લંડનઃ યુકેની મુલાકાતે આવી પહોંચેલા યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન થેરેસા મેને સધિયારો આપ્યો હતો કે મને ખબર નથી કે તમે શું કરવાના છો પરંતુ બ્રેક્ઝિટ મુદ્દે તમને યોગ્ય લાગે તેમ કરજો. તમે જે કરશો તે અમારા માટે બરાબર છે. એટલી ચોકસાઈ રાખજો કે આપણે સાથે વેપાર કરી શકીએ. આ સાથે ટ્રમ્પે તેમના અગાઉના વિધાનોમાંથી પલટી મારી હતી. ચેકર્સ ખાતે દ્વિપક્ષીય મંત્રણા પછી અસાધારણ પ્રેસ કોન્ફરન્સમાં પસ્તાવાથી વ્યથિત ટ્રમ્પે જણાવ્યું હતું કે બ્રિટન અને યુનાઈટેડ સ્ટેટ્સ વચ્ચે અનોખું બંધન છે અને તેમના અનિવાર્ય સંબંધો વિશિષ્ટતાના સર્વોચ્ચ સ્તરે છે. યુએસ પ્રેસિડેન્ટે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે વડા પ્રધાનની કોઈ ટીકા કરી નથી. આ અતુલનીય મહિલા અભૂતપૂર્વ કામગીરી બજાવી રહી છે. તેમને મારા દુશ્મન કરતા મિત્ર રાખવા વધુ પસંદ કરું છું. ટ્રમ્પે સન અખબાર સાથે તેમના ભડકાઉ બ્રેક્ઝિટ ઈન્ટર્વ્યૂને ‘ફેડ ન્યૂઝ’ કહીને ફગાવી દઈ કહ્યું હતું કે તેમણે આ વિશે પ્રાઈમ મિનિસ્ટરની માફી પણ માગી લીધી છે. વડા પ્રધાન મેએ પણ પ્રેસિડેન્ટને ખાતરી આપી હતી કે તેઓ હજું સારા મિત્રો જ છે.
ક્વીનની ગરિમા અને શાહી પરંપરાનો ભંગ
યુકેની મુલાકાતે આવેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે મહારાણી એલિઝાબેથ દ્વિતીયને મળવા ગયા ત્યારે તેમણે ક્વીનની ગરિમા અને શાહી પરંપરાઓનું ઉલ્લંઘન કર્યું હતું. પાંચ વાગ્યાની એપોઈન્ટમેન્ટ હતી છતાં, તેમણે ૯૨ વર્ષના ક્વીનને ૮૦ ડીગ્રી ફેરનહીટ ગરમીમાં ૧૨થી ૧૫ મિનિટ સુધી રાહ જોતાં રાખ્યાં હતાં. આ પછી, તેમણે શિષ્ટાચારી નમન કર્યા વિના હસ્તધૂનન કર્યું હતું. ફર્સ્ટ લેડી મેલેનિયાએ પણ હસ્તધૂનન પસંદ કર્યું હતું. તેમણે મહારાણીને પીઠ દર્શાવવાની સૌથી મોટી ભૂલ કરી હતી. ગ્રાન્ડ ઓફ ઓનરના ઈન્સ્પેક્શન વેળાએ તેઓ ક્વીનની આગળ આગળ ચાલતા રહ્યા હતા. શિષ્ટાચારનું આ સૌથી મોટું ઉલ્લંઘન હતું. ક્વીને અવારનવાર તેમને ડાબી બાજુએ ચાલવાના ઈશારા કર્યાં હતાં પરંતુ, ટ્રમ્પ પોતાની ધૂનમાં મસ્ત જણાયા હતા. આ પછી, ક્વીને પ્રયાસ છોડી દીધાં હતાં. ૭૦ વર્ષથી પતિ તરીકે ક્વીનનો સાથ નિભાવતા ૯૭ વર્ષીય પ્રિન્સ ફિલિપ પણ જાહેરમાં ક્વીનથી થોડાં પગલાં પાછળ જ ચાલે છે. શાહી શિષ્ટાચારને નહિ અનુસરવાની ટ્રમ્પની અનાદરપૂર્ણ રીતભાત સામે સોશિયલ મીડિયા પર ભારે વિવાદનો વંટોળ ઉઠ્યો હતો. ટ્રમ્પનો દેખાવ પણ અસ્તવ્યસ્ત જણાયો હતો.
