લંડનઃ એશિયન મૂળના સૌથી લાંબો સમય સેવારત સાંસદ કિથ વાઝે પાર્લામેન્ટના ગૃહોના સંયુક્ત સત્ર સમક્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક સંબોધનની પ્રશંસા કરી હતી. કિથ વાઝે જણાવ્યું હતું હતું કે, ‘યુકેની મુલાકાતના પ્રથમ જ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈતિહાસ રચ્યો હતો, જ્યારે પાર્લામેન્ટના ગૃહોને સંબોધન કરનારા તેઓ પ્રથમ કાર્યરત ભારતીય વડા પ્રધાન બન્યા હતા. આટલું જ નહિ, તેમણે બન્ને દેશોના વિશેષ સંબંધોને સ્પષ્ટ કરતું પ્રગતિશીલ, વિચારપ્રેરક એને ઐક્યદર્શક સંબોધન કર્યું હતું. તેઓ શબ્દના દરેક અર્થમાં મુત્સદ્દી છે.
વડા પ્રધાન સાથે મુલાકાત અને વાતચીત ખરેખર સન્માનપાત્ર છે. ભારતની બહાર ભારતીય સમુદાયનું સૌથી વધુ પ્રમાણ ધરાવતા શહેર લેસ્ટરની મુલાકાત લેવાનું આમંત્રણ મેં તેમને આપ્યું છે. તેમની આગામી મુલાકાતમાં હું તેમને આપણા ‘મિનિ-ગુજરાત’ની ટુર કરાવવા આશા ધરાવું છું. તેમની બે મહત્ત્વપૂર્ણ જાહેરાતો પણ આવકાર્ય છે, સૌ પહેલા તો OCI અને POI નિયમોના સરળીકરણ અને લંડનથી અમદાવાદ સુધી ડાયરેક્ટ ફ્લાઈટ્સનો પુનઃ આરંભ. આ બન્ને જાહેરાતોથી બધાને ખુશી થશે.’