લંડનઃ સમગ્ર વિશ્વ ચિંતા સાથે યુએસ પ્રમુખ ટ્રમ્પના સંભવિત ટેરિફ રેજિમની રાહ જોઈ રહ્યું છે ત્યારે પ્રાઈમ મિનિસ્ટર સર કેર સ્ટાર્મરે ગ્લોબલ ટ્રેડ વોર શરૂ નહિ કરવા ચેતવણી આપતા કહ્યું હતું કે ટ્રેડ વોર કોઈના પણ હિતમાં નહિ હોય. ડાઉનિંગ સ્ટ્રીટના સૂત્રો અનુસાર જરૂર પડશે તો યુકે પણ અમેરિકી ટેરિફ્સ સામે વળતો પ્રહાર કરતા અચકાશે નહિ.
હોમ સેક્રેટરી ઈવેટ કૂપરે રવિવારે ચેતવણી આપી હતી કે ટેરિફ્સ લાદવી તે વિશ્વ અર્થતંત્ર માટે ખરાબ રહેશે અને યુકે માટે કોઈ લેવીનો પ્રત્યાઘાત આપવા કોઈ પણ વિકલ્પ વિચારણા બહાર નહિ હોય. પ્રાઈમ મિનિસ્ટર સ્ટાર્મર હોમ સેક્રેટરી કૂપરની વોર્નિંગ અને ટ્રેડ વોર કોઈના પણ હિતમાં નહિ હોવાના મુદ્દા સાથે સહમત થયા હતા.
ઉલ્લેખનીય છે કે સ્ટાર્મર અને ટ્રમ્પ વચ્ચે રવિવારે ટેલિફોનિક વાતચીત થઈ હતી અને બંને નેતા ‘આર્થિક સમૃદ્ધિ સમજૂતી’ની વાટાઘાટોમાં આગળ વધવા સંમત થયા હતા. બ્રિટિશ અને અમેરિકી અધિકારીઓ વચ્ચે ચર્ચા સઘન બની છે પરંતુ, દ્વિપક્ષી સમજૂતી માટે 2 એપ્રિલની સમયમર્યાદા નથી. કારની આયાત પર 25 ટકા તેમજ અન્ય ઉત્પાદનો પર વ્યાપક ટેરિફ્સની ધમકીઓ સંદર્ભે સરકાર છેલ્લી ઘડી સુધી વ્હાઈટ હાઉસ સાથે ચર્ચા કરતી રહેશે.