લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાની પ્રેરણાદાયી ‘મન કી બાત’ દ્વારા કરોડો ભારતીયો સાથે પોતાના વિચારો અને આઈડિયાની ભાગીદારી કરવા માટે જાણીતા છે. જોકે, ગાઢ સંબંધો ધરાવતા ભારત અને બ્રિટન જેવા બે મહાન લોકશાહી રાષ્ટ્રો માટે તો ‘દિલ કી બાત’ હોવી જોઈએ. આપણી ભાગીદારીને મજબૂત બનાવવા ઈચ્છતા આપણા જેવા યુકેવાસીઓ માટે તો હું કહીશ કે ‘યે દિલ માગે મોર.’ આપણે ભારત સાથે વધુ અને ગાઢ સંપર્કો કેળવવા માગીએ છીએ અને ખાસ કરીને દ્વિપક્ષી વેપાર, રોકાણો અને મૂડી પ્રવાહો સહિત સહકારને તીવ્ર બનાવવા આનાથી વધુ સારો સમય કયો હોઈ શકે.
બ્રેક્ઝિટ અને આર્ટિકલ-૫૦, યુએસ ચૂંટણીના દિલધડક પરિણામ તેમજ માઈગ્રેશન અને વિઝાના વિવાદિત મુદ્દાઓના કોલાહલ વચ્ચે આપણા સંબંધોની વ્યાખ્યા કરતા મૂળભૂત સિદ્ધાંતોને ભૂલવા ન જોઈએ. બ્રિટિશ ઈતિહાસમાં બ્રેક્ઝિટ પછીના કાળમાં નવી વાસ્તવિકતાઓનો સામનો કરી રહ્યા છીએ ત્યારે આપણે યુકે અને બાકીના વિશ્વ સાથે તેના ભાવિ સંબંધોના ત્રિભેટે ઉભા છીએ. કહેવત છે કે ‘જરૂરિયાતમાં મિત્રતા દર્શાવે તે જ સાચો મિત્ર’. હું આશા રાખીશ કે ભારત આવો અભિગમ અપનાવી યુકેની વહારે આવશે અને યુરોપિયન યુનિયનમાંથી તેની મંત્રણાયુક્ત વિદાયથી સર્જાયેલી આવશ્યકતાઓ અને તકોને બરાબર ઓળખશે.
વેપારની મડાગાંઠને ઉકેલવી
યુકે વર્તમાન ઈયુ બહુપક્ષીય માળખાની બહાર દ્વિપક્ષી વેપારી સોદાઓ ઈચ્છે છે ત્યારે તેણે કેટલાક ઝડપી વિજયો મેળવવાં પડશે. બીજી તરફ, છેલ્લાં નવ વર્ષથી વાટાઘાટો ચાલવા સાથે ઈયુ-ભારત ફ્રી ટ્રેડ ટ્રિટી ઘોંચમાં પડી છે. અનેક મોરચે મહત્ત્વાકાંક્ષી વેપારી સોદાઓ માટે બન્ને પક્ષો પર દબાણ લાવવા ભારત માટે આ સુવર્ણ તક છે. તમે બ્રિટનનો ઈતિહાસ તપાસો તો તે પ્રથમ, આખરે અને હંમેશાં વેપારી રાષ્ટ્ર રહ્યું છે અને મને ખાતરી છે કે ઈયુ કરતા યુકે-ભારત વેપારસંધિ વહેલી થશે. જોકે, બ્રિટન ઈયુ છોડે નહિ ત્યાં સુધી તો વાસ્તવિક સંધિ પર હસ્તાક્ષર કરી શકાશે નહિ, પરંતુ MOUના સહીસિક્કાનો વચગાળાનો તબક્કો પાર પાડી જ શકાય. આમ છતાં, એક સાથે અનેક ટ્રેડ પ્રોસેસીસ ચલાવવાની ક્ષમતા ન હોવાથી યુકે ચતુરાઈ દેખાડી રહ્યું છે જેથી બ્રિટિશ પ્રાધાન્યતા અન્યત્ર હોવાનું ધ્યાનમાં આવી જાય.
