લંડનઃ યુકે છોડીને જઇ રહેલા અમીરો પર એક્ઝિટ ટેક્સ લાદવા ચાન્સેલર રાચેલ રીવ્ઝને અપીલ કરાઇ છે. ડાબેરી ઝોક ધરાવતી થિન્ક ટેન્ક રિઝોલ્યુશન ફાઉન્ડેશને દેશમાંથી નાણા બહાર લઇ જઇ રહેલા અમીર રોકાણકારો અથવા તો વિદેશોમાં સ્થળાંતર કરી રહેલા અમીરો પર કેપિટલ ગેઇન ટેક્સ ચાર્જ લાદવાની ભલામણ કરી છે. આગામી મહિને બજેટ આવે તે પહેલાં મોટી સંખ્યામાં અમીરો દેશ છોડે તેવી સંભાવના છે.
વર્તમાન નિયમો પ્રમાણે ઇન્વેસ્ટરો પાંચ કરતાં વધુ વર્ષ માટે યુકે છોડીને જાય તો યુકેમાં કરેલા રોકાણો પર તેમને કોઇ કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવાનો થતો નથી. રિઝોલ્યુશન ફાઉન્ડેશને આ નિયમો રદ કરવાની માગ કરી છે. થિન્ક ટેન્કે જણાવ્યું હતું કે, સરકારે ઓસ્ટ્રિયાની જેમ દેશ છોડીને જતા અમીરો પાસેથી એક્ઝિટ ચાર્જ વસૂલવો જોઇએ. ઓસ્ટ્રિયામાં દેશ છોડીને જતા લોકો પાસેથી કેપિટલ ગેઇન ટેક્સ વસૂલવામાં આવે છે.
જ્યારે ઇન્વેસ્ટરો તેમનું ફિસ્કલ રેસિડેન્સ અન્ય દેશોમાં સ્થળાંતરિત કરે છે તેવા સંજોગોમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકામાં પણ એક્ઝિટ ટેક્સ વસૂલવામાં આવે છે. આ વર્ષે 9500 મિલિયોનર્સ યુકે છોડી અન્ય દેશોમાં સ્થળાંતર કરે તેવી સંભાવના છે.