બ્લેઈનહેમ પેલેસ ખાતે સ્વાગત ડિનર
થેરેસા મેએ બ્રેક્ઝિટ પછી યુએસ સાથે મહત્ત્વાકાંક્ષી નવો વેપારી સોદો કરવા માટે પોતાનો પક્ષ રજૂ કરવા બ્લેઈનહેમ પેલેસ ખાતે સ્વાગત ડિનરનો ઉપયોગ કર્યો હતો. થેરેસા મે સાથે સ્વાગત ડિનરમાં ચાન્સેલર ફિલિપ હેમન્ડ, ફોરેન સેક્રેટરી જેરેમી હન્ટ, ડિફેન્સ સેક્રેટરી ગેવિન વિલિયમસન, ટ્રેડ સેક્રેટરી લિઆમ ફોક્સ, બ્રિઝનેસ સેક્રેટરી ગ્રેગ ક્લાર્ક, ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ક્રિસ ગ્રેલિંગ સહિતના મિનિસ્ટર્સ હાજર હતા.
વિન્સ્ટન ચર્ચિલના ૧૮મી સદીના યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટના જન્મસ્થળે બિઝનેસ અગ્રણીઓ સમક્ષ યુએસ પ્રમુખને સંબોધતા થેરેસા મેએ ભારપૂર્વક કહ્યું હતું કે બ્રેક્ઝિટ નોકરીઓ અને વિકાસને ભારે પ્રોત્સાહન માટેની અભૂતપૂર્વ તક સર્જશે. ૧૦ લાખથી વધુ અમેરિકનો બ્રિટિશ માલિકીની કંપનીઓ માટે કામ કરે છે તેમ જણાવતાં વડા પ્રધાને કહ્યું હતું કે ફ્રી ટેડ એગ્રીમેન્ટ યુકે અને યુએસમાં નોકરીઓ અને વિકાસને પ્રોત્સાહન આપશે. એડવાન્સ્ડ ટેકનોલોજીમાં સહકાર દ્વારા વિશ્વનું ભવિષ્ય પણ ઘડી શકાશે.
બ્રિટન અને યુએસ એકબીજાના અર્થતંત્રોમાં ટ્રિલિયન ડોલર્સથી વધુના રોકાણો સાથે સૌથી મોટા ઈન્વેસ્ટર્સ છે. યુએસમાં તમામ વિદેશી રોકાણોમાં યુકેનો લગભગ પાંચમો હિસ્સો છે. યુકેના રોકાણો ચીનથી ૨૦ ગણા તેમજ ફ્રાન્સ અને જર્મનીના સંયુક્ત હિસ્સા કરતાં પણ વધુ છે.
સોફ્ટ્ બ્રેક્ઝિટ સામે ટ્રમ્પની ચેતવણી
યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મેને ચેતવણી આપી હતી કે સોફ્ટ બ્રેક્ઝિટની તેમની યોજના યુએસ-યુકે વેપારસોદાની શક્યતાનો અંત લાવશે. તેમણે સન અખબારને મુલાકાતમાં કહ્યું હતું કે યુરોપિયન યુનિયન સાથે ગાઢ સંબંધો રાખવાનો પ્રયાસ ભવિષ્યમાં યુએસ સાથે વેપારીસોદાને અશક્ય બનાવશે. ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે સોફ્ટ બ્રેક્ઝિટ રણનીતિ સંબંધે થેરેસા મેને ચેતવણી આપી હતી, પરંતુ તેમણે કાને ધરી જ નહિ. થેરેસા મેની યોજનામાં યુકે સિંગલ માર્કેટમાં રહી કસ્ટ્મ્સ એરેન્જમેન્ટ ધરાવે, જેનાથી ઈયુ સાથે તેના સામાન્ય નિયમો સર્જાશે. ટ્રમ્પે કહ્યું હતું કે,‘આવું પગલું યુએસ સાથે ભાવિ વાટાઘાટો મુશ્કેલ બનાવશે. જો યુકે આવો સોદો કરશે તો અમે યુકેના બદલે યુરોપિયન યુનિીયન સાથે જ સોદો કરતા હોઈએ તેમ ગણાશે.’
બોરિસ જ્હોન્સન વધુ સારા વડા પ્રધાન બની શકે
ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે તેમના મતે પૂર્વ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સન વધુ સારા વડા પ્રધાન બની શકે તેમ છે. ‘તેઓ ઘણા પ્રતિભાશાળી છે અને મને તેમના તરફ આદર છે. તેઓ દેખીતી રીતે જ મારા માટે સારું બોલે છે. તેમણે સરકાર છોડી તેનાથી મને દુઃખ થયું છે અને કોઈ તબક્કે તેઓ પાછા આવશે તેવી મને આશા છે. હું માનું છું કે તેઓ તમારા દેશના બહુ સારા પ્રતિનિધિ છે.’