વેપાર કરતા ઈન્વેસ્ટમેન્ટને વધુ મહત્ત્વ
વેપારગાડી તો ધીરે ધીરે ચાલવા લાગશે ત્યારે ગત દાયકાની માફક જ દ્વિપક્ષી રોકાણપ્રવાહો ઝડપે આગળ વધશે તેમાં શંકા નથી. બ્રેક્ઝિટ પછીના સ્ટર્લિંગ વિનિમય દરના અવમૂલ્યને કોઈ સરકારી હસ્તક્ષેપ કે પ્રોત્સાહન હાંસલ કરી શકે તેની સરખામણીએ યુકેના ઈન્વર્ડ ઈન્વેસ્ટમેન્ટ્સ માટે ઘણું કર્યું છે. ડોલર સામે સ્ટર્લિંગ ૩૧ વર્ષના તળિયે ઉતર્યો છે ત્યારે ભારતીય કંપનીઓ માટે જો તેઓ વર્તમાન અનિશ્ચિતતાથી આગળ નિહાળી મધ્યમ ગાળાનો વ્યૂહાત્મક વિચાર કરશે તો યુકે બિઝનેસીસ અને મિલકતો હસ્તગત કરવી વધુ આકર્ષક બની રહેશે.
આવું લાંબા ગાળાનું ચિત્ર ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ્સે ૬૦૦ મિલિયન પાઉન્ડમાં Actavis UK & Irelandને હસ્તગત કરીને યુકેમાં અગ્રણી જેનેરિક્સ ખેલાડી બનવામાં જોયું છે. બ્રેક્ઝિટ પછી યુકેમાં આ સૌથી મોટું ભારતીય રોકાણ છે, જે બ્રિટિશ અર્થતંત્રના ભાવિમાં વિશ્વાસના મત સમાન છે. યુકે અને ભારતે સ્થિર, સાતત્યપૂર્ણ અને આગાહી કરી શકાય તેવા બિઝનેસ વાતાવરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ઈન્વેસ્ટમેન્ટ માટે હા પણ માઈગ્રેશન માટે ના?
આપણે સમજવું જ રહ્યું કે માઈગ્રેશનના મુદ્દાએ બિઝનેસ માટે યુકેના ખુલ્લાપણા પર ઘેરું વાદળ ઉભું કર્યું છે. મારો અંગત અનુભવ એવો છે કે બ્રિટન નિખાલસ અને સહિષ્ણુ સમાજ છે, જે આપણા દેશમાં ફાળો આપી શકે તેવા વિશ્વના તમામ લોકોને ખુલ્લા દિલે આવકારે છે. આપણા નવા વડા પ્રધાન થેરેસા મે બ્રિટનને મહાન પ્રબુદ્ધ સમાજ બનાવવા ઈચ્છે છે, જ્યાં વિશેષાધિકાર નહિ, યોગ્યતાનું મહત્ત્વ હોય. તમે ક્યાં જન્મ્યા છો, તમારા માતાપિતા કોણ છે કે તમારી બોલી કઈ છે તેનું નહિ પરંતુ, તમારી પ્રતિભા અને પરિશ્રમનું જ મહત્ત્વ હોય.
બ્રેક્ઝિટ ચર્ચા દરમિયાન કેટલોક ઉશ્કેરાટ અને લાગણીઓ ઉછળી હતી પરંતુ, મને આશા છે કે સમયાંતરે તે શાંત થઈ જશે. આવી લાગણી ક્યાંથી ઉદ્ભવી તે ઓળખી આપણે તેના મૂળ કારણોના નિરાકરણ વિશે વિચારવું જોઈએ. વૈશ્વિકીકરણના પરિબળોથી પાછળ રહેલા લોકો વિમુખતાની લાગણી અનુભવે છે. આ માત્ર બ્રિટનનો નહિ, આંતરરાષ્ટ્રીય અનુભવ છે. જેન ઓસ્ટીનના પુસ્તકોમાંથી કેટલીક સાહિત્યિક ઉપમા વિચારીએ તો મને શ્રદ્ધા છે કે બ્રિટન ‘Pride and Prejudice’ ની ભૂમિના બદલે ‘Sense and Sensibility’નૂ ભૂમિ બની રહેશે.
