના જેક બટલર કહે છે કે સરકારે ફુગાવાની સરખામણીમા મેન્ટેનન્સ લોન વધારી આપવી જોઇએ જેથી વિદ્યાર્થીઓને મોંઘવારીની અસર ન થાય. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પોતાના બજેટ સારી રીતે મેન્ટેન કરી શક્તાં નથી તેથી તેમને મોંઘવારીની સામે એડજસ્ટમેન્ટ કરવામાં ઘણી મુશ્કેલી પડશે.
નર્સરી સ્કૂલો પણ ફી અને મીલ પ્રાઇસ વધારવાની ફિરાકમાં
વધી રહેલા એનર્જી બિલોના કારણે નર્સરી સ્કૂલો પણ ફી અને મીલ પ્રાઇસમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. નેશનલ ડે નર્સરી એસોસિએશનના પોલિસી ડિરેક્ટર જોનાથાન બ્રોડબેરી કહે છે કે સરકાર દ્વારા અપાતુ ભંડોળ પુરુ પડી રહ્યું નથી તેથી ફી અને ઓન સાઇટ મીલ્સની પ્રાઇસ વધારવા અમે વિચારણા કરી રહ્યાં છીએ. સરકાર અમને પ્રતિ સપ્તાહ 30 કલાકના હિસાબે વિદ્યાર્થીઓ માટે મદદ પૂરી પાડે છે પરંતુ આ સહાય ફુગાવાના દર સાથે મેળ ખાતી નથી. એનર્જી પ્રાઇસમાં વધારાના કારણે નર્સરીના ખર્ચા પણ દર મહિને વધી રહ્યાં છે. ગયા વર્ષની સરખામણીમાં એનર્જી બિલમાં લાખો પાઉન્ડનો વધારો થઇ ચૂક્યો છે. ખાદ્ય પદાર્થોની કિમતોમાં તોતિંગ ઉછાળાના કારણે અમે મીલ પ્રાઇસમાં પણ વધારો કરવાની વિચારણા કરી રહ્યાં છીએ.