લંડનઃ યુકેમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીએ આરોપ મૂક્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના વિકાસનું સમર્થન કરવા માટે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સની સ્ટુડન્ટ્સ યુનિયનની ચૂંટણીઓમાં મને ટાર્ગેટ કરાયો હતો. પૂણેમાં જન્મેલો સત્યમ સુરાના ગયા વર્ષે લંડનમાં ભારતીય હાઇ કમિશન પર થયેલા હુમલા દરમિયાન સડક પરથી તિરંગાને ઉઠાવતા નજરે પડ્યો હતો.
સુરાનાએ સોશિયલ મીડિયા પર મૂકેલી સંખ્યાબંધ પોસ્ટમાં જણાવ્યું હતું કે, સ્ટુડન્ટ્સ યુનિયનની ચૂંટણી દરમિયાન રામ મંદિર અને આતંકવાદના મુદ્દાઓ પર ભારત તરફી વલણ અપનાવવા માટે મને ટાર્ગેટ કરાયો હતો. મારા પ્રચાર પોસ્ટરોને ફાડી નંખાયા હતા. પોસ્ટર પરના મારા ચહેરા પર કુચડો ફેરવી દેવાયો હતો અને મને મત નહીં આપવાની અપીલ કરાઇ હતી. મને કોલેજના ગ્રુપોમાં ભાજપનો સમર્થક અને ફાસીવાદી કહેવામાં આવતો હતો. ગ્રુપમાં મૂકાતા મેસેજ ભારત સરકારની બદબોઇ કરતા હતા.
સત્યમે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા જાણે કે યુદ્ધનું મેદાન બની ગયું હતું. મારી પોસ્ટનો ઉપયોગ મને ફાસીવાદી ગણાવવા માટે કરાતો હતો. મને અન્યાયી રીતે લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યો હતો.