મૂડીપ્રવાહોને ઉત્તેજન
વિશ્વની મોટી ફાઈનાન્સિયલ સંસ્થાઓ સાથે ગત ૨૫ વર્ષ ગાળ્યા હોવાથી એક મહત્ત્વની બાબત હું ધ્યાન પર લાવી શકું કે ભારતના આર્થિક વિકાસના ફાઈનાન્સિંગમાં બ્રિટન ભૂમિકા મભજવી શકે છે. લંડન વિશ્વનું સત્તાવાર અને પ્રથમ ક્રમનું ફાઈનાન્સિયલ સેન્ટર છે, કોઈ પણ કેન્દ્ર કરતા સૌથી વધુ ૨૫૦થી વધુ વિદેશી બેન્કો અહીં છે. લંડન સ્ટોક એક્સચેન્જમાં ૫૦૦થી વધુ વિદેશી કંપની લિસ્ટેડ છે અને વિશ્વના ફોરેન એક્સચેન્જ વ્યવહારોના ૪૦ ટકા આ સિટીમાં થાય છે. ખરેખર તો, ન્યુ યોર્ક કરતા પણ લંડનમાં યુએસ ડોલરના વધુ સોદા થાય છે.
યુકેસ્થિત ફંડ મેનેજર્સ એસેટ્સમાં છ ટ્રિલિયન પાઉન્ડથી વધુ રોકાણ કરે છે, જે ભારતીય અર્થતંત્રના કદ કરતા લગભગ પાંચ ગણુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત નવેમ્બરમાં તેમના પ્રખ્યાત વેમ્બલી સ્ટેડિયમ પ્રવચનમાં ‘ જેમ્સ બોન્ડ, બ્રૂક બોન્ડ અને રુપી બોન્ડ’ની વાત કર્યા પછી લંડને ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા ૩૨ મસાલા બોન્ડ ઈસ્યુ થકી ૪ બિલિયન અમેરિકી ડોલર એકત્ર કર્યા છે. વિશ્વના સૌપ્રથમ ભારતીય કોર્પોરેટ મસાલા બોન્ડ HDFC દ્વારા ઈસ્યુ કરાયા હતા.
જોકે, આ તો શરૂઆત છે. ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા, ભારતની કંપનીઓ માટે બોન્ડ્સ કે ઈક્વિટી ઈસ્યુ કરવા, તેમના જોખમોને વીમાકવચ આપવા- લંડનના લોઈડ્સને ઓફશોર કામગીરી માટે હંમણાં જ પરવાનગી મળી છે, હેજ કરન્સી અથવા કોમોડિટી એક્સ્પોઝર્સ તેમજ એકાઉન્ટિંગથી કાનૂની સર્વિસીસ સુધી વિશ્વની શ્રેષ્ઠ પ્રોફેશનલ સર્વિસીસ નેટવર્ક પુરું પાડવા કેપિટલ અને ફાઈનાન્સિયલ તજજ્ઞતાને ગતિશીલ બનાવવાની ક્ષમતા આપણી પાસે છે. ટુંકમાં કહું તો, ભારતના આર્થિક વિકાસના ફાઈનાન્સિંગ માટે યુકે સિવાય વધુ સારો ભાગીદાર કોઈ ન હોઈ શકે તેમ હું માનું છું.
એક સન્માનીય ભારતીય બિઝનેસમેને યુકે-ભારત સંબંધોને દીર્ઘકાળથી પરીણિત દંપતી સમાન ગણાવ્યા હતા. આપણે એકબીજાથી એટલા પરિચિત છીએ કે એકબીજાને સ્વયંસિદ્ધ માની લઈએ છીએ. ઘણી વખત આપણે સંબંધોને તરોતાજા રાખવા નવા તિખારા-ચમકારાની જરૂર પડે છે.
હું આશા રાખું કે આપણે નવા તિખારાને પ્રોત્સાહન આપી શકીએ અને યુકે-ભારત ભાગીદારીની સંપૂર્ણ ક્ષમતા ઉજાગર કરી શકીએ.
(યુકે-ઈન્ડિયા ફોરમના સભ્ય લોર્ડ ગઢિયા બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેના ભારત પ્રવાસમાં સત્તાવાર ડેલિગેશનના સભ્ય તરીકે જોડાયા હતા.)