લંડનઃ બ્રિટનના સસેકસથી પૂર્વ ચીનના ઝેજિઆંગ પ્રાંતના યીવુ શહેર સુધીની ૩૦ ડબ્બા સાથેની પ્રથમ ગુડ્ઝ ટ્રેન ડીપી વર્લ્ડ લોકોમોટિવ સોમવાર, ૧૦ એપ્રિલે રવાના થઈ હતી. આ ટ્રેન ૭,૫૦૦ માઈલ (૧૨,૦૭૦ કિલોમીટર) નું અંતર કાપી ૧૭ દિવસ પછી ચીનના યીવુ પહોંચશે. આ ટ્રેનમાં વ્હીસ્કી, હળવા પીણાં, વિટામીન્સ, બેબી પ્રોડક્ટ્સ અને દવાઓ છે. ત્રણ મહિના અગાઉ ૧૮ જાન્યુઆરીએ ચીનથી ગુડ્ઝ ટ્રેન બ્રિટનના લંડન સ્ટેશને આવી પહોંચી હતી, જેમાં ઘરેલુ સામાન, વસ્ત્રો, પગરખા અને સૂટકેસ તથા બેગ હતી.
ચીન સાથે રેલમાર્ગે સંપર્ક સ્થાપિત કરનાર લંડન ૧૫મુ શહેર છે. ટ્રેન ચેનલ ટનલમાંથી પસાર થયાં પછી સાત દેશ- ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, પોલેન્ડ, બેલારુસ, રશિયા અને કઝાખસ્તાનનો પ્રવાસ ખેડી ૨૭ એપ્રિલે ચીન પહોંચશે. ચીનની આ રેલવે લાઈન વિશ્વની સૌથી લાંબી છે. ઓપરેટર્સના જણાવ્યા મુજબ રેલમાર્ગે સામાન પહોંચાડવો હવાઈમાર્ગ કરતા સસ્તો અને સમુદ્રમાર્ગ કરતા ઝડપી છે.
૨,૦૦૦થી વધુ વર્ષ અગાઉ સિલ્ક રુટ મારફતે પશ્ચિમ અને પૂર્વ વચ્ચે વેપાર થતો હતો, જેને પુનર્જિવિત કરવાનો પ્રયાસ કરાયો છે. યુરોપ અને ચીન વચ્ચે ૨૦૧૬માં ૪૦,૦૦૦ કન્ટેનર ભરેલી ચીજવસ્તુઓની આયાત-નિકાસ થઈ હતી. આ લક્ષ્યાંક વધારી ૨૦૨૦ સુધીમાં ૧૦૦,૦૦૦ કન્ટેનર કરવાનો છે. યુરોપના અનેક દેશોમાં ચીન ૨૦૧૧થી રેલમાર્ગે ચીજવસ્તુઓ મોકલે છે.