લંડનઃ યુકેમાં ઘર ખરીદનારા અને વેચનારાને અસર કરતા મોર્ગેજ નિયમોમાં સુધારા પહેલી ઓગસ્ટથી અમલી બન્યા છે. લોકો મોર્ગેજ માટે કેટલું કરજ લઈ શકે છે તેનું નિર્ધારણ કરતા એફોર્ડેબિલિટી ટેસ્ટ્સ રદ કરાયા છે. અગાઉ, ખરીદારોએ પુરવાર કરવું પડતું હતું કે તેઓ રિવર્ઝન રેટથી 3 પર્સન્ટેજ પોઈન્ટ ઊંચા હોય તેવા દર સાથે મોર્ગેજની ચૂકવણી કરી શકશે.
હવે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને ફાઈનાન્સિયલ પોલિસી કમિટી દ્વારા સમીક્ષાના પગલે એફોર્ડેબિલિટી ટેસ્ટનો નિયમ રદ કરાયો છે. જોકે, નિષ્ણાતો કહે છે કે તમે વધુ કરજ લઈ શકો તેનો અર્થ હરગિજ એવો થતો નથી કે તમારે વધુ કરજ લેવું જોઈએ. તમે કોઈ પણ લોન લો તે પહેલા પરિસ્થિતિ કે સંજોગો બદલાય તો તમને કેટલી પુનઃ ચૂકવણી પોસાઈ શકે તેમ છે તેનો વિચાર કરવો જ જોઈએ.
બેન્ક ઓફ ઈંગ્લેન્ડના નિયમો અનુસાર બેન્કો અને બિલ્ડિંગ સોસાયટીઓએ સંભવિત કરજદાર કે લોન લેનાર તેમના મોર્ગેજની ચૂકવણી કરી શકશે કે કેમ તેની ગણતરી કરવી પડતી હતી. લોનના પ્રાથમિક પાંચ વર્ષના ગાળામાં તેમને ઓફર કરાતા વ્યાજ દરમાં 3 પર્સન્ટેજ પોઈન્ટનો વધારો થાય તો કરજદારને તે પોસાઈ શકશે કે કેમ તેનો વિચાર કરવો પડતો હતો. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે આ નિયમ 2014માં દાખલ કર્યો હતો અને 2017માં તેમાં સુધારો કરાયો હતો. જોકે, 2017-2021ના ગાળામાં વ્યાજદરોમાં મહત્તમ માત્ર 0.5 પર્સન્ટેજ પોઈન્ટનો વધારો થયો હતો.
આમ છતાં, ધીરાણકારોએ હવે આગાહી કરાયેલા અંદાજિત ઈન્ટરેસ્ટ રેટ્સના આધારે ગણતરીઓ કરવી પડશે. કરજ લેનારના મૂળ મોર્ગેજ દર કરતાં ઓછામાં ઓછાં 1 પર્સેન્ટેજ પોઈન્ટના લઘુતમ બફર સ્ટ્રેસને ધ્યાનમાં લેવું જોઈશે. હવે તેમની એફોર્ડિબિલિટી ગણતરીમાં યુટિલિટી હિલ્સમાં વધારાના પરિબળને પણ ધ્યાનમાં લેવાનું થશે તેમ નિષ્ણાતો કહી રહ્યા છે.