લંડનઃ યુકે અને મોરેશિયસ વચ્ચે ચાગોસ આઈલેન્ડ્સના ભાવિ વિશે રાજદ્વારી વાટાઘાટો ચાલી રહી છે ત્યારે મોરેશિયસના વડા પ્રધાન નવીન રામગુલામની સરકારે વાર્ષિક 800 મિલિયન પાઉન્ડ સુધીની રકમ અને વળતરની માગણી ઉઠાવી હોવાનું કહેવાય છે. ટાપુ પર યુકેનું સાર્વભૌમત્વ છોડી દેવા અને ભારતીય મહાસાગરમાં ડિએગો ગાર્સિઆ લશ્કરી મથક માટે 99 વર્ષની લીઝ વિશેની મંત્રણાઓ આ સોદાને અવરોધી રહી છે. દરમિયાન, ફોરેન ઓફિસે મોરેશિયસ આખમાં પાણી લાવી દે તેટલી રકમ વસૂલવા માગતું હોવાના અહેવાલો વિશે અંતર જાળવતા કહ્યું હતું કે આંકડાઓ તદ્દન અચોક્કસ છે.
મોરેશિયસના નવા નેતા નવીન રામગુલામે યુએસ સામે સ્પષ્ટ કર્યું છે કે તેમના પુરોગામીએ ઓક્ટોબરમાં સહી કરેલી સમજૂતીને તેઓ સ્વીકારશે નહિ. રાજકીય વર્તુળોના જણાવ્યા મુજબ ડિએગો ગાર્સિઆ લશ્કરી મથક પર જેટલો સમય કબજો રખાય તેના માટે વાર્ષિક 800 મિલિયન પાઉન્ડ સુધીની રકમની માગણી થઈ રહી છે. આ વિસ્તારમાં ચીન અને ભારતનું વર્ચસ્વ વધી રહ્યું છે ત્યારે આ સમજૂતી વૈશ્વિક સુરક્ષા માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. કહેવાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ સત્તા સંભાળે તે પહેલા યુકે આ સમજૂતી પાર પાડવા ઈચ્છુક છે.
શેડો ફોરેન સેક્રેટરી પ્રીતિ પટેલે સાંસદો સમક્ષ જણાવ્યું હતું કે સરકાર આ ખતરનાક વિશ્વમાં આપણો દરજ્જો ઘટતો જવા દે છે. બ્રિટિશ કરદાતાએ દર વર્ષે અને આગામી 99 વર્ષ સુધી કેટલી રકમ ચૂકવવી પડશે તેવો પ્રશ્ન પણ તેમ કર્યો હતો.