લંડનઃ તુર્કી દ્વારા કુર્દ દળો પર કરાયેલા હુમલાની બ્રિટન અને યુરોપના અન્ય દેશો પર ગંભીર અસર પડી શકે છે. કુર્દોની જેલોમાંથી ઈસ્લામિક સ્ટેટ (IS)ના ૧૦૦૦ જેટલા કેદી અને જેહાદી લડવૈયાઓ ફરાર થતાં ત્રાસવાદી હુમલાઓનું જોખમ વધવાની ચેતવણી અપાઈ છે.
કુર્દ દળો પર તુર્કીના હુમલાના પગલે આયન ઈસા કેમ્પમાંથી ઈસ્લામિક સ્ટેટના ૯૫૦ કેદી ભાગી છૂટ્યા છે તેમજ નાવકુર પ્રિઝનમાંથી પણ કેદીઓ નાસી છૂટ્યાં છે. બ્રિટિશ ISરીક્રુટર ટૂબા ગોન્ડાલ પણ તેનાં બે બાળકો સાથે કેમ્પમાંથી નાસી છૂટી હોવાનું કહેવાય છે. લંડનની સ્કૂલગર્લ શમીમા બેગમની ભરતી પણ ગોન્ડાલે કરી હોવાનું મનાય છે. શમીમાના ઠેકાણાંની જાણ નથી ત્યારે અન્ય ત્રણ બ્રિટિશ ISમહિલાઓ નાસી છૂટી હોવાનું મનાય છે. લંડનના મનાતા અને માતાપિતા માર્યા ગયા છે તેવા ત્રણ બ્રિટિશ બાળકોને અમીરા, હેબા અને હમઝા તરીકે ઓળખી કઢાયાં છે.
કુર્દીશ દળો ઈસ્લામિક સ્ટેટના બ્રિટિશરો સહિત ૧૦,૦૦૦ સભ્યોની ચોકી કરતા હતા પરંતુ, યુદ્ધના કારણે ISના વધુ લડવૈયા નાસી છૂટશે તેમ પણ દળોએ સ્વીકાર્યું હતું. તુર્કીનું પીઠબળ ધરાવતા સેંકડો બળવાખોરો ઈસ્લામિક સ્ટેટના જેહાદીઓ સાથે જોડાણ ધરાવે છે અને કુર્દ જેલોમાંથી લડવૈયા કેદીઓને નસાડવા માગે છે.
તુર્કી-સીરિયા યુદ્ધના કારણે ૧૩૦,૦૦૦થી વધુ નાગરિકો પણ નાસી છૂટ્યા છે જેના કારણે માનવીય આફત સર્જાવાના એંધાણ છે.
બીજી તરફ, બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને તુર્કીના પ્રમુખ રેસેપ તાય્યીપ એર્ડોગનને કુર્દ કબજા હેઠળના ઉત્તર સીરિયા પર લશ્કરી હુમલો અટકાવવા અનુરોધ કર્યો છે. વડા પ્રધાને કહ્યું હતું કે તુર્કી યુકે માટે મહત્ત્વનું ભાગીદાર અને નાટો સાથી છે પરંતુ, યુકે તુર્કીની લશ્કરી કાર્યવાહીને ટ્કો આપી શકે નહિ. ફ્રાન્સ અને જર્મનીએ તુર્કીને શસ્ત્રોનું વેચાણ બંધ કર્યું છે અને અમેરિકા નાણાકીય પ્રતિબંધો લાદવા વિચારી રહ્યું છે.