લંડનઃ યુકેએ દાયકાઓથી આફ્રિકામાંથી બહાર સોનાને દાણચોરીથી મોકલવાના આક્ષેપો ધરાવતા કેન્યન બિઝનેસમેન કમલેશ પટ્ટણી સામે પ્રતિબંધો લગાવ્યા છે. યુકે અને યુએસ સરકારોએ સોનાના ગેરકાયદે વેપારમાં કથિત સંડોવણી મુદ્દે કમલેશ પટ્ટણી સામે પ્રતિબંધ જાહેર કરી પટ્ટણી તેમજ તેની પત્ની અને સાળા સહિત અન્ય ચાર વ્યક્તિની સંપત્તિ ફ્રીઝ કરવામાં આવશે.
પટ્ટણી કેન્યાના સૌથી મોટા ભ્રષ્ટાચાર અને કરન્સી ફ્રોડ કૌભાંડોમાં એક ગોલ્ડનબર્ગમાં સંડોવાયેલો છે જેનાથી દેશને ઓછામાં ઓછાં 600 મિલિયન ડોલર (470 મિલિયન પાઉન્ડ)નું નુકસાન ગયું હોવાનું મનાય છે. આ કૌભાંડમાં કેન્યા સરકારના વરિષ્ઠ સભ્યો પણ સંડોવાયા હતા. આ કૌભાંડમાં તેની કથિત સંડોવણી બદલ 2006માં તેની સામે ખટલો પણ ચલાવાનો હતો જેની કાર્યવાહી પડતી મૂકાઈ હતી. આ પછી ઝિમ્બાબ્વેમાં સોનાના ગેરકાયદે વેપારમાં તેની સંડોવણીના આક્ષેપો થતાં રહ્યાં છે જેનો તેણે અગાઉ ઈનકાર કર્યો હતો.
યુકે ફોરેન એન્ડ કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસના સ્ટેટમેન્ટ મુજબ ‘ગેરકાયદે સોનુ મૂલ્યવાન કોમોડિટીના કાયદેસર વેપાર પરનો હુમલો છે. જેનાથી ભ્રષ્ટાચારને વેગ મળે છે, કાયદાના શાસનનું મહત્ત્વ ઘટે છે તેમજ બાળમજૂરી જેવા માનવાધિકાર દૂષણો વધે છે. રશિયા મની લોન્ડરિંગ માટે અને પ્રતિબંધોને ટાળવા સોનાના ગેરકાયદે વેપારનો ઉપયોગ કરે છે તેમજ પુતિનના યુદ્ધપ્રયાસોને બળ આપે છે.’ યુકે અને અન્ય પશ્ચિમી દેશોએ યુદ્ધમાં નાણા ફાળવવાની મોસ્કોની ક્ષમતાને અટકાવવા 2022માં રશિયન સોનાની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે.
યુએસ ટ્રેઝરીના જણાવ્યા અનુસાર પટ્ટણીની ઝિમ્બાબ્વેના પૂર્વ પ્રેસિડેન્ટ રોબર્ટ મુગાબે સાથે મિત્રતા હતી અને તેમે આ સંબંધોનો ઉપયોગ દેશના કુદરતી સંસાધનોના દુરુપયોગ થકી નાણા બનાવવામાં કર્યો હતો. કમલેશ પટ્ટણીને અલ-જઝીરા દ્વારા ઝિમ્બાબ્વેના ‘ગોલ્ડ માફિયા’માં વિસ્ફોટક ઈન્વેસ્ટિગેશન્સમાં પટ્ટણીની સંડોવણી બહાર આવી હતી. જોકે, તેણે મની લોન્ડરિંગ અથવા ગોલ્ડ સ્મગલિંગમાં કોઈ સંડોવણીને નકારી કાઢી હતી.