લંડન, બ્રસેલ્સઃ બ્રિટન તેના નિષ્ફળ એસાઈલમ સીકર્સને યુરોપ મોકલતા અટકાવે તેવી દરખાસ્તો પર યુરોપિયન કમિશન વિચાર કરી રહ્યું છે. એસાઈલમ કે રાજ્યાશ્રય અંગેના નિયમો હેઠળ બ્રિટન દર વર્ષે ૧,૦૦૦ જેટલા નિષ્ફળ દાવેદારોને દેશનિકાલ કરી શકે છે. વડા પ્રધાન કાર્યાલય નંબર-૧૦ દ્વારા દાવો કરાયો હતો કે બ્રિટિશ સત્તાવાળાના લોબીઈંગના કારણે જ સિસ્ટમ પડતી મૂકાતા અટકી હતી. જોકે, ડાઉનિંગ સ્ટ્રીટને ફટકારુપ કમિશનના રિપોર્ટમાં જણાવાયું છે કે વર્તમાન નિયમો ચાલી શકે તેમ નથી.
યુરોપિયન યુનિયન કેન્દ્રીય સિસ્ટમ વિચારી રહ્યું છે, જેમાં સભ્ય રાષ્ટ્રો પાસેથી સત્તા આંચકી ઈયુ દ્વારા વ્યક્તિગત દાવાઓ પર નિર્ણય લેવાશે. કમિશને જણાવ્યું છે કે માઈગ્રન્ટ કટોકટીએ પ્રવર્તમાન સિસ્ટમની નબળાઈઓ ખુલ્લી પાડી છે, જ્યાં ભિન્ન રાષ્ટ્રીય અભિગમોએ કથિત ‘એસાઈલમ શોપિંગ’ને ઉત્તેજન આપ્યું છે. એક દરખાસ્ત ‘ડબ્લિન રેગ્યુલેશન’ રદ કરવાની છે, જેના હેઠળ એસાઈલમ સીકર્સને સભ્ય રાષ્ટ્રોમાં વહેંચી દેવાના બદલે જે દેશમાં તે પ્રથમ આવે ત્યાં જ રહેવા દેવાય છે.
યુકે ફેડરલ સિસ્ટમમાંથી બહાર નીકળવાનો વિકલ્પ અપનાવી શકે છે, પરંતુ તે ‘ડબ્લિન રેગ્યુલેશન’ હેઠળ દેશનિકાલની સત્તા ગુમાવશે. આ નિયમ હેઠળ છેક ૨૦૦૩થી ૧૨,૦૦૦થી વધુ લોકો બ્રિટનથી અન્ય ઈયુ દેશોમાં ખસેડાયા છે. અગ્રણી યુરોપવિરોધી એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, ‘ઈયુ વર્તમાન માઈગ્રન્ટ કટોકટી જેવી ઘટનાઓનો સામનો કરવામાં નિષ્ફળ ગયેલ છે. ઈયુની નિષ્ફળ નીતિઓ સંબંધે તેનો એકમાત્ર પ્રતિભાવ વધુ નાણા માગવાનો જ રહે છે.’ આપણે પોતાની ઈમિગ્રેશન અને એસાઈલમ નીતિઓ પરનું નિયંત્રણ પાછું લેવાની ખાસ જરૂર છે.