યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ યુનાઈટેડ કિંગ્ડમના યુગાન્ડાના હાઈ કમિશનર તરીકે એમ્બેસેડર નિમિષા માધવાણીની નિમણુંક કર્યાની વીકેન્ડમાં વિશેષ જાહેરાત કરી હતી. તેઓ ૨૦૨૨ના પ્રારંભમાં લંડનમાં પોતાનો નવો હોદ્દો સંભાળશે. ઈસ્ટ આફ્રિકાના અગ્રણી પરિવારના સભ્ય નિમિષા માધવાણી ઉદ્યોગપતિ સ્વ. જયંતિભાઈ મૂળજીભાઈ માધવાણી અને મીનાબેન માધવાણી (તેમનું આ વર્ષે અવસાન થયું હતું)ના પુત્રી અને બિઝનેસ માંધાતા મયૂર માધવાણીના ભત્રીજી છે.
યુગાન્ડામાં માધવાણી ગ્રૂપની છેલ્લા ૧૦૦ કરતાં વધુ વર્ષથી વિશેષ ઉપસ્થિતિ છે. યુગાન્ડાના જીડીપીમાં તેનું ૯ ટકા જેટલું યોગદાન છે. તે યુકેમાં સંચાલિત સૌથી મોટા પ્રાઈવેટ સેક્ટર બિઝનેસીસ પૈકી એક છે.
ઘણાં લોકોનું માનવું છે કે નિમિષા માધવાણીની જે માધવાણી બ્રાન્ડ છે તે યુકે અને યુગાન્ડાના સંબંધ મજબૂત બનાવવામાં અને આવતા વર્ષે ડાયસ્પોરાને પ્રેરિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ નિમણુંકથી સદભાવના વધશે અને વ્યાપાર તથા મૂડીરોકાણમાં વેગ આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
નિમિષાનો યુગાન્ડાની ડિપ્લોમેટિક સર્વિસમાં ફરજ બજાવવાનો લાંબો ભૂતકાળ છે. તેઓ ૧૯૯૦ના દસકાના પ્રારંભમાં તેની સાથે જોડાયા હતા. પહેલા તેઓ વોશિંગ્ટન – ડીસીમાં અને પાછળથી ભારતમાં જોડાયા હતા. તેમનું છેલ્લું પોસ્ટિંગ નોર્ડિક દેશોમાં હતું. જેમાં ડેન્માર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીડનનો સમાવેશ થાય છે. તે અગાઉ તેમણે યુનાઈટેડ આરબ અમીરાત અને ઈન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી (IRENA)માં યુગાન્ડાના એમ્બેસેડર તરીકે ફરજ બજાવી હતી. તે પહેલાં તેમણે યુગાન્ડાના એમ્બેસેડર તરીકે ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ અને પેરિસ સ્થિત યુનેસ્કોમાં કામગીરી કરી હતી. યુગાન્ડા અને એશિયન ડાયસ્પોરાએ, બિઝનેસ જગતના અગ્રણીઓએ તથા લોર્ડ ડોલર પોપટ, વડા પ્રધાનના યુગાન્ડા ખાતેના ટ્રેડ એન્વોય સહિત યુકે સરકારે તેમની નિમણુંકને આવકારીને ખુશી વ્યક્ત કરી હતી.
‘એશિયન વોઈસ’ સાથેની વાતચીતમાં લોર્ડ ડોલર પોપટે જણાવ્યું હતું કે યુકે ખાતે યુગાન્ડાના હાઈ કમિશનર તરીકે નિમિષા માધવાણીની નિમણુંકથી તેમને ખૂબ આનંદ થયો છે. તેમના બિઝનેસ અનુભવ, સ્થાનિક કૌશલ્ય અને સંપર્કોને લીધે યુકે અને યુગાન્ડા વચ્ચેના દ્વિપક્ષીય વ્યાપાર અને રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.