ટેરર એટેક્સ માટે સાદિક ખાન જવાબદાર
યુકેની મુલાકાત અગાઉ, વિવિધ વિષયોને આવરી લેતા ઈન્ટર્વ્યૂમાં યુએસ પ્રમુખે લંડનના મેયર સાદિન ખાનની આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજધાનીમાં કરાયેલા ત્રાસવાદી હુમલાઓ માટે ખાન જવાબદાર હોવાનું તેઓ માને છે. ખાને ત્રાસવાદ અને અપરાધોને ડામવામાં ખરાબ કામગીરી કરી છે. ટ્રમ્પ યુકેમાં આવકાર્ય ન હોવાની લાગણી બદલે તેમણે મેયરને દોષી ગણાવતા કહ્યું હતું કે તેમને લંડન ગમતું હતું.
ઈમિગ્રેશનની યુકેની સંસ્કૃતિ પર ખરાબ અસર
યુએસ પ્રમુખે યુકે અને યુરોપમાં મોટા પ્રમાણમાં ઈમિગ્રેશનની ભારે ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘લાખો લોકોને યુરોપમાં પ્રવેશની પરવાનગી આપવી તે દુઃખદ અને શરમજનક બાબત છે. હું યુરોપના શહેરોને જોઉં છું અને તે ગમશે નહિ તેના વિશે હું ચોક્કસ છે.’ તેમણે દાવો કર્યો હતો કે, ‘ઈમિગ્રેશનના કારણે યુકે અને બાકીનું યુરોપ તેમની આગમી સંસ્કૃતિ ગુમાવી રહ્યા છે. કેટલાંક ચોક્કસ વિસ્તારોનું તો ૧૦થી ૧૫ વર્ષ પહેલા અસ્તિત્વ જ ન હતું.’
તેમણે કહ્યું હતું કે તેઓ ક્વીનનો આદર કરે છે, તેઓ મહાન મહિલા છે જેમણે કદી ક્ષોભજનક ભૂલો કરી નથી.
ટ્રમ્પના આગમન સામે ભારે વિરોધ
પ્રમુખ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયાએ લંડનના રીજન્ટ્સ પાર્કમાં યુએસ રાજદૂતના નિવાસસ્થાને રાત્રિરોકાણ કર્યું હતું. ટ્રમ્પ પોતાની સાથે ૧૦૦૦ લોકોનો સ્ટાફ લઈને આવ્યા છે. બ્લેઈનહેમ પેલેસના દરવાજાની બહાર સેંકડો દેખાવકારોએ ‘ડમ્પ ટ્રમ્પ, નોટ વેલકમ હીયર’ ‘પ્રોટેક્ટ ચિલ્ડ્રન નોટ ટ્રમ્પ’ સહિતના બેનર્સ લહેરાવ્યા હતા. યુનિયન્સ, ફેઈથ અને પર્યાવરણ જૂથો સહિતના લોકો ટ્રમ્પની યુકે મુલાકાતનો વિરોધ કરવા એકત્ર થયા હતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે,‘હું માનું છું કે યુકેમાં મને લોકો ઘણું પસંદ કરે છે.’
ડોનાલ્ડ ટ્રમ્પની આ મુલાકાતનો હજારો લોકોએ સડકો પર વિરોધ કર્યો હતો. બ્રિસ્ટલમાં હજારથી વધુ લોકોએ હાર્બરસાઇડમાં પ્રાઇમ મિનિસ્ટર થેરેસા મેએ યુએસ પ્રેસિડન્ટને આમંત્રણ આપ્યું તે અંગે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. બ્રિસ્ટલ બ્રિજ, બાલ્ડવિન સ્ટ્રીટ, રેડક્લિફ અને ટેમ્પલ મિડ્સ સુધી યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં લોકોએ બ્રાઇટ યલો કલરની વિગ પહેરી હતી.
લોકોએ રસ્તા પર હાથથી બનેલા પ્લેકાર્ડ્સમાં 'રેફ્યૂજીઓને અહીં આશ્રય આપવામાં આવે છે', 'ટ્રમ્પને ના, જાતિવાદને ના' જેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો. હજારો લોકો રસ્તા પર આવી જતાં રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.