લંડનઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી દ્વારા ઇંગ્લેડના બેસિંગસ્ટોક ખાતે એક કાર રેલીનું આયોજન કરાયું હતું. કાર રેલી બેસિંગસ્ટોક, રીડિંગ, ન્યૂબરી, સ્લાઉ અને આસપાસના વિસ્તારોમાં ફરીને બેસિંગસ્ટોકના બાઉન્ટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમાપ્ત થઇ હતી.
રેલી બાદ કાર્નિવલ હોલ ખાતે વિશેષ રામ પૂજાનું આયોજન કરાયું હતું જેમાં 200 કરતાં વધુ શ્રદ્ધાળુઓએ વડાપ્રધાન મોદીનું 400 બેઠકો જીતવાનું સ્વપ્ન સાકાર થાય તે માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના યુકેના પ્રમુખ કુલદીપ સિંહ શેખાવત, જનરલ સેક્રેટરી સુરેશ મંગલગિરી, બેસિંગસ્ટોક હિન્દુ સોસાયટીના પ્રમુખ પ્રશાંત શિરોડે, ગૌદિયા મિશન યુતેના આચાર્ય શ્રીપદ ભક્તિ દીપક દામોદર મહારાજ સહિતના ગણમાન્ય લોકો હાજર રહ્યાં હતાં.
યુકેની પાર્લામેન્ટ સામે પરંપરાગત વેશભૂષામાં ભારતીય મહિલાઓની ઉજવણી
લંડનમાં પાર્લામેન્ટ હાઉસ સામે ભારતીય મહિલાઓએ વડાપ્રધાન મોદી અને ભાજપના સમર્થનમાં પરંપરાગત વેશભૂષામાં હાજર રહીને પ્રદર્શન કર્યું હતું. તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, આસામ, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, બિહાર અને ઓડિશા સહિતના રાજ્યોની મહિલાઓએ વિશેષ રીતે ભારતમાં ઉજવાઇ રહેલા લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. પાર્લામેન્ટ સ્ક્વેર અબ કી બાર 400 પાર અને હર હર મોદી ઘર ઘર મોદીના નારાથી ગુંજી ઉઠ્યો હતો.