લંડનઃ ભારત અને યુકે રિન્યુએબલ એનર્જી અને ક્લાઈમેટ ચેન્જના ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે. યુકેના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ, એનર્જી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજી ગ્રેગ ક્લાર્ક અને ભારતના વીજળી, કોલસો, નવી અને રિન્યુએબલ એનર્જીના કેન્દ્રીય રાજ્યપ્રધાન પીયૂષ ગોયલના અધ્યક્ષપદ હેઠળ ભારત-યુકે ‘એનર્જી ફોર ગ્રોથ’ મંત્રણા યોજાઈ હતી.
બન્ને દેશોએ ક્લાઈમેટ ચેન્જને પહોંચી વળવા ૫૦૦ મિલિયન પાઉન્ડ એકત્ર કરવાના ઉદ્દેશ સાથેના જોઈન્ટ ફંડમાં ૧૨૦ મિલિયન પાઉન્ડના રોકાણની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. આ ફંડનું ભારતના ઝડપથી વિકસતા ઊર્જા અને રિન્યુએબલ્સ માર્કેટમાં રોકાણ કરાશે. તેમણે ગ્રીન ફાઈનાન્સને પ્રોત્સાહન પૂરું પાડવામાં G20 ગ્રીન ફાઈનાન્સ સ્ટડી ગ્રૂપે કરેલા કાર્યની પ્રશંસા કરી હતી.
બન્ને પ્રધાનોએ ૭ મિલિયન પાઉન્ડના રોકાણ સાથે યુકેમાં ૭ એનર્જી સેવિંગ પ્રોજેક્ટ સ્થાપનાર એનર્જી એફિશીયન્સી સર્વિસીસ લિમિટેડની કામગીરીની પ્રશંસા કરી હતી. છેલ્લાં બે વર્ષથી કાર્યરત આ પ્રોજેક્ટ વળતર પણ આપી રહ્યા છે.
ભારતમાં સફળ LED બિઝનેસ મોડેલ જેવું મોડેલ યુકેમાં અપનાવવામાં યુકેએ દર્શાવેલી તૈયારીની બન્ને પ્રધાનોએ નોંધ લીધી હતી. નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ રચાયેલા ઈન્ડિયા-યુકે પાર્ટનરશીપ ફંડમાં પણ સારી પ્રગતિ નોંધાઈ છે.