નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દરેક મહાનુભાવનું અભિવાદન હાથ મિલાવીને કરતા હોય છે તેમાં કંઇ નવું નથી, પણ તેમની બ્રિટનના પ્રિન્સ વિલિયમ સાથે હાથ મિલાવતી એક તસવીર સોશ્યલ મીડિયા ઉપર આજકાલ બહુ વાયરલ થઈ છે. આ તસવીરમાં જોવા મળતા શેકહેન્ડને વડા પ્રધાન મોદીનું સૌથી શક્તિશાળી હસ્તધૂનન કહેવામાં આવી રહ્યું છે. જેમાં મોદી સાથે હાથ મિલાવ્યા બાદ પ્રિન્સના ઘેરા ગુલાબી હાથ સંપૂર્ણ સફેદ થઈ ગયા છે. આવું લોહીનું પરિભ્રમણ અટકી જવાના કારણે થતું હોય છે. મોદીના ફેન્સને તેનાં વખાણ કરવાની તક મળી ગઈ અને તેને આયર્ન ગ્રિપ ગણાવી હતી.
આ ફોટો સૌથી પહેલાં ચીનનાં મોખરાના દૈનિક ‘પીપલ્સ ડેઇલી ચાઇના’એ ટ્વિટ કર્યો હતો. આ અંગે બ્રિટિશ મીડિયાએ ટિપ્પણી કરતાં લખ્યું છે કે આ ભારત અને બ્રિટન વચ્ચેના મજબૂત થઈ રહેલા સંબંધોની નિશાની છે. આ ફોટો તેનો પુરાવો છે. ખૂબ જ ઉષ્માભેર હાથ મિલાવવાથી આવું થઈ જાય છે અને મોદી દુનિયાભરના નેતાઓ સાથે આવી રીતે જ ઉષ્માભેર હસ્તધૂનન કરે છે. વિલિયમ અને તેની પત્ની કેટ મિડલ્ટનના માનમાં મોદીએ હૈદરાબાદ હાઉસમાં લંચ રાખ્યું હતું. તે દરમિયાન મોદીએ આ ફોટો પડાવ્યો હતો.
ચીની મીડિયાએ આ તસવીર પોસ્ટ કરતાં લખ્યું છે કે આ ભારતીય મીડિયાનું સૌથી શક્તિશાળી હેન્ડશેક છે. રાજકુમારનો હાથ જોઈને એ જ લાગે છે. આ પછી આ ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે. લોકોએ મોદીની ગ્રિપને આયર્ન ગ્રિપ ગણાવી છે. આ ફોટો સમગ્ર વિશ્વના મીડિયામાં ચમકી ગયો છે. લોકોએ મોદીના ફોટાની સાથે મેમો પણ શેર કર્યો છે.
પાકી મૈત્રીનો પુરાવોઃ બ્રિટિશ મીડિયા
બ્રિટનના મોખરાના દૈનિક ‘ડેઇલી મેલ’ આ અંગે લખ્યું હતું, ‘હવે પ્રિન્સ વિલિયમ અને કેટ પાસે શંકા કરવાનું કોઈ કારણ નથી કે નરેન્દ્ર મોદી એક બિલિયન દેશવાસીઓના વડા પ્રધાન છે.’ જ્યારે ‘ધ ટેલિગ્રાફ’માં ફોટો સાથે એવી નોંધ કરવામાં આવી છે કે ‘આ ફોટો ભારત અને બ્રિટન વચ્ચે મજબૂત થઈ રહેલા સંબંધોના પુરાવો છે. આ જ મોદીની ખૂબી છે.’
સોશિયલ મીડિયા ‘શેકહેન્ડ’
• ‘મોદી અને રાજકુમારના જમણા હાથને ધ્યાનથી જૂઓ, આ ચણાનો લોટ છે. મોદી ચોક્કસપણે તેમના માટે ભજિયા બનાવી રહ્યા હશે.’
• ‘પ્રિન્સ વિલિયમને પણ મોદીની ૫૬ ઇંચની છાતીનો અહેસાસ થઈ ગયો... લાગે છે રાજકુમાર સાથે હસ્તધૂનન કરતા મોદીને શહજાદેની (મતલબ કે રાહુલ ગાંધીની) યાદ આવી ગઈ...’
• ‘હવે લોકો મોદી સાથે હસ્તધૂનન કરતી વખતે પણ સતર્ક રહેશે. કારણ કે તેમની ઉષ્માભરી રીતે ભેટવાની સ્ટાઇલ બરાક ઓબામા અને ફ્રાન્કવા ઓલાંદથી બહેતર કોણ જાણે છે...’