લોર્ડ ડોલર પોપટ યુગાન્ડામાં બ્રિટનની નિકાસ વધારવા અને તે પ્રદેશમાં યુકેના વ્યાપાર અને મૂડીરોકાણને બમણું કરવા ઉત્સુક છે. ઉત્તર યુગાન્ડાના હોઈમા જિલ્લામાં બ્રિટિશ હોસ્પિટલની સ્થાપનાના યુગાન્ડાના ફાર્માસ્યુટિકલ ‘નમન્વે પાર્ક’ ને નાણાંકીય સહાય આપવા અને બ્રિટિશ
ઈલેક્ટ્રિસિટી અને સોલર એનર્જી પ્રોજેક્ટ્સ સહિત યુકેના અન્ય ફ્લેગશીપ પ્રોજેક્ટસ છે.
જેન્ડર ઈક્વાલિટી તેમજ યુગાન્ડામાં શાંતિ, સમૃદ્ધિ અને વિકાસને વધારવા માટે વધુ મૂડીરોકાણ અને ટુરિઝમને પ્રોત્સાહન આપવા મૂડીરોકાણ પ્રત્યે પ્રમુખ મુસેવેની અને તેમની સરકારની પ્રતિબદ્ધતા અંગે નિમિષાની નિમણુંક વધુ સૂચક બને છે. ૧૯૭૨માં યુગાન્ડામાંથી યુગાન્ડન એશિયનોની હકાલપટ્ટીની ૫૦મી જયંતી તેમજ યુગાન્ડાના સ્વાતંત્ર્યની ૬૦મી જયંતી નિમિત્તે
ડાયસ્પોરા ઉજવણીની શરૂઆત કરી રહ્યો છે તેવા મહત્ત્વના તબક્કે નિમિષા માધવાણીની નિમણુંક થઈ છે. તેમના વિશાળ અનુભવને લીધે પ્રમુખ મુસેવેનીને લાગ્યું હશે કે આ સીમાચિહ્ન ઉજવણી દરમિયાન યુગાન્ડાનું પ્રતિનિધિત્વ કરવા માટે તેઓ યોગ્ય ઉમેદવાર છે.
આવતા વર્ષે આ ઉજવણીમાં ભાગ લેવા માટે દુનિયાભરના ૫,૦૦૦થી વધુ યુગાન્ડન એશિયન યુગાન્ડા આવે તેવી શક્યતા છે. પ્રમુખ મુસેવેની તે તમામને આવકારવા ઉત્સુક છે. સમગ્ર ૨૦૨૨ દરમિયાન જયંતી અને યુકે તથા યુગાન્ડાના સંબંધની ઉજવણીનું આયોજન થશે.
આ ઉજવણીમાં એન્ટેબી અને લંડન હિથરો વચ્ચે નવી યુગાન્ડા એરલાઈન્સ સર્વિસના પ્રારંભનો પણ સમાવેશ થાય છે. ટ્રેડ એન્વોય લોર્ડ પોપટ તેમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.
યુગાન્ડાને આફ્રિકામાં ખૂબ ઝડપથી વિકસતું અર્થતંત્ર બનાવવામાં તેમજ છેલ્લાં ૩૦ વર્ષમાં યુગાન્ડામાં અદભૂત પરિવર્તન લાવવામાં પ્રમુખ મુસેવેનીએ જે યોગદાન આપ્યું છે તેની પ્રશંસા કરવાની પણ આ તક હશે. વિકાસ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા તેમજ યુગાન્ડા પાછા ફરવા યુગાન્ડન એશિયનોને આપેલું આમંત્રણ તેમની પ્રત્યેના તેમના સ્નેહને દર્શાવે છે અને તેને માટે પ્રમુખ મુસેવેનીની પ્રશંસા થઈ રહી છે.
એમ્બેસેડર નિમિષા માધવાણીને હર મેજેસ્ટી ધ ક્વિન દ્વારા સત્તાવાર આવકાર અપાય તે પછી તેઓ નવા વર્ષમાં તેમની નવી કામગીરી શરૂ કરે તેવી શક્યતા છે. નિમિષા આ હોદ્દો સંભાળનારા ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ તરીકે પ્રતિનિધિત્વ કરશે અને તે યુગાન્ડાએ સરકારી તથા સિવિલ સર્વિસમાં ઓફિસરોનું વૈવિધ્ય વધારવામાં કરેલી પ્રગતિનું મહત્ત્વ દર્શાવશે.