યશવર્ધન સિંહા બ્રિટનમાં નવા હાઈ કમિશનરઃ નવતેજ સરના યુએસમાં રાજદૂત નિયુક્ત

Wednesday 05th October 2016 07:15 EDT
 
 

લંડનઃ શ્રીલંકામાં હાઈ કમિશનરપદેથી મુક્ત કરાયેલા પીઢ રાજદ્વારી યશવર્ધન કુમાર સિંહાને બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ યુએસમાં રાજદૂત તરીકે નિયુક્ત વર્તમાન હાઈ કમિશનર નવતેજ સરનાનું સ્થાન લેશે. આ ઉપરાંત, દિનેશ પટનાયક મોરોક્કોમાં ભારતીય એમ્બેસેડરની કામગીરી પછી લંડનમાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે જોડાયા છે. વર્તમાન ડેપ્યુટી હાઈ કમિશનર ડો. વિરેન્દર પોલ યુકેમાં ત્રણ વર્ષ સેવા આપ્યા પછી યુએનમાં ભારતના ડેપ્યુટી કાયમી પ્રતિનિધિ તરીકે જીનીવા જઈ રહ્યા છે.

ભારત સરકારમાં સેક્રેટરીનો હોદ્દો ધરાવતા યશવર્ધન કુમાર સિંહા ૩૫થી વધુ વર્ષ રાજદ્વારી રહ્યા છે અને સાઉથ એશિયા, મિડલ ઈસ્ટ, યુરોપ, સાઉથ અમેરિકામાં ભારતીય મિશનો તેમજ યુએનમાં ભારતના પરમેનન્ટ મિશનમાં કામગીરી બજાવી છે.

બિહારમાં ચોથી ઓક્ટોબર, ૧૯૫૮માં જન્મેલા યશવર્ધન કુમાર સિંહાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ઈતિહાસમાં માસ્ટર્સ કરવા ઉપરાંત, કેરોની અમેરિકન યુનિવર્સિટીમાંથી અરેબિક ભાષાનો ડિપ્લોમા હાંસલ કર્યો છે. શ્રીમતી ગિરિજા સાથે લગ્નજીવનથી તેમને બે પુત્ર અંબુજ અને વિનાયક છે.

સરના આ મહિનાના અંતે નિવૃત્ત થનારા અરુણ કુમાર સિંહના સ્થાને ટુંક સમયમાં જ નવો કાર્યભાર સંભાળી લેશે. સરનાએ જાન્યુઆરીમાં જ બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનરનો ચાર્જ સંભાળ્યો હતો. યુનાઈટેડ સ્ટેટ્સમાં નવેમ્બરમાં નવા પ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ રહી છે તે પરિસ્થિતિમાં નવા ભારતીય એમ્બેસેડર તરીકે ૧૯૮૦ની બેચના IFS અધિકારી નવતેજ સરનાને નિયુક્ત કરાયા છે. બ્રિટન આવતા પહેલા સરના વિદેશ વિભાગમાં સેક્રેટરી હતા. તેમણે ૨૦૦૨થી ૨૦૦૮ સુધી વિદેશપ્રવક્તાની કામગીરી પણ બજાવી છે. તેમણે મોસ્કો, વોર્સો, તહેરાન, જીનીવા અને થિમ્પુમાં પણ કાર્યભાર નિભાવ્યો છે. રાજદ્વારી હોવા ઉપરાંત, સરના સારા લેખક પણ છે. તેમણે થોડા જ સમયમાં લંડનના સાહિત્ય વર્તુળો અને ભારતીય કોમ્યુનિટીમાં લોકપ્રિયતા હાંસલ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter