લંડનઃ મુંબઇના ૧૯૯૩ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય અને મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહીમ ફરતે ગાળિયો મજબૂત કસવામાં ભારતને સફળતા સાંપડી છે. ભારતે રજૂ કરેલા વિવિધ દસ્તાવેજો અને પુરાવા ધ્યાને લઇને બ્રિટિશ સરકારે માફિયા ડોન દાઉદ વિરુદ્ધ મોટા અને મહત્ત્વના પગલામાં તેની યુકેસ્થિત ૬.૭ બિલિયન ડોલર એટલે કે રૂપિયા ૪૨,૮૮૩ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. અગાઉ યુએઈમાં તેની ૧૫,૦૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે. વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો ક્રિમિનલ દાઉદ બ્રિટનમાં હોટેલ, કેટલાંક મકાન ઉપરાંત કરોડો રૂપિયાની જમીન ધરાવે છે. યુકેમાં દાઉદની જુદાં જુદાં ૨૧ નામથી સંપત્તિ હોવાના ઘટસ્ફોટ પછી દાઉદને સકંજામાં લેવામાં ભારતની વિદેશનીતિ અને કૂટનીતિને સફળતા મળી છે.
બનાવટી નામોના ઉપયોગથી સંપત્તિ જમાવી
દાઉદ ઇબ્રાહીમે બ્રિટનમાં ૨૧ બોગસ નામનો ઉપયોગ કરીને સંપત્તિ ખરીદી છે. દાઉદે ઉપયોગ કરેલા ૨૧ નામોમાં અબ્દુલ શેખ ઇસ્માઇલ, અબ્દુલ અઝીઝ, અબ્દુલ હમીદ, અબ્દુલ રહેમાન, શેખ મોહમ્મદ ઇસ્માઇલ, અનિસ ઇબ્રાહીમ, શેખ મોહમ્મદભાઈ, બડાભાઈ, દાઉદભાઈ, ઇકબાલ, દિલીપ, અઝીઝ ઇબ્રાહીમ, દાઉદ ફારૂકી, અનીસ ઇબ્રાહીમ, હસન શેખ, દૌદ હસન, શેખ ઇબ્રાહીમ કાસકર, દાઉદ હસન, ઈબ્રાહીમ મેમણ, સાબરી દાઉદ, સાહબ હાજી અને બડા શેઠ નામ સામેલ છે.
યુકેના ટ્રેઝરી વિભાગ દ્વારા જાહેર લિસ્ટમાં દાઉદનાં પાકિસ્તાનમાં ત્રણ સરનામાં જણાવાયાં હતાં. હાલ તે પાકિસ્તાનનાં કરાચીમાં જ રહેતો હોવાના અહેવાલો છે. દાઉદનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના ખેર નામનાં ગામમાં થયો છે. તેની નાગરિકતા ભારતીય જણાવાઈ છે અને ભારતનો પાસપોર્ટ ધરાવતો હોવાનું દર્શાવાયું છે. જોકે ભારત સરકારે આ પાસપોર્ટ રદ કર્યો છે. પાકિસ્તાનમાંથી બે-ત્રણ જુદાં જુદાં નામે તેણે પાસપોર્ટ કઢાવ્યા છે.
દાઉદને સાણસામાં લેવાની યોજના
દાઉદને વૈશ્વિક આતંકી જાહેર કરાયા પછી સમગ્ર વિશ્વમાં તેના બિઝનેસીસ અને સંપત્તિને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભારતના વડા પ્રધાન મોદીના યુએઈ અને લંડન પ્રવાસમાં દાઉદને સાણસામાં લેવાની પૂર્વભૂમિકા બાંધવામાં આવી હતી. ભારત સરકારે દાઉદની સંપત્તિ અંગે નક્કર પુરાવાઓ સાથે માહિતી આપ્યાં પછી બ્રિટન સહિતના દેશો દાઉદની સંપત્તિ સામે કાર્યવાહી હાથ ધરીને તેનું નેટવર્ક તોડી પાડવા સક્રિય થયા છે. દાઉદને પકડવા માટે ઘણા સમયથી કોશિશ ચાલે છે. હવે દાઉદની સંપત્તિ જપ્ત કરીને તેને બચાવનારાને ભીંસમાં લેવાશે.